મોરારિબાપુને ત્યાં પ્રથમવાર જાહેરમાં ગાયું અને ગાયનની કારકિર્દીનાં શ્રી ગણેશએ બીજો અને સંજય લીલા ભણસાળીની ફિલ્મમાં બ્રેક મળ્યો એ ત્રીજો ટર્નીગ પોઇન્ટ
ગુરુ
ગુરુની વાત કરતાં ઓસમાણ સરની આંખોમાં ભીની ચમક આવી જાય છે. ગુરુ ઇસ્માઇલ દાતાર… સૂફી મલંગ જેવું વ્યક્તિત્વ… આમ તો બેંઝોવાદક, નારાયણ સ્વામી તેમજ અન્ય કલાકારો સાથે બેંઝો પર સંગત કરતાં હોવાને કારણે સરને એમની સાથે વર્ષો સુધી ખૂબ રહેવાનું બનતું. વળી, સંગીતમાં શિક્ષા વિશારદ . સંગીતનું તલસ્પર્શી જ્ઞાન. એમણે સરને સંગીતની બારીકી શીખવી.. રાગરાગીણી, રાગનું બંધારણ રાગની અદાયગી, રાગના નિશ્ચિત સમય..આ બધું ઔપચારિક જ્ઞાન તો ખરું જ સાથોસાથ સૂફી મલંગ સમાન વ્યક્તિત્વનાં સ્વામી એવા ગુરુ પાસેથી મને જે મળ્યું એ અદભુત છે, એમ કહેતાં સર કહે છે જે જગતમાં ખૂબ જ જૂજ લોકો આટલા ઊંડા અને પામી ગયેલા હોય છે, હું એમની પાસેથી જીવનના પાઠ શીખ્યો. એમનું ઊંડું તત્વજ્ઞાન અને તેજસ્વીતાની આભા જ કંઈક એવી હતી કે બસ હું કંઈક અદભુત એવું સતત પામતો રહ્યો. સર કહે છે કે એમનું વર્તન અકળ હતું. ઘણીવાર કલાકો સુધી કઈ જ ન બોલે.. તદ્દન નિસ્પૃહી, ઝૂંપડી જેવા ઘરમાં રહેતા ગુરુ પાસેથી કંઈક શીખવા મળે એ હેતુથી ઓસમાણ સર એમને ત્યાં જઈ ચડે તો ઘણીવાર કલાકો સુધી ગુરુ મૌનાવસ્થામાં બેસી રહે.. ઓસમાણ સર પણ એમના મૌનની પેલે પારનાં તથ્યોને પામવા, સમાધિસ્થ થયેલ ગુરુની પ્રત્યક્ષ કલાકો સુધી બેસી રહે…પછી જ્યારે ગુરુ આંખ ખોલે ત્યારે પ્રસન્નચિતે કહે કે શબ્દ તો ઘણાં પચાવી જાણે પણ મૌનને પચાવવું અઘરું છે, તે મારા મૌનને પચાવ્યું છે! સર કહે છે કે એમણે સંગીતના ઐપચારિક જ્ઞાનની ઉપર, સંગીતના સાચા અર્થની અનુભૂતિ, એની અસલ ઓળખ કરાવી જે શબ્દાતીત છે! સમગ્ર સૃષ્ટિમાં એક લય ગુંજી રહ્યો છે એની સાથે તાલ મિલાવી પરમની અનુભૂતિ કરવાની વાત… મારા ગુરુએ એક નવા જ વિશ્વનો મને પરિચય કરાવ્યો… જ્યારે મારી અંદર સતત ગુંજતા એક લયને હું અનુભવી રહું છું ત્યારે આજે પણ મને એ વાત યાદ આવી જાય છે…! સર એમના વિશે એમ કહે છે કે એમના જેવા માણસો આ જગતમાં બહુ જ ઓછા જોવા મળે!
