ઇતિહાસના પાનાં પર દફન થયેલા લાખો શાસકોમાં સમ્રાટ અશોકનું સ્થાન ધ્રુવ તારા સમાન છે!
મોર્ડન ધર્મ
-પરખ ભટ્ટ
-પરખ ભટ્ટ
વિદેશીઓ માટે ભારત હંમેશાથી આશ્ચર્યનો વિષય રહ્યું છે. એક એવો દેશ, જ્યાં પુષ્કળ ગરીબી છે, બેકારી છે, બેહાલી છે આમ છતાં અહીંના લોકો સમૃદ્ધ છે! સાંસ્કૃતિક પરંપરાઓ, ધર્મ અને રીતિ-રિવાજોના બળ પર આ રાષ્ટ્ર વિકસ્યું છે. અભાવો વચ્ચે જીવતાં હોવા છતાં અહીંની પ્રજાનું આંતરમન સંતોષી છે. આ બાબત કોઈપણ નવા આગંતુકને નવાઈ પમાડે એવી છે. ઔરંગઝેબથી શરૂ કરીને મોહમ્મદ ગઝની સુધીના તમામ મુઘલ શાસકો અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નોકરિયાતના સ્વરૂપમાં ભારત પર કબજો જમાવી ચૂકેલા અંગ્રેજોના મનમાં પણ કદાચ આ બાબતે અચરજ પેદા થયું હશે.
ભારતના રાજા-મહારાજાઓની શૌર્યગાથાઓ આપણે ત્યાં ખાસ્સી પ્રચલિત છે. આજથી હજારો વર્ષ પહેલાનાં ભારતવર્ષના ઇતિહાસમાં તેમની વીરતાના ગુણગાન ગાવામાં આવ્યા છે. પરંતુ અમુક રાજવીઓ એવા પણ થઈ ગયા, જેમના માટે યુદ્ધનું મેદાન યમરાજના સાક્ષાત અવતાર સમું પ્રતીત થવા લાગ્યું હતું. મીટ માંડો ને દૂર દૂર સુધી ફક્ત લાશોના ઢગલા જ દેખાય, ત્યારે કોઈપણ સંવેદનશીલ શાસકના મનમાં એક પ્રશ્ર્ન ઉદભવે કે આવા નરસંહાર પછી પ્રાપ્ત થયેલો વિજયમુગટ મારા શા કામનો? સૈનિકોના મૃતદેહોથી રક્તરંજિત થઈ ગયેલી આવી જ એક યુદ્ધભૂમિએ બૌદ્ધત્વના સર્વશ્રેષ્ઠ અનુયાયીને જન્મ આપ્યો. સમ્રાટ અશોક!
- Advertisement -
અંગ્રેજી લેખક એચ.જી.વેલ્સ પોતાના પુસ્તક ‘આઉટલાઇન ઓફ વર્લ્ડ હિસ્ટ્રી’માં લખે છે, ઇતિહાસના પાનાં પર દફન થયેલા લાખો શાસકોમાં સમ્રાટ અશોકનું સ્થાન ધ્રુવ તારા સમાન છે! કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોક રણભૂમિ પર આવ્યા ત્યારે તેમનું હ્રદય ખૂબ વિચલિત થઈ ગયું હતું. છિન્નભિન્ન થઈ ગયેલા 1 લાખથી વધુ મૃતદેહો, માંસ આરોગવા માટે આકાશમાં ચકરાવા લેતાં ગીધ, લોહીથી લથબથ શરીરની દુર્ગંધ અને ક્ષત-વિક્ષત આત્માઓની અનુભૂતિ! સમ્રાટે તત્કાળ યુદ્ધનો માર્ગ ત્યજીને બુદ્ધનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો. મલય, સેલોન, ઇન્ડોનેશિયા, નેપાળ, ચીન, તિબેટ, મોંગોલિયા સુધી તેમણે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો.
પ્રાણી, પશુ કે અન્ય જીવો પ્રત્યે સમભાવ રાખવાથી માંડીને ભોજનમાં ફક્ત શાકાહારી ખોરાક આરોગવાનો તેમણે પ્રજાજનોને અનુરોધ કર્યો હતો. આત્માનુભૂતિના એ સમય દરમિયાન સમ્રાટ અશોકને એ હકીકતનો પણ અહેસાસ થઈ ગયો કે મનુષ્ય જાતિ પાસે હાલ જે વિજ્ઞાન અને ધર્મના સમન્વયથી રચાયેલું સાંયોગિક જ્ઞાન છે, એની માવજત થવી જરૂરી છે. અયોગ્ય હાથોમાં સોંપાયેલી સત્તા વિશ્વસંહારક પૂરવાર થઈ શકે છે. અને આ વિચાર સાથે જન્મ થયો, નવ સભ્યોના અજ્ઞાત રહસ્યમયી સંગઠનનો! ધ સિક્રેટ ઓર્ગેનાઇઝેશન ઓફ નાઇન મેન!
