ટિલાળા ટિલું લઈને આવ્યા, જેન્યુઈન દાવેદારો રહી ગયા
દાયકાઓ સુધી પાર્ટીનું કામ કરનારા નેતાઓ ચંપલ ઘસતાં રહી ગયા
- Advertisement -
ફોર્મ ભરવા ટાણે આક્રોશ ન ઠલવાયો તેનો અર્થ એ નથી કે, કાર્યકરો ટિલાળાની ઉમેદવારીથી ખુશ છે
કાલે સવારે મુખ્યમંત્રી પણ નરેશ પટેલ પસંદ કરશે? શું ભાજપનું મંત્રીમંડળ પણ નરેશ પટેલ નક્કી કરશે?
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વિધાનસભા-70માંથી ભાજપના મોવડી મંડળે ખોડલધામના ટ્રસ્ટ્રી અને પાટીદાર અગ્રણી રમેશ ટિલાળાને ટિકિટ આપીને સ્થાનિક કાર્યકરો-આગેવાનોને અન્યાય કર્યાનો સૂર ઉઠવાનો શરૂ થઈ ગયો છે. વર્ષો જૂના પક્ષના વફાદાર કાર્યકરોમાંથી કોઈ એકને ટિકિટ આપવાની જગ્યાએ ભાજપે રાજકોટ વિધાનસભાની દક્ષિણ બેઠક પર પેરાશૂટમાંથી રમેશ ટિલાળાને ઉતાર્યા છે. આજે જ્યારે રમેશ ટિલાળાએ વિધાનસભા ચૂંટણીનું ફોર્મ ભર્યું છે ત્યારે ફોર્મ ભરવા ટાણે કાર્યકરોનો આક્રોશ જાહેરમાં ન ઠલવાયો તેનો અર્થ એ નથી કે, કાર્યકરો રમેશ ટિલાળાની ઉમેદવારીથી ખુશ છે. હકીકતમાં દાયકાઓ સુધી પાર્ટીનું કામ કરનારા નેતાઓ ચંપલ ઘસતાં રહી ગયા ને ખોડલધામના રમેશ ટિલાળા ટિકિટ લઈ ગયા હોવાથી રાજકોટ વિધાનસભા દક્ષિણમાં ભાજપના સ્થાનિક કાર્યકરોમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાય છે. પરિણામે ભાજપ ઉમેદવાર રમેશ ટિલાળાની જીત થાય તે માટે કાર્યકરો દિલથી કામ નહીં કરે અને રમેશ ટિલાળાએ જીત મેળવવા ખોડલધામની ટિમ મેદાનમાં ઉતારવી પડશે.
- Advertisement -
એક તરફ ભાજપે હંમેશા એવું કહ્યું છે કે, એ નરેશ પટેલને શરણે નહીં થાય પરંતુ છેવટે નરેશ પટેલનું શરણું જ સ્વીકાર્યું
સ્થાનિક કાર્યકરોમાં ગણગણાટ ચાલું, ગમ્મે ત્યારે ભડકો થાય તેવી સ્થિતિ
રાજકોટ વિધાનસભા-70 બેઠક પર ભાજપ ઉમેદવાર રમેશ ટિલાળા વિરૂદ્ધ ભાજપ પક્ષમાંથી જ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સ્થાનિક કાર્યકરોમાં છાનેખૂણે ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે અને ગમે ત્યારે ભડકો થાય તેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. રમેશ ટિલાળા કોઈ કાળે સ્થાનિક કાર્યકરો-આગેવાનો આ બેઠક પરથી ભાજપ ઉમેદવાર તરીકે સ્વીકારવા તૈયાર નથી.
જે નરેશ પટેલે હંમેશા ભાજપ વિરૂદ્ધ કામ કર્યું, ભાજપની
ઘોર ખોદવામાં કશું બાકી નથી રાખ્યું, ભાજપ વિરૂદ્ધ આડકતરી રીતે ખોડલધામમાં સભાઓ કરી- એમને માન આપીને ભાજપે રમેશ ટિલાળાને ટિકિટ આપી
કાર્યકરો દિલથી કામ નહીં કરે
અત્રે નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણીઓ આવતા ભાજપને પાટીદાર પાવર સામે ઝૂકવું પડ્યું છે. ભાજપ નેતાઓએ હંમેશા એવું કહ્યું હતું કે એ નરેશ પટેલને શરણે નહીં થાય પરંતુ છેવટે આખેઆખા ભાજપે નરેશ પટેલનું શરણું જ સ્વીકાર્યું છે અને તેમના કહેવાથી જ તેમના માનીતા રમેશ ટિલાળાને ટિકિટ આપવી પડી છે જેથી રાજકોટ વિધાનસભા-70 મત વિસ્તારમાં ભાજપના સ્થાનિક કાર્યકરોથી લઈ આગેવાનોમાં અન્યાયની લાગણી સાથે રોષ ભભૂકી ઉઠ્યો છે. હવે આ રોષ કેમ અને કોણ ઠારશે એ જોવું રહ્યું.
જંગ પહેલા જ ભાજપ અને તેના કાર્યકરોની હાર!
જે નરેશ પટેલે હંમેશા ભાજપ વિરૂદ્ધ કામ કર્યું, ભાજપની ઘોર ખોદવામાં કશું બાકી નથી રાખ્યું, ભાજપ વિરૂદ્ધ આડકતરી રીતે ખોડલધામમાં સભાઓ કરી છે તે નરેશ પટેલની જીદ આગળ ઝૂકીને ભાજપે એમના માનીતા રમેશ ટિલાળાને ટિકિટ આપી દીધી છે. એક રીતે જોવા જઈએ તો આ ચૂંટણી જંગ પહેલા ભાજપ અને તેના કાર્યકરોની હાર કહેવાઈ રહી છે.
જેમ નરેશ પટેલ કહેશે તેમ ભાજપ કરશે?
ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી રમેશ ટિલાળા ચાર્ટડ પ્લેનમાં મોદી-શાહને મળી આવ્યા એટલે ભાજપે તેમને ટિકિટ આપી દીધી. ભાજપ સાથે કોઈ સંબંધ ન ધરાવતા, ભાજપના કોઈ કાર્યક્રમમાં હાજરી ન આપનારા રમેશ ટિલાળાને રાજકોટ વિધાનસભા-70ની રાતોરાત ટિકિટ મળી જતા સ્થાનિક કાર્યકરો-આગેવાનો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું કાલે સવારે મુખ્યમંત્રી પણ નરેશ પટેલ પસંદ કરશે? શું ભાજપનું મંત્રીમંડળ પણ નરેશ પટેલ નક્કી કરશે?