- Advertisement -
મોરારીબાપુને ત્યાં ગાયું એ બાદ ગાયકીની યાત્રાનાં શ્રી ગણેશ થઈ ગયાં. પ્રદીપભાઈ દવે(બકા ભાઈ) કે જેઓ કલા પારખું જીવ છે અને ઓસમાણ સર પર પોતાના દીકરાની સમાન પ્રેમ રાખે છે, એમણે અમદાવાદના ગજ્જર હોલમાં, સરનાં સૌ પ્રથમ સ્ટેજ પ્રોગ્રામનું આયોજન કર્યું. સર કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહે છે કે દિલીપ ધોળકિયા, રાસબિહારી દેસાઈ, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશીત દેસાઈ વગેરે જેવા અનેક દિગગજ કલાકારો સામે મને પેશ કરી એમણે મને બહુ મોટી તક આપી, મારામાં ભરોસો દાખવ્યો એ બાબત હું ક્યારેય નહીં ભૂલી શકું. આ સફળ પ્રોગ્રામની વાત કરતાં સર, જયેશભાઇ (સાયન્ટિફિક વોચ મોરબી)ને પણ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરે છે, જયેશભાઈ આમ તો ઇન્ડસ્ટ્રીયલીસ્ટ પણ સંગીતનો એટલો શોખ કે દર મંગળવારે તેમને ત્યાં સરને આમંત્રે..એ સિવાય પણ મોજ આવે ત્યારે સરને ફોન કરીને કહે કે ફ્રી હોવ તો આવી જાવ ગાડી મોકલું છું…. અવારનવાર ખાનગી બેઠકમાં સંગીતની મોજ લૂંટતાં, સરના પ્રખર ચાહક જયેશભાઇ પોતે પણ અંગત મોજ ખાતર ગાઈ-વગાડી જાણે. એમની પાસે દુનિયાભરની કંપનીઓના હાર્મોનિયમનો સંગ્રહ હતો. જયેશભાઈનું નવુનક્કોર, ભાવનગર બનાવડાવેલું હાર્મોનિયમ સરે આવી જ એક બેઠકમાં વગાડ્યું અને કહ્યું કે, જયેશભાઇ, આ હાર્મોનિયમનો સુર મારા ગળા સાથે પરફેક્ટ મેચ થાય છે.. બસ, જયેશભાઇ કહે કે આ હાર્મોનિયમ હવે તમે જ રાખો.. સરે ઘણી ના પાડી અને ત્યારે હાર્મોનિયમ ન લીધું. એ પછી જયેશભાઇને ખબર પડી કે આજે અમદાવાદમાં ઓસમાણનો પ્રથમ સ્ટેજ પ્રોગ્રામ છે.. બસ, ત્યારે ને ત્યારે મોરબીથી ખુદ અમદાવાદ જવા નીકળી ગયાં અને ત્યાં પહોંચ્યા ત્યારે પ્રોગ્રામનો ફર્સ્ટ હાફ પૂરો થઈને ઈન્ટરવલ પડ્યો હતો અને સર જુએ છે કે જયેશભાઇ હાર્મોનિયમ લઈને આવી રહ્યા છે! અને પછીનો પ્રોગ્રામ સરે આ હાર્મોનિયમ પર કર્યો. આ વાત કરતાં કરતાં અતિ ભાવુક થઈને સર કહે છે કે એ, ફક્ત મારા પરના પ્રેમને ખાતર, મારતાં ઘોડે મોરબીથી અમદાવાદ મને હાર્મોનિયમ પહોંચાડવા આવ્યા, એમનાં વિશે વાત કરતા અત્યારે પણ મારા રુવાંડા ઉભા થઇ જાય છે! એ પછી વર્ષો સુધી અનેક પ્રોગ્રામ સરે આ હાર્મોનિયમ પર કર્યા! અને આજેપણ સર આ જ હાર્મોનિયમ પર રિયાઝ કરે છે!
ટર્નિંગ પોઈન્ટ્સ
આમ, નારાયણ બાપુ સાથે તબલા સંગત કરવા મળી એ પહેલો, મોરારી બાપુને ત્યાં પ્રથમવાર જાહેરમાં ગાયું અને ગાયનની કારકિર્દીનાં શ્રી ગણેશએ બીજો અને સંજય લીલા ભણસાળીની ફિલ્મમાં બ્રેક મળ્યો એ ત્રીજો ટર્નીગ પોઇન્ટ.. એ વિશે સર કહે છે કે એકવાર કોઈનો ફોન આવ્યો કે ભણસાળી સર તમારી સાથે વાત કરવા માંગે છે, તો તમે મુંબઇ આવો. અઠવાડિયા બાદ વળી આવો જ ફોન આવ્યો. સરને થયું કે નક્કી કોઈ મારી મસ્તી કરી રહ્યું છે, ભણસાળી સર .