સૂકા મેવામાં બદામ સૌથી વધુ ખાવામાં આવતી વસ્તુ છે. બદામને પોષણનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ મસલ્સ બનાવવાથી લઈને યાદશક્તિને વધારવા માટે થાય છે. પરંતુ મોટાભાગના લોકો બદામ રાત્રે પલાળીને સવારે તેની છાલ કાઢીને ખાતા હોય છે અને છાલ ફેંકી દેતા હોય છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પલાળેલી બદામને છોલીને ખાવી જોઈએ કે નહીં? તેમજ બદામ પલાળીને પણ ખાવી જોઈએ કે નહીં? એવામાં આજે જાણીએ કે બદામ ખાવા માટે કઈ પદ્ધતિ સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે.
પોષક તત્વોથી ભરપૂર હોય છે બદામ
- Advertisement -
ન્યૂટ્રિશનિસ્ટનું કહેવું છે કે બદામ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. બદામમાં પ્રોટીન, કેલ્શિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, આયર્ન, ઝિંક, વિટામિન એ અને મિનરલ્સ હોય છે, જ્યારે બદામની છાલમાં પણ ઘણા એન્ટીઑકિસડન્ટ, વિટામિન્સ અને ફાઇબર હોય છે. જે ખાસ કરીને વાળ અને ત્વચાને પોષણ આપે છે. એવામાં ફક્ત બદામ જ નહીં પણ તેની છાલ પણ ખૂબ ફાયદાકારક છે.
આપણે ઘણીવાર વડીલોને કહેતા સાંભળ્યા હશે કે બદામ પલાળીને ખાવી જોઈએ. આમ કરવાથી તેનું પોષણ વધે છે. પરંતુ આ સાચું નથી. આ મામલે ન્યૂટ્રિશનિસ્ટનું કહેવું છે કે પલાળીને બદામ ખાવાથી તેમાં રહેલા ફાયટિક એસિડની માત્રા ઘટી જાય છે. ફાયટિક એસિડમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટીઈન્ફ્લામેટરી અને કેન્સર વિરોધી ગુણધર્મો હોય છે. એવામાં જો તમે પલાળીને બદામ ખાઓ છો, તો રહેલા ફાયટિક એસિડની માત્રા ઘટી જાય છે.
બદામની છાલ પણ ફાયદાકારક છે
- Advertisement -
આ ઉપરાંત ઘણા લોકો બદામ પલાળી અને તેની છાલ કાઢીને ખાતા હોય છે. જે ખોટી રીત છે. માત્ર બદામ જ નહીં પણ બદામની છાલ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. બદામની છાલમાં ફાઇબર, એન્ટીઑકિસડન્ટ, ફ્લેવોનોઇડ્સ વગેરે હોય છે જે શરીરમાંથી ફ્રી રેડિકલ દૂર કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.
આથી જો તમે બદામ ખાઓ છો તો તેને પલાળ્યા વગર જ ખાવી ફાયદાકારક છે, તેમજ જો આ રીતે ખાવામાં તકલીફ પડતી હોય તો તેને પલાળીને ખાઈ શકો છે પણ છાલ સાથે ખાઓ તો જ ફાયદાકારક સાબિત થાય છે.
આ માહિતી ફક્ત સામાન્ય જાણકારી માટે જ છે. વધુ જાણકારી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.