ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
26મી ફેબ્રુઆરી, 2025ના દિવસે બીજી વાર અમેરિકાના પ્રમુખ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે એક બીજો એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડ્યો, એની હેઠળ એમણે વર્ષ 1990માં દાખલ કરવામાં આવેલ ‘ઈબી-5 પ્રોગ્રામ’ને રદ કર્યો છે અને ગોલ્ડ કાર્ડ દાખલ કર્યા છે. વર્ષ 1990માં અમેરિકાના ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ’ હેઠળ જે ચાર જુદી જુદી ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી’ઓ ઘડવામાં આવી છે એમાં એક પાંચમી કેટેગરીનો ઉમેરો થયો. ‘એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ’ કેટેગરી હેઠળ જે પરદેશી અમેરિકાના નવા બિઝનેસમાં આજે દસ લાખ પચાસ હજાર યા આઠ લાખ ડોલરનું રોકાણ કરે અને એ બિઝનેસમાં દસ અમેરિકનોને ફુલટાઈમ નોકરીમાં રાખે તેમ જ બિઝનેસ જાતે ચલાવે એ પરદેશીને અને એની સાથે સાથે એના કુટુંબીજનો એટલે કે પત્ની યા પતિ અને એકવીસ વર્ષની નીચેની વયનાં અવિવાહિત સંતાનોને ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. શરૂઆતમાં આ ગ્રીનકાર્ડ બે વર્ષનું હોય છે. એ બે વર્ષના અંતે દેખાડી આપતાં કે એમણે બધી શરતોનું પાલન કર્યું છે એટલે એમનું ગ્રીનકાર્ડ કાયમનું કરી આપવામાં આવે છે. આ પછી 1993માં એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ફિફ્થ પ્રેફરન્સ કેટેગરી ‘પાઈલોટ પ્રોગ્રામ’ ઘડવામાં આવ્યો. એની હેઠળ રોકાણ અમેરિકાની સરકારે માન્ય કરેલ રિજનલ સેન્ટરમાં કરવાનું રહે છે. બિઝનેસ ચલાવવાની, દસ અમેરિકનોને નોકરીમાં રાખવાની, આ બધી જ જવાબદારી રિજનલ સેન્ટરની હોય છે. તેઓને એવી છૂટ આપવામાં આવી હોય છે કે તેઓ દરેક રોકાણદીઠ જે દસ અમેરિકનોને નોકરીમાં રાખવાના હોય છે એમને સીધી યા આડકતરી રીતે નોકરી આપી શકે છે. એક વર્ષમાં સમગ્ર વિશ્ર્વના રોકાણકારોને કુલ્લે દસ હજાર ગ્રીનકાર્ડ ‘ઈબી-5 પ્રોગ્રામ’ હેઠળ આપવામાં આવે છે. ભારતીયોને આ ‘ઈબી-5 પ્રોગ્રામ’માં પુષ્કળ રસ પડ્યો છે. રોકાણકારોની સંખ્યામાં એટલો બધો વધારો થયો છે કે વાર્ષિક દસ હજારના સમગ્ર વિશ્ર્વ માટેના ક્વોટા હોવાના કારણે ભારતીયોએ રોકાણ કર્યા પછી ગ્રીનકાર્ડ મેળવવા માટે પાંચ-સાત વર્ષ વાટ જોવાની રહે છે. મુખ્ય વાત એ છે કે ‘ઈબી-5 પ્રોગ્રામ’ હેઠળ જે રોકાણ કરવામાં આવે છે એ રોકાણની રકમ જ્યારે રોકાણકારનું ગ્રીનકાર્ડ કાયમનું કરવામાં આવે છે ત્યારે એમને પાછી મળી શકે છે. ‘ગોલ્ડ કાર્ડ’ દાખલ કરીને ટ્રમ્પે ‘ઈબી-5 પ્રોગ્રામ’ને બંધ કરી દીધો છે.
- Advertisement -
આ એક્ઝિક્યુટિવ ઓર્ડરની જાણ થતાં અમેરિકામાં જે સેંંકડો રિજનલ સેન્ટરો સ્થપાયાં છે અને જેઓ કરોડો ડોલર્સના પ્રોજેક્ટો કરી રહ્યા છે એમના પેટમાં ફાળ પડી છે. જો ‘ઈબી-5 પ્રોગ્રામ’ કાઢી નાખવામાં આવે તો એમના પ્રોજેક્ટ માટે જરૂરી એવાં નાણાં તેઓ ક્યાંથી લાવશે? રિજનલ સેન્ટરના માલિકોની સાથે સાથે અમેરિકન સ્વપ્નાં સેવતા પરદેશીઓ અને એમાં પણ ખાસ કરીને ભારતીયો પણ ગભરાઈ ઊઠ્યા છે. જો ‘ઈબી-5 પ્રોગ્રામ’ રદ કરવામાં આવે તો તેઓ આઠ લાખ ડોલરનું રોકાણ કરીને ગ્રીનકાર્ડ મેળવી નહીં શકે. આથી એમના અમેરિકન સ્વપ્નાં તેઓ પૂરાં કરી નહીં શકે. જેમણે ‘ઈબી-5 પ્રોગ્રામ’ હેઠળ રોકાણ કરી દીધું છે એમને પણ ચિંતા થવા લાગી છે કે એમના રોકાણ કરેલા પૈસાનું શું થશે? ‘ઈબી-5 પ્રોગ્રામ’ બંધ કરી દેવામાં આવ્યો છે, આથી એમના રોકાણના પૈસા રિજનલ સેન્ટર આપી શકશે? એમને ગ્રીનકાર્ડ મળી શકશે? આવા આવા પ્રશ્ર્નો રિજનલ સેન્ટરોના માલિકોના મનમાં તેમ જ રોકાણકારોના મનમાં ઉદ્ભવ્યા છે અને તેઓ સઘળા ચિંતાતુર બની ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે 20મી જાન્યુઆરી, 2025ના દિવસે જ્યારે અમેરિકાનું પ્રેસિડન્ટ પદ બીજી વાર સંભાળ્યું ત્યારે એમણે તુરંત જ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડીને ‘બર્થ ટૂરિઝમ’ બાન કરી દીધો હતો. એમનો એ એક્ઝિક્યુટિવ ઓર્ડર અમેરિકાની કોર્ટોએ મનાઈહુકમ દ્વારા સ્થગિત કરી દીધો છે.