અને મને, ફોન કરે! એટલે સરે કહી દીધું કે,ભણસાળી સરને કહી દેજો કે હું બિઝી છું! ત્યારબાદ આ સંદર્ભમાં જ આદિત્ય નારાયણનો ફોન આવ્યો, સર મુંબઇ જઈ સંજય ભણસાળીને મળ્યા અને….ગુજરાતી સંગીતમાં વરસોથી ગવાતું, શિરમોર ગીત, મોર બની થનગનાટ કરે…જે, ભણસાળીનું ડ્રીમસોંગ હતું અને છેક નેવુંના દાયકામાં આવેલી હમ દિલ દે ચુકે સનમના સમયથી ભણસાળી આ ગીત લેવા ઉત્સુક હતાં એ ઓસમાણ સર પાસે ગવડાવ્યું ઉપરાંત ફિલ્મમાં આવતાં અસંખ્ય દુહા ગવડાવ્યા અને ફિલ્મનું એંશી ટકા બેક ગ્રાઉન્ડ મ્યુઝિક પણ ઓસમાણ સર પાસે તૈયાર કરાવ્યું! આટલાં મોટા બેનર સાથે બોલીવુડમાં એન્ટ્રી પાછળની વાત એવી છે કે રામલીલા’નાં લોકેશન તેમજ ગરબા માટે ગુજરાત આવેલ સંજય ભણસાળી રાજકોટથી દ્વારકા જતાં હતાં ત્યારે ટેક્સી ડ્રાઈવરે ઓસમાણ સરના ગીત લગાવ્યા. ભણસાળીએ પૂછ્યું કે આ અવાજ કોનો છે. ડ્રાઈવરે કહ્યું કે આ અમારા લોકપ્રિય ગાયક ઓસમાણ મીર છે. બસ, પછીની સફરમાં ગુજરાતથી રાજસ્થાન જતાં રસ્તામાં ભણસાળી ઓસમાણના ગઝલ/સૂફી/ભજન/સુગમ બધું જ સાંભળતાં ગયાં અને એમને એમના ડ્રીમ સોંગ માટેનો એક્યુરેટ અવાજ મળી ગયો! તો મન મોર બની…’ એમની પોતીકી ફ્લેવરમાં તૈયાર કરવા ભણસાળીએ આપેલા ત્રણ દિવસને બદલે ઓસમાણ મીરે ત્રણ કલાકમાં આ ગીત તૈયાર કરી ભણસાળીને આપી દીધું. પહેલી જ આવૃત્તિમાં સંજય સરને ગીત ગમી ગયું! મન મોર બની થનગનાટ કરે..’ ગુરુદેવ ટાગોરના બાંગ્લા ગીતનો મેઘાણીએ કરેલો ગુજરાતી અનુવાદ, ગુજરાતના અતિ લોકપ્રિય ગીતને ઓસમાણે વિશ્વફલકે નવી ઓળખ અપાવી. તો આ ગીતે દુનિયાભરમાં ઓસમાણનું નામ જાણીતું કર્યું અને મન મોર બની થનગાટ કરે ફેમ ઓસમાણ મીર…’એ બેનર હેઠળ સરને સંખ્યાબંધ પ્રોગ્રામ્સ મળ્યા છે, મળતાં રહે છે…!
વાત આગળ ધપાવતા સર કહે છે કે એમની ખ્યાતિ અને લોકચાહનામાં વધારો કરનાર ચોથો ટર્નિંગપોઇન્ટ એટલે 2017માં આવેલો તેમણે કમ્પોઝ કરેલી અને ગાયેલી ગઝલનો આલ્બમ ‘તેરી ખુશ્બુ’ આ આલ્બમ થકી ઈન્ડસ્ટ્રીનાં મોટા મોટા ગાયક-સંગીતકાર સાથે એમની અંગત ઓળખાણ થઈ, કેટલાય દિગ્ગજો સાથે સંબંધો કેળવાયાં. આ આલ્બમને લતા દીદી, ગુલામઅલીથી લઈને સુરેશ વાડકર, સલીમ-સુલેમાન વગેરે વગેરે..બધાએ આવકાર્યું
આ વર્ષો દરમિયાન અસંખ્ય સ્ટેજ પ્રોગ્રામ/હિંદી-ગુજરાતી ફિલ્મો/લોક સંગીત-ભજન આલ્બમ.. આ બધામાં અમિત ત્રિવેદી સાથેનું, નજીકના ભૂતકાળમાં આવેલું, મોતી વેરાણા ચોકમાં ગીતે ખૂબ ધૂમ મચાવી છે. ઉપરાંત થોડા સમય પહેલાં જ, સરે અંબા ભવાની સ્તુતિ’ પાંચ માત્રા માલકૌંશમાં તૈયાર કરી છે. જે યુરોપના ટોપ ગીટારીસ્ટ અને મ્યુઝિક એરેન્જર પોલ મેકગ્રાથ કે જેઓ વિશ્વની પ્રથમ શ્રેણીની સંગીત વિશ્વ વિદ્યાલયોમાં સેવા આપે છે, ઓપેરા મ્યુઝિક સાથે સંકળાયેલા છે અને વિશ્વના ઉચ્ચસ્તરનાં ગાયકો સાથે જેઓ કામ કરી