- Advertisement -
વેદ-પુરાણ, ઉપનિષદ અને તમામ ઋષિમુનિઓના પૌરાણિક જ્ઞાનને નવ અલગ-અલગ વિભાગોમા વહેંચી નાંખવામાં આવ્યા. દરેક ભાગના દળદાર પુસ્તકો બન્યા. સમગ્ર ભારતવર્ષના નવ ધુરંધરોને એ પુસ્તકો આપીને જીવનપર્યંત એની રક્ષાનું દાયિત્વ સોંપવામાં આવ્યું. ઉંમરના આખરી પડાવ પર જ્યારે તેઓ પોતાની જવાબદારીમાંથી નિવૃત થવા ઇચ્છે ત્યારે પુસ્તકને સંગઠનના આગામી સભ્યને આપવાની તાકીદ સાથે નવે-નવ સભ્યોને વિશ્વના જુદા જુદા ખૂણે મોકલી દેવાયા, જેથી ભવિષ્યમાં એમના પર કોઈ સંકટ પેદા ન થાય. ફક્ત આટલું જ નહીં, જીવનકાળ દરમિયાન પ્રત્યેક સભ્ય પોતાની પાસે રહેલાં પુસ્તકમાં નવી માહિતીઓનો ઉમેરો પણ કરશે, એવી સૂચના આપવામાં આવી. એકબીજા સાથે સંવાદ સાધવા માટે ખાસ પ્રકારની ભાષાનું પણ નિર્માણ થયું.
કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોક રણભૂમિ પર આવ્યા ત્યારે તેમનું હ્રદય ખૂબ વિચલિત થઈ ગયું હતું, છિન્નભિન્ન થઈ ગયેલા 1 લાખથી વધુ મૃતદેહો, માંસ આરોગવા માટે આકાશમાં ચકરાવા લેતાં ગીધ, લોહીથી લથબથ શરીરની દુર્ગંધ અને ક્ષત-વિક્ષત આત્માઓની અનુભૂતિ! સમ્રાટે તત્કાળ યુદ્ધનો માર્ગ ત્યજીને બુદ્ધનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો હતો
ઘણા લોકો એવું માને છે કે ચાણક્યનું અર્થશાસ્ત્ર સમ્રાટ અશોકના પહેલા પુસ્તકનો અંશ માત્ર છે!
સમ્રાટ અશોકના દાદા એટલે ચંદ્રગુપ્ત મૌર્ય. આજના સમયના કલકતા અને મદ્રાસ વચ્ચે સ્થિત કલિંગ સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે સમ્રાટ અશોકે પુષ્કળ યુદ્ધો લડ્યા. ઇસુપૂર્વે 270ની સાલમાં રચાયેલા સમ્રાટ અશોકના કથિત રહસ્યમય સંગઠને છેલ્લા અઢી હજાર વર્ષોની અંદર કેટકેટલી સંસ્કૃતિના ઉત્થાન અને અધ:પતન જોયા. પરંતુ સમ્રાટ અશોક તરફથી એમને સ્પષ્ટ સૂચના હતી કે, તેઓ દરેક ઘટનાનાં મૂક સાક્ષી બનશે. એમાં ખલેલ કે દખલગીરી કરવાની એમની પાસે છૂટ નહોતી! એમનું કાર્ય ફક્ત પોતાની પાસે રહેલા અમર્યાદિત પૌરાણિક જ્ઞાનના રક્ષણ કરવાનું હતું. આ પડાવ પર સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે, એ નવ પુસ્તકોમાં એવું તે શું સમાયેલું હતું, જેના માટે આપણે આટલી ચર્ચા કરી રહ્યા છીએ? સૌપ્રથમ તો એ જાણી લો કે, નવ ગ્રંથોના તમામ વિષયો પર સંશોધન કરવાનું કામ તો દૂર, આધુનિક ટેક્નોલોજી એ અંગેનો વિચાર સુદ્ધાં નથી કરી શકી!
