ઇઝરાયલના વિસ્ફોટોથી લેબનોનમાં ખળભળાટ મચી ગયો છે. પેજર અને વોકી-ટોકીઝ, સોલાર પેનલ્સ, લેપટોપ અને રેડિયો સહિતના વિવિધ ઇલેક્ટ્રોનિક ઉપકરણોના વિસ્ફોટોથી માત્ર લેબનોનમાં જ નહીં પરંતુ સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. આ દરમિયાન ઇઝરાયલના યુદ્ધ વિમાનોએ ફરી એકવાર લેબેનોનમાં આતંક મચાવ્યો છે. લેબનોનમાં થયેલા પ્રચંડ વિસ્ફોટો બાદ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહે ગુરુવારે પોતાના સંબોધનમાં ઈઝરાયલની કાર્યવાહીને યુદ્ધની ઘોષણા ગણાવી હતી, પરંતુ જે સમયે નાસલ્લાહ રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા હતા તે સમયે ઇઝરાયલ લેબનોન પર રોકેટ ફાયર કરી રહ્યું હતું.
ઇઝરાયલી દળ IDFએ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવ્યા હતા અને સેંકડો રોકેટ લોન્ચર બેરલનો નાશ કર્યો હતો. હિઝબુલ્લાહ આ રોકેટ લોન્ચર્સનો ઉપયોગ ઈઝરાયલના વિસ્તારમાં વિસ્ફોટો માટે કરવા જઈ રહ્યો હતો. ઈઝરાયલની સેનાનું કહેવું છે કે તેમના ફાઈટર પ્લેન્સે 1000 બેરલવાળા 100 રોકેટ લોન્ચર પર હુમલો કર્યો અને તેનો સંપૂર્ણ નાશ કર્યો છે.
- Advertisement -
લેબનોન પર વારંવાર થઇ રહેલા હુમલાની જવાબદારી હજુ સુધી ઇઝરાયલે લીધી નથી. લેબનોનમાં પેજર અને વોકી ટોકીઝમાં થયેલા વિસ્ફોટ અને 35થી વધુ લોકોના મોત બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી ગયો છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે પહેલાથી જ તણાવ હતો, હવે લેબનોનમાં બનેલી ઘટનાઓએ આ તણાવ અનેકગણો વધારી દીધો છે. અહીં પ્રવતી રહેલી પરિસ્થિતિને જોતા ઘણી એરલાઇન્સે તેમની અહીંની ફ્લાઇટ્સ રદ કરી છે જેથી કરીને કોઈપણ જોખમી પરિસ્થિતિને ટાળી શકાય.
લેબનોન અને સીરિયામાં ફૂટેલા પેજર્સમાં બ્લાસ્ટ પહેલા થોડી સેકન્ડો માટે બીપનો અવાજ સંભળાયો હતો. કેટલાક પેજરનો તો લોકોના ખિસ્સામાં બ્લાસ્ટ થઈ ગયો જ્યારે કેટલાક લોકો બીપિંગનો અવાજ સાંભળીને તેમના ખિસ્સામાંથી અથવા બેગમાંથી પેજર કાઢતા જ બ્લાસ્ટ થઈ ગયા. ઘણા પેજર લોકોના હાથમાં ફૂટ્યા હતા.
આ બ્લાસ્ટમાં એક નાની બાળકી સહિત 12 લોકોના મોત થયા હતા. વિસ્ફોટના કારણે 4000 લોકો ગંભીર અથવા સાધારણ રીતે ઘાયલ થયા હતા. અનેક લોકોના હાથ-પગને નુકસાન થયું હતું. 500 થી વધુ લોકોએ તેમની આંખો ગુમાવી હતી. બ્લાસ્ટમાં કોઈન શરીરના ઉપરના ભાગને નુકસાન થયું હતું તો કોઈના શરીરના નીચેના ભાગ ઉડી ગયા હતા.
લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાનીએ એક આંખ ગુમાવી દીધી હતી જ્યારે તેમની બીજી આંખને ખરાબ રીતે નુકસાન થયું હતું. મૃતકોમાં લેબનીઝ સાંસદોના બાળકો અને હિઝબુલ્લાહ લડવૈયાઓના પરિવારો પણ વિસ્ફોટોનો ભોગ બન્યા હતા.બુધવારે વોકી-ટોકીથી લઈને સોલાર પેનલ, લેપટોપ અને રેડિયો સુધીની દરેક વસ્તુ બ્લાસ્ટ થઈ હતી. આ હુમલામાં 20 લોકોના મોત થયા હતા જ્યારે ઘાયલોની સંખ્યા 450 હતી.
- Advertisement -
ઇઝરાયલ પેજર અને વોકી-ટોકી હુમલામાં તેની સંડોવણી અંગે મૌન રહ્યું છે. તેણે જવાબદારીની પુષ્ટિ કે ઇનકાર કર્યો નથી. જો કે, કેટલાક સુરક્ષા સૂત્રોએ સૂચવ્યું છે કે આ ઓપરેશન ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ દ્વારા કરવામાં આવ્યું હતું. ગયા ઑક્ટોબરમાં ગાઝા યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી, ઇઝરાયલ અને ઇરાન સમર્થિત હિઝબુલ્લાહ ભીષણ સંઘર્ષમાં રોકાયેલા છે.