ત્યાર બાદ અમેરિકામાં વસતા દસ લાખથી વધુ ઈલ્લિગલ ઈમિગ્રન્ટોમાંના થોડાક ભારતીય ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને ત્રણ જુદાં જુદાં મિલિટરી પ્લેનોમાં હાથકડી પહેરાવીને ટ્રમ્પે ભારત મોકલી આપ્યા અને ઈલ્લિગલ ઈમિગ્રન્ટોમાં ગભરાટ ફેલાવી દીધો. એ પછી એમણે ઈમિગ્રેશન ખાતાને બજેટ દ્વારા જે ડોલરની ફાળવણી કરવામાં આવે છે એ રકમમાં પાંચ ગણા વધારાની માગણી કરી. હવે એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા ‘ઈબી-5 પ્રોગ્રામ’ને બંધ કરાવ્યો અને ‘ગોલ્ડ કાર્ડ’ને દાખલ કરાવ્યાં છે. આ ઉપરાંત એમણે એવું પણ સજેશન કર્યું કે અમેરિકાની કંપનીઓએ હોશિયાર ભારતીય વિદ્યાર્થીઓ માટે પચાસ લાખ ડોલર અમેરિકાની સરકારને આપીને સિટિઝનશિપ ખરીદવી જોઈએ, જેથી એ બાહોશ વિદ્યાર્થીઓ અમેરિકામાં જ રહે, એમની જ કંપનીમાં કામ કરે અને એમના જ્ઞાનનો લાભ અમેરિકાને પ્રાપ્ત થાય. શું અમેરિકન કંપનીઓ એમના પ્રેસિડન્ટના આ સુઝાવને અમલમાં મૂકશે? શું તેઓ ભારતીય વિદ્યાર્થી માટે પચાસ લાખ ડોલર ખર્ચીને એમને અમેરિકાની સિટિઝનશિપ આપવા તૈયાર થશે? જો તેઓ એટલા પૈસા ખર્ચવા તૈયાર થાય તો એ ભારતીય વ્યક્તિ ઉપર તેઓ કેવા કેવા નિયંત્રણ લાદશે? અને ભારતીય વ્યક્તિઓ એ બધાં નિયંત્રણો માટે રાજી થશે? પચાસ લાખ ડોલર એટલે કે 43.54 કરોડ રૂપિયા એ કંઈ નાનીસૂની રકમ નથી. ‘ઈબી-5 પ્રોગ્રામ’ હેઠળ જે આઠ લાખ ડોલરનું રોકાણ કરવાનું રહે છે એ રકમ તો પાછી મળવાની હોય છે. તો પણ લોકો ઈન્વેસ્ટમેન્ટ કરતાં દસ વાર વિચારે છે. અમેરિકાની સિટિઝનશિપ મેળવવા માટે શું કોઈ ભારતીય આટલી રકમ, અને એ પણ વ્હાઈટની, અમેરિકાની સરકારને આપવા તૈયાર થશે? ડોનાલ્ડ ટ્રમ્પના સુઝાવ મુજબ શું અમેરિકન કંપનીઓ એમને ત્યાં કામ કરે એટલા માટે ભારતીય વિદ્યાર્થી માટે પચાસ લાખ ડોલર આપવા તૈયાર થશે? જો તેઓ તૈયાર થાય તો તેઓ જે જે શરતો મૂકશે એ શરતો માનવા ભારતીય વિદ્યાર્થીઓ રાજી થશે? સૌથી અગત્યની વાત તો એ છે કે ગોલ્ડ કાર્ડ જે ડોનાલ્ડ ટ્રમ્પે દાખલ કર્યા છે અને ‘ઈબી-5 પ્રોગ્રામ’ને હટાવી દીધો છે એ એમના એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા કર્યું છે. જ્યારે ‘ઈબી-5 પ્રોગ્રામ’ તો કાયદા દ્વારા ઘડવામાં આવ્યો છે. અમેરિકાના પ્રેસિડન્ટ કાયદા દ્વારા ઘડવામાં આવેલ ‘ઈબી-5 પ્રોગ્રામ’ને એક્ઝિક્યુટિવ ઓર્ડર થકી દૂર કરી ન શકે. ‘ગોલ્ડ કાર્ડ’ને જરૂરથી કોર્ટમાં પડકારવામાં આવશે. પણ હાલમાં તો બધા ધડકતા હૃદયે વિચારી રહ્યા છે કે પચાસ લાખ ડોલર આપીને અમેરિકાની સિટિઝનશિપ મેળવવાનું ડોનાલ્ડ ટ્રમ્પનું પગલું શું શક્ય બનશે?