રહ્યા છે, તેમને ખૂબ જ પસંદ આવી છે. જેનું સંગીત સંદીપ રાવલના નેજા હેઠળ લંડનમાં તૈયાર થયું છે, આધુનિક વાદ્ય પર રાગ રાગિણીનાં આ પ્રયોગને ખાસ કરીને ક્રીમ એન્ડ કલાસ શ્રોતાઓએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે અને ઇન્ટરનેશનલ લેવલના, ટોપ રેંકીંગ બધા જ આલ્બમ જે પ્લેટફોર્મ પરથી રિલીઝ થયાં છે, લંડનની એ ચેનલ પરથી પ્રેઝન્ટ કરવામાં આવી છે.. તો લતા મંગેશકરના ગીત, બેદર્દી તેરે પ્યારને દિવાના કર દિયા..(ફિલ્મ:હીના)ને દીકરા આમિર (કે જેઓ પિતાની રાહે જ, ખૂબ ઉભરતા આશાસ્પદ ગાયક છે)સાથે ઓસમાણ સરે ગાયું છે અને લતાદીદીને જ અર્પણ કર્યું છે. ખુદ દીદીએ આ ગીતની ભારોભાર પ્રસંશા કરી છે. લતા દીદીને ઓસમાણ સર પરના વિશેષ પ્રેમ રહ્યો છે. રેકોર્ડિંગમાં જવાની વ્યસ્તતા અને દીદીને ઘર પર મળવા આવેલા અનેક લોકો વચ્ચે પણ દીદીએ, ઘરે મળવા આવેલા ઓસમાણ સરને અગ્રિમતા આપી હતી અને દીકરા આમિરના વખાણ કરતાં આશીર્વાદ આપ્યા એ વાત કરતાં સર કૃતજ્ઞતા અને ધન્યતા અનુભવી રહે છે.
- Advertisement -
અન્ય શોખ
જેમના અનેક ચાહકો છે એવા ઓસમાણ સર સચિન તેંડુલકર અને ક્રિકેટના હાર્ડકોર ફેન છે. નાનપણમાં ખૂબ ક્રિકેટ રમવાનો ખૂબ જ શોખ રહ્યો. એકવાર ક્રિકેટ રમતાં રમતાં સરને અંગૂઠામાં ઇજા થઇ એ વખતે મા બાપે કહ્યું કે સંગીતમાં આગળ વધવું હશે તો ક્રિકેટ છોડવું પડશે.(ઇજાઓ થાય તો સંગીત ન કરી શકાય)અને સરે સંગીતને અગ્રિમતા આપી ક્રિકેટ રમવાનું છોડી દીધું!હા, ટીવી પર વર્ષો સુધી નિયમિત ક્રિકેટ મેચીસ જોતા રહેતા પણ જ્યારથી સચિન તેંડુલકરે નિવૃત્તિ લીધી છે ત્યારથી સરે ક્રિકેટમેચ જોવાનું છોડી દીધું છે!
વૈવિધ્યસભર ગાયકી
ગાયક ઓસમાણને કોઇ એક ચોકઠામાં ફિક્સ ન કરી શકાય. ભજનિક/ગઝલગાયક/સૂફી ગાયક/સુગમ અને લોકસંગીત/ગરબા-સ્તુતિ… દરેક ટાઈપમાં આગવી જ ગાયકી, ભજનમાં ક્યાંય ગઝલકાર ઓસમાણ કે ગઝલમાં ક્યારેય ભજનિક ઓસમાણ ભેળસેળ થઈ જતાં નથી. આપની ગાયકીમાં આવડી વિશાળ રેન્જ, આ વૈવિધ્યતા કેવી રીતે કેળવી શક્યા? એના જવાબમાં સર કહે છે કે, સુગમસંગીત તરફ પહેલેથી જ ઝુકાવ હતો જ. પુરૂષોત્તમ ઉપાધ્યાયને તથા અન્ય કલાકરોને રેડિયો પર ભજન-ગીત ખૂબ સાંભળતો. તો લોકસંગીત તો આપણી માટીનું સંગીત…અને આમેય મને તો એ ગળથુથીમાં મળેલું એટલે એ તો સહજ આત્મસાત હતું. દાસ સતારની વાણી, દાસ સવારામની વાણી, મીરાંબાઈ, નરસિંહ, કબીર… આહહહા.. કેવી સમૃદ્ધ સાત્વિક પરંપરા… ભજનના શબ્દો સાંભળતાં સાંભળતાં ભજનની બાની સાથે લગાવ થઈ ગયો. વળી, લક્ષ્મણ બારોટ/કાનદાસ બાપુ/નિરંજન પંડ્યા/દેવરાજભાઇ ગઢવી/ સમરથ સિંહ સોઢા /પ્રાણલાલ વ્યાસ..ગુજરાતી ડાયરા/સંતવાણી/ભજનના લગભગ દરેક કલાકાર સાથે મેં એકાદ દાયકો સંગત કરી. સાથોસાથ રાજસ્થાની-પંજાબી-મરાઠી-સિંધી- બંગાળી… બધી જ ભાષાના લોકકલાકારો સાથે સંગત કરી. એમની ગાયકીની વિશેષતા-બારીકાઈ હું સતત નિરખતો રહ્યો.