પોતાના વતન જઈ રહેલા કર્મચારીઓ સાથે રાજ્યમંત્રી મેરજાએ વાર્તાલાપ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
હાલમાં જ રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતના 1067 કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના પંચાયત વિભાગના 65 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ બદલી પામી રહેલા કર્મચારીઓ સાથે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ વાર્તાલાપ કરી રાજ્ય સરકારનો કર્મચારીઓ પ્રત્યેનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો. બદલી પામી રહેલા કર્મચારીઓને બદલીના હુકમો આપી તેઓની સાથે વાર્તાલાપ કરતાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, સમતોલ અને લોકાભિમુખ વહિવટ માટે કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ખૂબ જ જરૂરી છે. કર્મચારીઓનો લાંબા સમયથી અટકેલો આંતર જિલ્લા ફેરબદલીનો પ્રશ્ન નિવારવામાં સરકાર અને જિલ્લા વહિવટી તંત્ર બન્નેનો પૂરો સહકાર રહ્યો છે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ અને ઇશીતાબેન મેર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા ઉપસ્થિત રહ્યા હતા.