કોરોનાના કપરાં સમયમાં બાથ ભીડી પોતાની ફરજ નિભાવતી રાજકોટની નર્સ
આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે જે દર વર્ષે ફલોરેન્સ નાઈટિંગેલના જન્મ દિવસની યાદમાં ઉજવવામાં આવે છે. હાલ કોરોનાની મહામારી વિશ્ર્વભરમાં ચાલી રહી છે ત્યારે ડોક્ટર્સની સાથે દરેક હોસ્પિટલની નર્સ પણ જવાબદારીપૂર્વક તેની ફરજ રાત-દિવસ જોયા વગર નિષ્ઠાપૂર્વક કરે છે તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. દેશનો દરેક નાગરિક કોરોનાની આ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે, લોકોએ ઘરની બહાર નીકળવાનું હવે બંધ કર્યું છે ત્યારે ડોક્ટર્સ અને નર્સ જ એવા છે કે જેને ઘરે જતાં ડર લાગતો હોય છે છતાં તેઓ દર્દીના સ્વાસ્થ્યની સંપૂર્ણ જવાબદારી લઈ તેમની દેખરેખ રાખે છે એટલે જ ડોકટર અને નર્સને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.
આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે ત્યારે આપણે ખાસ વાત કરીશું રાજકોટની નિષ્ઠાવાન અને ફરજનિષ્ઠ નર્સ વિશે. થોડા દિવસ પહેલાં જ રાજકોટની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી અપેક્ષા મારડીયાએ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સમરસ હોસ્ટેલ ખાતેની કોવિડ હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી હતી જે દરમિયાન અપેક્ષાના માતા-પિતાનું કોરોનાથી મૃત્યુ થતાં અપેક્ષા પર આભ તૂટી પડ્યું હતું. માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ આ 20 વર્ષીય અપેક્ષાએ પોતાની ફરજ ન ચૂકી અને માત્ર થોડા જ દિવસમાં ફરીથી પોતાની ફરજ પર હાજર થઈ હતી. આવા અનેક કિસ્સાઓ નર્સ સાથે જોડાયેલા છે. કોઈ નર્સે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે તો કોઈએ પોતાનો પતિ ગુમાવ્યો હોય તેવા પણ કિસ્સાઓ છે. છતાં પણ નર્સ દર્દીઓ પ્રત્યેની જવાબદારી પૂરી નિષ્ઠાપૂર્વક કરી રહી છે. કોઈના પરિવારમાં નાના-નાના બાળકો છે, તો કોઈને ઘરડા મા-બાપ હોવા છતાં કોરોનાના આ કપરા સમયમાં પોતાના પરિવારનું ન વિચારી લોકોની સેવા કરી તેમની ફરજ નિભાવી રહી છે ત્યારે ધન્ય છે આ નારી શક્તિને.
- Advertisement -
આમ કોરોનાએ દેશભરમાં કાળોકેર વર્તાવ્યો છે ત્યારે ખડેપગે કોરોના સામે બાથ ભીડી તબીબી જગતમાં પોતાની ફરજ પરથી ન હટતી આ મહિલાઓ ધન્યવાદને પાત્ર છે. કોઈએ કોરોનાથી પોતાના સ્વજનો ગુમાવ્યા છે તો કોઈએ ભૂખ્યા પેટ રહી કોરોનાના દર્દીઓની સારવાર કરી છે. કોવિડ વિભાગમાં પીપીઈ કીટ પહેરીને સતત કામ કરવું ઘણું મુશ્કેલ બનતું હોય છે છતાં પણ દરેક પેશન્ટ ઝડપથી સાજા થાય એ માટે ખડેપગે પોતાનું કાર્ય કરે છે ત્યારે ધન્ય છે આ વિરાંગનાઓને.