આ વર્ષોએ મને ખુબ શીખવ્યું. દરેક પ્રાંતનું લોકસંગીત/ એમની બાની/ જે-તે પ્રાંતના વિશેષ વાદ્ય… સેરાઈકી ભાષામાં કાફી ગવાતી હોય છે એ ગાવાની પદ્ધતિ અલૌકિક છે. દરેક વિસ્તારના સંગીતની રૂહ સુધી પહોંચીને એને અનુભવ્યું છે. ખાસ કરીને એમની ગાયકીની વિશેષતા મારા અંતરમનમાં જાણે-અજાણે ઘૂંટાતી જતી હતી. હું જાણે કે ભાથું એકઠું કરતો હતો કે જે મને આગળની યાત્રામાં ખૂબ જ કામ આવવાનું હતું…! ગુરુની શિક્ષણની સાથે સાથે ઉપરની બધી બાબતોને કારણે મારી ગાયકી, ગાયનના દરેક ફોર્મ માટે સજ્જ થતી ગઈ. જે સાંભળ્યું એ જ જાણતાં-અજાણતા મારી ગાયકીમાં ઉતરતું ગયું .
ગમતાં ગાયકો
આ સાંભળીને અમેય પૂછી જ લીધું કે ગાયક ઓસમાણ મીર નહિ પણ ભાવક/,શ્રોતા ઓસમાણ મીર કોને કોને સાંભળે છે અને કયા પ્રકારનું સંગીત સાંભળવું વધુ ગમે છે. એમણે કહ્યું કે મને સંગીત માત્ર ગમે છે. ઉપરથી શરૂ કરું તો, ઉતરી પહાડી સંગીતથી લઇને પંજાબી, ભોજપુરી, રાજસ્થાની ફોક-સૂફી, ગુજરાતનું સંગીતવૈવિધ્ય, મરાઠી, બંગાળી, દક્ષિણી પરંપરા… બધું જ બધુ…જુના આફ્રિકન મેલોડી..ઓપેરા… અને ખાસ કરીને ગઝલ અને સૂફી સંગીત …મહેંદી હસન, નુસરત સાહેબ, ગુલામ અલી,બેગમ અખ્તર, જગજીતસિંઘ.. લતા દીદી, આશાજી… વગેરે વગેરે લિસ્ટ ખૂબ લાબું છે..હું નિરાંતનાં સમયે આ બધાને ખૂબ સાંભળું જ નહીં મારામાં સેવું છું…. પછી એમની રચનામાં મારુ કંઈક ઇનોવેશન, રૂહાનીયત ઉમેરી લોકો સમક્ષ પેશ કરું છું.
એમની ગાયકીની વિશેષતા
એમની ગાયકી વિશે થોડી વધુ વાત કરવાનું કહેતા તેઓ કહે છે કે, કેસરિયા બાલમ… ને હું મારા, અલગ અલગ, સોળ વર્ઝનમાં ગાઉ છું. સાડા ત્રણ મિનિટના આ ગીતને હું લગભગ અઢાર મિનિટ લાડ લડાવી લડાવી પેશ કરું છું અને લોકો ખૂબ જ હોંશેહોંશે આવકારે છે . એવી જ રીતે, એ રી સખી મંગલ ગાઓ રી… અનેક વર્ઝનમાં મેં પેશ કર્યું છે તો નુસરત ફતેહઅલીનું, મુજે તુમ યાદ આતે હો.. હું દસ દસ મિનિટ ગાઉ છું. તો બીજીબાજુ, ભજન.. એક સમય એવો હતો કે મહિનામાં ત્રેવીસ-ચોવીસ સ્ટેજ પ્રોગ્રામ, રાતના દસથી સવારના પાંચ સુધી! વન મેન શો કરતો. મેં ખાસ બાપુ(મોરારીબાપુ)માટે રુદ્રાષ્ટકમને માલકૌંશ રાગમાં કમ્પોઝડ કર્યું . અને મારું સૌભાગ્ય કે બાપુને એ ખૂબ જ ગમ્યું. (આ રુદ્રાષ્ટકમ સાંભળીને આંખમાંથી ભાવ અશ્રુ વહેતાં બાપુને આ લખનારે પ્રત્યક્ષ જોયા છે) રુદ્રાષ્ટકમ અલગ અલગ અગિયાર રાગમાં તૈયાર કરવાની મારી ઈચ્છા છે એમાંથી ચાર રાગમાં ગવાયું છે. અને એ માટે સંસ્કૃત શબ્દના ઉચ્ચાર, શબ્દોનાં અર્થ, શબ્દો પાછળ પ્રતિત થતાં ભાવ આ બધાનો મેં ખૂબ લાંબો સમય અભ્યાસ કર્યો છે! હિન્દી ફિલ્મ બેઝૂબાન ઇશ્કના એક ગીતમાં, હિન્દી ફિલ્મમાં પહેલી જ વખત પ્રભાતીઢાળનો પ્રયોગ મેં કર્યો છે એ વાતનો મને ખુબ જ આનંદ છે.
