મનપાના ડેપ્યુટી ફાયર ઓફિસર બી.જે. ઠેબાએ પત્ની જુબેદાબેન, દીકરી નિલોફર અને દીકરા નઝીમના નામે મિલ્કતો ખરીદી હોવાના પુરાવા એસીબીના હાથે લાગ્યા
ગોંડલમાં પત્નીના નામે પ્લોટ, મહિકામાં ખેતીની જમીન, વાવડીમાં પુત્રીના નામે શેડ, મોચીનગરમાં પ્લોટ ખરીદી બંગલો બનાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
- Advertisement -
રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ એસીબીની તપાસમાં અપ્રમાણસર મિલકત હોવાના પ્રાથમિક પુરાવા મળતા રાજકોટ મહાનગર પાલિકાના ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
એસીબીની હાલની તપાસમાં આવક કરતા 67.27 ટકા વધુ મિલકત હોવાનું ખુલ્યું છે. ફરિયાદમાં 79 લાખની વધુ પ્રોપર્ટી મળી હોવાનો ઉલ્લેખ છે. ઠેબા અને તેના પરિવારે વિદેશ પ્રવાસમાં કેટલો ખર્ચ કર્યો એ પણ તપાસવામાં આવશે. ઉપરાંત 10 પ્લોટ, 17 બેંક ખાતા સહિતની મિલકત અંગે તપાસ થશે. ગઈકાલે ઠેબાને કોર્ટમાં લઈ જતા 3 દિવસના રિમાન્ડ મંજુર થયા છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સસ્પેન્ડ ડે. ફાયર ઓફિસર વિરુદ્ધ એસીબીએ તપાસ શરૂ કરતા ઠેબાના 17 બેંક એકાઉન્ટ તેમજ 10 પ્લોટ મળી આવ્યા. મોટાભાગના પ્લોટ રાજકોટ-ગોંડલ હાઈવે અને તેની આસપાસમાં વસાવ્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે. ઠેબાએ તમામ મિલકત તેની પત્ની જુબેદાબેન, દીકરી નિલોફર તથા દીકરા નઝીમના નામે વસાવી છે. રાજકોટમાં ગીતાનગર પ્લોટ તથા ગોંડલમાં મહંમદી બાગમાં પ્લોટ રાખવામાં આવ્યા છે. કુલ રૂ.79.94 લાખની પ્રોપર્ટી ઠેબાએ તેની નોકરીના સમયમાં વસાવી હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
વર્ષ 2012થી માર્ચ 2024 સુધીમાં ઠેબાની સરકારી આવક રૂ.1.18 કરોડ છે, જેની સામે રૂ.1.94 કરોડનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે. આવક કરતા 67.27 ટકા વધુ મિલકતો વસાવી હોવાનું સામે આવ્યું છે. ભીખાભાઈએ રાજકોટ તથા ગોંડલમાં પત્ની, દીકરી તથા દીકરાના નામે પ્રોપર્ટી વસાવી હોવાના પુરાવા હાથ લાગ્યા છે. હવે ઠેબાની સત્તાવાર ધરપકડ કરીને આગામી સમયમાં તેની બેનામી સંપત્તિ કોર્ટના માર્ગદર્શન મુજબ કબજે કરવાની તજવીજ હાથ ધરાશે. ઉપરાંત ટ્રાવેલ્સ હિસ્ટ્રી તપાસવામાં આવતી હોય છે. ત્યારે સસ્પેન્ડ કરવામાં આવેલા રાજકોટ મનપાના ડે. ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબા અને તેના પરિવારજનો વિદેશ પ્રવાસે ગયા છે કે નહીં તેની પણ તપાસ એસીબી કરશે.