કોરોનાથી પતિનું મૃત્યુ થયું છતાં હું મારી ફરજ પરથી ડગી નથી: સ્ટાફ નર્સ જયશ્રી થોરીયા
કોરોનાથી પરિવારમાં 4 લોકોના મૃત્યુ થયા
પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટમાં છેલ્લાં 21 વર્ષથી સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા જયશ્રીબેન થોરીયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ છેલ્લાં 1 વર્ષથી કોવિડ સેન્ટરમાં ફરજ નિભાવી રહ્યા છે. કોરોના દર્દીઓની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે. દવા, ઈન્જેકશન, સારવાર સહિતની દરેક ટ્રીટમેન્ટ આપવાની હોય છે ત્યારે સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા જયશ્રીબેનના પતિનું પણ કોરોનાથી મૃત્યુ થયુ હતું. બાળકોની જવાબદારી જયશ્રીબેન પર આવી પડી હતી. જયશ્રીબેનના પતિ કોરોના પોઝીટીવ આવતા તેમની જ અંડરમાં સારવાર ચાલતી હતી. તેમની નજર સમક્ષ જ પતિનું માત્ર પાંચ જ દિવસમાં મૃત્યુ થતાં આભ તૂટી પડ્યું. એટલું જ નહીં પરંતુ પરિવારના અન્ય 4 સભ્યોનું પણ કોરોનાથી મૃત્યુ થયું હતું. આટલું દુ:ખ હોવા છતાં જયશ્રીબેન થોરીયા હાલ કોરોના દર્દીઓની પૂરતી સંભાળ રાખે છે. એક પણ દિવસની રજા રાખ્યા વગર તેઓ ફરજ પર નિયમિતપણે આવી જાય છે. જયશ્રીબેન કહે છે કે મારી સાથે જે બન્યું એ બીજા સાથે ન બને તેવી હું ભગવાનને પ્રાર્થના કરૂં છું અને દર્દી જલ્દીથી સાજા થઈ પોતાના ઘરે જાય તેવી પ્રાર્થના કરૂં છું અને નિષ્ઠાપૂર્વક અને કોઈપણ જાતનો ડર રાખ્યા વગર કોરોનાના દર્દીઓની સારસંભાળ રાખું છું.
મનોબળ મજબૂત રાખી હું મારી ફરજ
નિષ્ઠાપૂર્વક નિભાવું છું: કાજલ સોઢાતર
નિષ્ઠાપૂર્વક નિભાવું છું: કાજલ સોઢાતર
છેલ્લાં 16 વર્ષથી પી.ડી.યુ. રાજકોટ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ઈન્ફેકશન કંટ્રોલ નર્સ કાજલ સોઢાતર જણાવે છે કે હું છેલ્લાં એક વર્ષથી કોવિડ હોસ્પિટલમાં સતત ફરજ બજાવું છું. ત્રણ નાની દીકરીઓ છે.
સાંજે હોસ્પિટલથી ઘરે જતાં ડર પણ લાગે છતાં બાળકોની સાથે હું મારી ફરજ ખૂબ જ સારી રીતે નિભાવું છું. કોરોનાનો ભય રાખવાથી મેન્ટલી ઈફેક્ટ થાય છે તેમજ ડિપ્રેશનમાં આવી જવાય છે જેથી હું મારૂં મનોબળ મજબૂત રાખી કોવિડ સેન્ટરમાં મારૂં કામ ખૂબ જ સારી રીતે સંભાળુ છું. ઘરના દરેક સભ્યો આ નોકરી છોડવાનું પણ કહી રહ્યા છે છતાં પણ કાજલ તેમના પરિવારજનોને કોરોનાથી હારવાનું નહીં પણ તેનો સામનો કરવો તથા કાળજી રાખવી સમજણ આપી આ જોબ કરી રહ્યા છે.
- Advertisement -
કોરોનાથી ડરવાનો કે ભાગવાનો કોઈ મતલબ નથી. તમે સંપૂર્ણ સાવચેતી રાખો અને દરેક નિયમોનું પાલન કરો તો કોરોનાથી ચોક્કસપણે બચી શકાય છે તેવું અંતમાં કહ્યું હતું.