હિંદી-ઉર્દુ ગઝલ અને ઓસમાણ
ગુજરાતી હોવા છતાં ઓસમાણ ગઝલ ગાય ત્યારે એવું જ લાગે જાણે પરંપરાગત ગઝલ ગાયકોના ઘરાનાની કોઈ વ્યક્તિ ગાઈ રહી છે. ઉચ્ચાર શુદ્ધિ અને ભાષાની સુગંધ આટલી યથાવત જળવાઈ રહી છે એ સિદ્ધિનો શ્રેય સર એમના મિત્રઅને ઉર્દુના પ્રોફેસર કિશન મ્હેશ્વરીને આપે છે. આ ઉપરાંત સર ખુદ ’કાનસેન’ હોવાને કારણે ખૂબ જ ઝીણવટથી સાંભળવાની ટેવ તો ખરી જ. ગઝલ ચયનમાં પણ ખૂબ ચીવટ, રાતોની રાતો જાગીને બધા જ શાયરોને વાંચતાં અને જે ગઝલનો ભાવ એમની ગાયકીને અનુરૂપ હોય એ પસંદ કરે.
કોમી એકતા અને સંગીત વિશે સરના વિચારો
મેં પૂછ્યું કે ’હિંદુ-મુસ્લિમ’ વૈમનસ્ય વચ્ચે, સંગીત કોમીએકતાંમાં કશી મદદ કરી શકે? તો એમણે કહ્યું કે ચોક્કસ, હું તો કહું છું કે માત્ર અને માત્ર સંગીત જ મદદ કરી શકે. ખેલમાં હરિફાઈનું તત્વ ઉમેરાતું હોય,ત્યાં ઈર્ષ્યા વધે છે. જ્યારે સંગીત એ રૂહાનીયતની ચીજ છે. તમે કોઈ ગાયકના મોઢે ભજનો ગરબા કે કવ્વાલી સાંભળો છો ત્યારે, સંગીતની એ તાકાત છે કે તમે નાત-જાત-સ્થળભાન બધું જ, અને એ પણ ભૂલી જાઓ છો કે એ ગાયક ક્યાં ધર્મનો છે! વળી, સંગીતની નજીક રહેનાર વ્યક્તિ સ્વભાવે સાલસ અને નિર્મળ બને છે. વ્યક્તિનુ માનસિક ઉત્થાન થાય છે. મારી વાત કરું તો, મારા આધ્યાત્મિક ગુરુ સૈયદ પીર અબલા બાવાને ત્યાં દરેક ધર્મનાં લોકો આવતાં. બાવા સામે બધું જ ગાવાની છૂટ! મારુ તો પ્રથમ રેકોર્ડડ કૃતિ જ રોમ રોમ મેં હર ભોલે’ (પ્રફુલ્લ દવે સાથે) ભગવાન શંકરની, મારો પ્રથમ આલ્બમ નગર મેં જોગી આયા’જે આજેપણ સુપરહિટ આલ્બમ છે એમાં પણ બધા જ ભજન શિવજીના છે. આ ઉપરાંત મેં પોતે શિવજીના છએક ભજનો લખ્યાં છે જે મારા આલ્બમમાં સમાવેલા છે અને અનેક મંદિરો-આશ્રમોમાં મેં ગાયું છે. ગુજરાત અને રાજસ્થાનની પણ, એકપણ ધાર્મિક જગ્યા બાકી નહિ હોય કે જ્યાં મેં ગાયું ન હોય! મંદિરમાં જતી વખતે મને ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે હું મુસ્લિમ છું અને મંદિરમાં જઈ રહ્યો છું! સોમનાથના મંદિરમાં મેં અનેકવાર પૂજા કરી છે અને હું ત્યાં જવાનો હોઉં ત્યારે પૂજારીઓ મારી આતુરતાપૂર્વક રાહ જુએ છે, આ બાબત જ, હિન્દૂ-મુસ્લિમ મુદ્દા પર સંગીતની જીત બતાવે છે. કોઇપણ ધર્મનો કલાકાર(,સંગીત કલાકાર) સંગીતનો સાધક છે, સંગીત, સુર અને સ્વર જ એનો ધર્મ છે. દાસ સતાર, સાંઈવલી, દાસમીઠો, આ મુસ્લિમ ભજનકાર.. એમની વાણી અને એમના જીવનનું દર્શન