ખાસ-ખબર ન્યૂઝ તેલ અવીવ, તા.22
ઈઝરાયલે યમનને ખુલ્લી ધમકી આપતાં કહ્યું છે કે જો હૂથી ત્રાસવાદીઓ તેમનાં શસ્ત્રો નહીં મુકે તો યમનની હાલત પણ તહેરાન જેવી થઈ જશે.
ઈઝરાયલે ગાઝા, ઈરાન, સીરીયા અને લેબેનોન સાથે યુદ્ધ મોરચો તો શરૂ કરી જ દીધો છે. ઈરાન સાથે તો થોડા દિવસો પહેલાં જ ભારે યુદ્ધ થઈ ગયું હતું તે દરમિયાન ઈઝરાયલે ઈરાનનાં પાટનગર તહેરાન ઉપર જબરજસ્ત બોમ્બમારો અને મિસાઇલ મારો કર્યો હતો.
હવે યમનના પણ તેવા જ હાલ કરવાની ઈઝરાયલે ખુલ્લી ધમકી આપી છે તેણે કહ્યું છે કે જો હૂથીઓ હથિયાર નહીં મૂકી દે તો યમનની હાલત પણ તહેરાન જેવી કરી દેવામાં આવશે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝે જ આ ધમકી ઉચ્ચારી છે.
ઈઝરાયલે સૌથી વધુ તો યમનનું હોદેદા શહેરને નિશાન બનાવ્યું છે તેના એરફોર્સે હોદેદા સ્થિત ફ્યુએલ ટેન્કો અને તે બંદરગાહમાં રહેલા યુદ્ધ વિમાનોને ટાર્ગેટ કર્યા છે. ડ્રોન દ્વારા પણ તેની ઉપર હુમલા કર્યા છે.
ઈઝરાયલનું કહેવું છે કે, ઈરાનથી આયાત કરેલા શસ્ત્રો અહીં રાખવામાં આવ્યા છે. ઉપરાંત હુથી આતંકીઓનું મુખ્ય મથક જ આ બંદરગાહમાં છે. અહીંથી જ તે તેની કાર્યવાહી કરે છે.
ઈઝરાયલી સેનાએ કહ્યું કે, યમને હુથીઓના અડ્ડાઓ ક્યાં ક્યાં આવેલા છે તેની પૂરી માહિતી છે. તેણે ઈઝરાયલ પર મિસાઇલ હુમલા કર્યા છે, તેના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા છે. અમારી ઉપર હુમલા થશે તો અમે વળતા હુમલા કરીશું જ. ઈરાની નેતાએ કહ્યું હતું કે પાગલ કુતરાની જેમ ઈઝરાયલ હુમલા કરે છે. આથી ઈસ્લામી જગત સળગી જશે.
યમનને ઈઝરાયલની ચેતવણી: હૂથીઓએ શસ્ત્રો ન મૂક્યા તો ખતરનાક પરિણામો ભોગવવા પડશે
