દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં હવે ત્રીજી પેઢી દ્વારા સુકાન કરવાનો પ્રારંભ સાથે ગઈકાલે મુકેશ અંબાણી એ સૌથી મોટા પુત્ર આકાશ અંબાણીને રીલાયન્સ જીઓના ચેરમેન તરીકે જવાબદારી સોંપ્યા બાદ હવે આજે પુત્રી ઈશા અંબાણીને રીલાયન્સ રીટેલના ચેરપર્સન તરીકે નિયુક્ત કરાશે.
રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વિશાળ સામ્રાજયનો વારસો તેમના ત્રણ સંતાનો આકાશ, ઈશા તથા અનંત અંબાણીને સુપ્રત કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે. પિતા સ્વ. ધીરૂભાઈ અંબાણી પાસેથી રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બાગડોર સંભાળ્યા બાદ મુકેશ અંબાણીએ તેમના આ ઉદ્યોગગૃહને ભારત અને વિશ્વની ટોચની કંપનીઓમાં સ્થાન અપાવવા વધુ ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યા બાદ હવે ઈશા અંબાણીને રીલાયન્સ રીટેલની જવાબદારી સોપશે.
- Advertisement -
ઈશા અંબાણી હાલ રીલાયન્સ રીટેલ વેન્ચર લી.ના ડિરેકટર છે અને હવે ચેરપર્સન બનશે. ઈશા અંબાણી દેશના બીજા એક વિખ્યાત પીરામીલ ફાર્મા ગ્રુપના યુવા વારસદારના પત્ની છે. 30 વર્ષના ઈશા અંબાણીએ અમેરિકાની યેલે યુનિ.માં અભ્યાસ કર્યો છે અને તેઓ રીલાયન્સ જીઓ તથા રીલાયન્સ રીટેલ બન્ને સાથે સંકળાયેલા છે તેમજ રીલાયન્સ જીઓને ડીજીટલ ટેકનોલોજી કંપની બનાવવામાં તેઓનો મહત્વનો ફાળો છે.