કરીએ તો ત્યાં કોઈ વાત ફક્ત હિંદુ કે ફક્ત મુસ્લિમ માટે નથી. ભજન-સંતવાણીની આપણી સમૃદ્ધ પરંપરાએ ક્યારેય જ્ઞાતિના વાડા નથી બાંધ્યાં! સબ જગ રામ.. સબ મેં રામ.. અલહમ.. સુરે ફાતિયાની પહેલી આયાત.. અલહમ… અહં બ્રહ્માસ્મી… ગુરૂબાનીમાં કહે કે એક ઓનકાર… બધે જ બધે એક જ વાત છે, એક પરમતત્વની! અને દરેક મનુષ્યનો એક જ ધર્મ છે, ઇન્સાનીયત, માનવતાનો! વાતને આગળ ધપાવતાં ઓસમાણ કહે છે કે, દક્ષિણ ભારતમાં મારા પ્રોગ્રામમાં દક્ષિણી લોકો મન મોર બની થનગાટ કરે…’ પર જોરશોરથી ગરબા કરે છે. પંજાબ બાજુ પ્રોગ્રામ હોય તો ત્યાંના લોકો પણ ગુજરાતી લોકસંગીત પર ઝૂમે છે. નાઇરોબીની ટુર વખતે સિત્તેર ટકા ગુજરાતી અને ત્રીસેક ટકા પંજાબી હતાં.પ્રોગ્રામમાં ગઝલ/બોલીવુડ બધું ગાયાં પછી મેં જાહેર કર્યું કે હવે હું ગુજરાતી લોકસંગીત સંભળાવીશ. તો પંજાબી લોકો ઉભા થઈને ચાલવા લાગ્યાં. મેં એમને રિકવેસ્ટ કરીને રોકયાં કે આપ થોડીવાર સાંભળો. પછી ક્લાસિકલ નોટેશન્સ સાથે શિવ તાંડવનાં છંદ સંભળાવ્યા. છંદમાં લય રિધમ એવા કે સાંભળતાં જ ઉર્જા આવી જાય! બધાએ મંત્રમુગ્ધ થઈ કેટલોય સમય સાંભળ્યું અને અંતે મને મળવા આવી કહેવા લાગ્યા કે આવું લોકસંગીત અમે ક્યાંય નથી સાંભળ્યું!
લોકસંગીત ભાવપ્રધાન જ્યારે શાસ્ત્રીય1સંગીત રાગપ્રધાન છે, એ વિશે વિસ્તૃત સમજ આપતાં સર ભારતીય શાસ્ત્રીય સંગીત વિશે ખૂબ જ અહોભાવ વ્યક્ત કરે છે. કહે છે કે,આપણું સંગીત તો અધ્યાત્મિકતા સાથે જોડાયેલું છે. સામવેદમાં સંગીતની રાગ રાગીણી આલાપ સુર, સ્વર, નાદ, વાજિંત્રો વગેરે વિશે વિશદ માહિતી મળે છે, એટલે આ સાહિત્ય અને સંસ્કૃત-શિષ્ટ માનવજીવનના જેટલું જ પુરાણું અને શાશ્વત છે.બીજી રીતે પણ, અન્ય સંગીતમાં માત્ર ખડા સુર છે જયારે આપણું શાસ્ત્રીય સંગીત ભિન્ન બાવીસ શ્રુતિ ધરાવે છે. શાસ્ત્રીય સંગીત એ માત્ર કલા નથી, સાધના છે. ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ છે. વાતવરણ અને અમય અનુસાર રાગ રાગીણીની પ્રસ્તુતિની બાબત, શાસ્ત્રીય સંગીતને પ્રાણવંત જીવંત વિજ્ઞાનનો દરજ્જો આપે છે. ખયાલ ગાયકી એક પ્રકારની ધ્યાન સાધના છે