(1) કૂટનીતિ : પહેલા પુસ્તકમાં વૈચારિક યુદ્ધને અંજામ આપવા માટેની ટેક્નિક્સનું જ્ઞાન સમાવિષ્ટ છે. આખા રાષ્ટ્રો અને સમાજના બૃહદ વર્ગના લોકોના મનોમસ્તિષ્કમાં કોઈ એક સ્વતંત્ર વિચારધારા કબજો જમાવી લે તો શું પરિણામ આવે? હિટલર-મુસોલિની જેવા શાસકો કદાચ દરેક સદીમાં પેદા થવા માંડે, જે ફક્ત કોઈ પ્રદેશ પૂરતા સીમિત ન રહીને સમગ્ર વિશ્વ પર રાજ કરવાની ક્ષમતા ધરાવતાં હોય! ઘણા લોકો એવું માને છે કે ચાણક્યનું અર્થશાસ્ત્ર સમ્રાટ અશોકના પહેલા પુસ્તકનો અંશ માત્ર છે!
(2) શરીરવિજ્ઞાન : શરીરના કોઈ નિર્ધારિત ભાગ પરનો સ્પર્શ વ્યક્તિને મૂર્છાવસ્થા અપાવી શકે? જી હાઁ, બેશક. બીજા પુસ્તકમાં શરીરને લગતાં વિજ્ઞાનની સમજ આપવામાં આવી છે. ઝેર બનાવવાની પદ્ધતિથી માંડીને ફક્ત હળવા સ્પર્શના માધ્યમથી દુશ્મનને મૌતને ઘાટ ઉતારી શકવાનું ખતરનાક કૌશલ્ય એમાં શીખવવામાં આવ્યું છે. ‘જુડો’ માર્શિયલ આર્ટ્સને એમાંની જ એક પદ્ધતિ તરીકે સ્વીકારવામાં આવે છે. મોડર્ન વર્લ્ડમાં ઘેર-ઘેર પ્રચલિત સ્પા અને એક્યુપંક્ચર પણ શરીરવિજ્ઞાનની જ સમજ આપે છે ને?
(3) માઇક્રોબાયોલોજી : ત્રીજા ગ્રંથનો સીધો સંબંધ બાયોટેક્નોલોજી અને માઇક્રોબાયોલોજી સાથે છે, જે સૂક્ષ્મ જીવજંતુઓના વિજ્ઞાન આધારિત જ્ઞાન ધરાવે છે. એક માન્યતા એવી પણ છે કે, કોલેરાની રસી આ પુસ્તકની મદદ લઈને જ વિકસાવવામાં આવી હતી, જેણે માનવજાત માટે વરદાનરૂપ કાર્ય કર્યુ હતું. બેક્ટેરિયા કે વાઇરસને રોગના ઉપચાર માટે ઉપયોગમાં લેવાની વિવિધ પદ્ધતિઓનો એમાં ખાસ ઉલ્લેખ છે. કેટલાક લોકોનું ધારણા છે કે, ગંગા નદીને આવા જ ફાયદાકારક માઇક્રોબ્સના માધ્યમ વડે શુદ્ધ કરવામાં આવી છે, જેના લીધે એ ક્યારેય મેલી નથી થતી!
(4) રસાયણ શાસ્ત્ર : તાંબુ કે પિત્તળ જેવી સામાન્ય ધાતુને બીજી સોનામાં ફેરવી શકવાની ક્ષમતા ધરાવનાર પૌરાણિક જ્ઞાનનો સમાવેશ ચોથા પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ધર્મગ્રંથોમાં સૂચવ્યા મુજબ, પહેલાના સમયમાં અમુક મંદિરોને ભરપૂર માત્રામાં સોનામહોરો મળ્યા રાખતી હતી, પરંતુ તેના મૂળ સ્ત્રોત વિશે કોઈને ય ખ્યાલ નહોતો. તો શું શક્ય છે કે આ કાર્ય માટે પૌરાણિક રસાયણ શાસ્ત્રનો ઉપયોગ થતો હોય? જેના પર કદીય ક્ષાર નથી જામતો એવા દિલ્હી સ્થિત લોહસ્તંભ વિશે આપનું શું માનવું છે?
બાકીના પુસ્તકો તેમજ અન્ય રહસ્યોની ચર્ચા કરીશું આવતાં અઠવાડિયે!
(ક્રમશ:)