અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા : 2024માં રોકાણકારો થયા માલામાલ
એપ્રિલ 2023 અને માર્ચ 2024 વચ્ચે BSC માર્કેટ કેપ 262 લાખ કરોડથી વધીને 394 લાખ કરોડ થઇ ગયું
ખાસ-ખબર ન્યૂઝ ઈં મુંબઇ, તા.29
- Advertisement -
નાણાકીય વર્ષ 2024 સમાપ્ત થવા જઈ રહ્યું છે. રોકાણકારો માટે આ વર્ષ ઘણું સારું રહ્યું. આ નાણાકીય વર્ષમાં ભારતીય રોકાણકારોની નેટવર્થમાં રૂ. 132 લાખ કરોડ અથવા લગભગ 1.6 ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે. એપ્રિલ 2023 અને માર્ચ 2024 ની વચ્ચે,BSCનું માર્કેટ કેપ રૂ. 262 લાખ કરોડથી વધીને રૂ. 394 લાખ કરોડ અથવા 4.7 ટ્રિલિયન થયું છે. એક વર્ષમાં ભારતના માર્કેટ કેપમાં આ સૌથી મોટો ઉછાળો છે. નાણાકીય વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ લગભગ એક ટકા અથવા 655 પોઇન્ટના વધારા સાથે 73,651 પર બંધ થયો હતો. 7 માર્ચે આ રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ગુડ ફ્રાઈડેના કારણે શુક્રવારે શેરબજારમાં રજા છે.
BSC ડેટા દર્શાવે છે કે આ નાણાકીય વર્ષ દરમિયાન ઘણી જૂની અર્થવ્યવસ્થા કંપનીઓએ સારા ભવિષ્યની સંભાવનાઓ દર્શાવી હતી. આ કારણે રોકાણકારોએ તરત જ તેમના શેર લઈ લીધા હતા. પરંતુ રોકાણકારોને સોફટવેર કંપનીઓ, એફએમસીજી અને ખાનગી બેંકોના શેરમાં ઓછો રસ હતો. સેન્સેક્સના શેરોમાં ટાટા મોટર્સના શેરની કિંમત બમણી થઈ જયારે સરકારી કંપની એનટીપીસીનો શેર પણ આ સમયગાળા દરમિયાન લગભગ બમણો થઈ ગયો. બીજી તરફ એચયુએલ, એશિયન પેઈન્ટ્સ અને કોટક મહિન્દ્રા બેન્કના શેરે સૌથી વધુ નિરાશ
કર્યા હતા.
આ નાણાકીય વર્ષ દરમિયાન સેન્સેક્સ 25% વધ્યો હતો જયારે નિફટી 29% વધ્યો હતો. ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, રિયલ એસ્ટેટમાં 129%, યુટિલિટીઝમાં 93% અને પાવરમાં 86%નો વધારો થયો છે. બીજી તરફ, BANKEX 16%,FMCG 17% અને નાણાકીય સેવાઓ 22% વધ્યા છે.
જો કે, યુ.એસ.માં વ્યાજદર ઊંચા રહેવાથી ભારત જેવા જોખમી ઊભરતાં બજારોમાં વિદેશી ભંડોળ દ્વારા વેચાણની આશંકા વધી છે. પરંતુ ચીનના બજારનું નબળું પ્રદર્શન ભારતીય બજાર માટે વરદાન સાબિત થયું. આ કારણે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય શેરોમાં રૂ. 2.1 લાખ કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. FIP ના પ્રવાહની દ્રષ્ટિએ આ બીજું શ્રેષ્ઠ વર્ષ છે. વર્ષ 2021માં દેશમાં 2.7 લાખ કરોડ રૂપિયાનું FIP રોકાણ આવ્યું. ચીનનું બજાર એવા સમયે ઘટ્યું છે જયારે નકારાત્મક વૈશ્વિક પરિબળો વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂત બન્યું છે. યુનિયન એમએફના સંજય બેમ્બાલકરે જણાવ્યું હતું કે સકારાત્મક જીડીપી આઉટલૂક, મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર ભાર અને માળખાકીય સુધારાને કારણે ભારત વિદેશી નાણાપ્રવાહ માટે પ્રિય
સ્થળ છે.