ઓસમાણ સરની સૂફીયાના અંદાજની વાતો સાંભળી ખૂબ એટલું અભિભૂત થઈ જવાયું કે, જીવન પાસેથી શું અપેક્ષા છે અથવા શું મહત્વકાંક્ષા છે? એવો સ્થૂળ પ્રશ્ન પૂછવાનું મન જ નહોતું પણ ઇન્ટરવ્યુના ફોર્મેટમાં અમુક પ્રશ્નો જવાબ માંગી લે એવા હોય છે એટલે મેં પણ પૂછી જ નાંખ્યું. સર કહે કે, જીવનમાં ક્યારેય ન ધાર્યું કે ન માંગ્યું હતું એટલું મને મળ્યું છે. નારણબાપુ, મોરારીબાપુ, લતા દીદી, પંડિત જસરાજ જેવા ગુણીજનોનાં આશીર્વાદ અને પ્રેમ મળ્યા. (વચ્ચે આડવાત કરતા સર કહે છે કે, દુર્ગા જસરાજની ચેનલ પર સરનો પ્રોગ્રામ હતો. બે કલાકના આખા પ્રોગ્રામને જોઈને પંડિત જસરાજે તુરંત સરને ખૂબ ખૂબ અભિનંદન આપતો ફોન કર્યો અને કહ્યું કે મેં સતત મેં કલાક સુધી તમને સાંભળ્યાં, તમારા ગાયનનો ખુબ આનંદ લીધો. અને ત્યારબાદ અમેરિકામાં બેઠા એમણે સરને અભિનંદન અને આશીર્વાદ આપતી વિડીયોક્લિપ ખાસ બનાવી! આ જ સંદર્ભમાં પંડિતજીએ એમના જન્મદિવસ નિમિતે સરને ખાસ આગોતરું આમંત્રણ પણ આપ્યું.,પણ એ પહેલાં પંડિતજી શાંત થઈ ગયાં) મારી લાયકાત કરતાં અનેકગણું વધુ ઉપરવાળાએ મને આપ્યું છે. વર્ષો પહેલા જેની ફિલ્મનું(હમ દિલ દે ચુકે સનમ) શૂટિંગ જોવા ગયેલા મને કાઢી મુકવામાં આવ્યો હતો એ સંજય લીલા ભણસાલીથી લઈને જેની રચનાઓ સાંભળીને હું અભિભૂત થઈ જતો એવાં ગુલામઅલી.. અરે અનેક મહાન હસ્તીઓ સાથે હું ઈચ્છા થાય ત્યારે વાત કરી શકું છું, એ બધાનો પ્રેમ, એ જ મારા જીવનની સફળતા! ગાયકીમાં નવા નવા પ્રયોગો મને આનંદ આપે છે. હવે ઈચ્છા બસ એ જ છે કે હું વધુને વધુ સારું સંગીત મારા શ્રોતાઓને પીરસતો રહું. સમાજને તોડનારાની સંખ્યા ભલે વધારે છે પણ સમાજને સંગીતની દોરી વડે એકતામાં ગૂંથવાની, જોડવાની જવાબદારી ઉપરવાળાએ મને સોંપી, હું એ સારા કાર્ય માટે નિમિત્ત બન્યો એનો ખૂબ આનંદ છે. બાકી તો દુનિયા , પૈસા/પદ/પ્રતિષ્ઠા કશું યાદ નહિ રાખે ફક્ત તમારા ગુણો યાદ રાખશે, તમે લોકોનું કંઈ સારું કર્યું હશે એ યાદ રાખશે. હું એ માનું છું કે મારા જન્મની સાર્થકતા એ જ કે મારા ગયા પછી લોકો મારા ગુણને યાદ કરે….માતા-પિતા, શિક્ષકો, ગુરુજન, ગુણીજનો, શ્રોતાઓ, વગેરેના મારા પર ચાર હાથ છે, બીજું શું જોઈએ! વળી થોડું અટકીને ફિલસુફની અદામાં સર કહે છે કે, ત્રેવીસ વરસની ઉંમરે દુનિયાનો પોણો હિસ્સો જીતી લીધા બાદ ભારતમાં આવીને સિકંદર એક મલંગને કહે છે કે મને મારા જીવનનો અર્થ સમજાવો. ત્યારે એ ફકીર મલંગ કહે છે કે તારે આખી દુનિયા જીતવી છે, આટલું મળ્યા પછીય હજુ તને લાવ… લાવ… છે. જ્યારે મારે કંઈ જ નથી જોઈતું, હું ખુશ છું… ફક્કડ ફકીર તો તું છે ને બાદશાહ તો હું છું….! બસ, આ ફિલોસોફી મારા હૃદયની ઘણી નજીક છે….