શહેરમાં જાહેર વ્યવસ્થા, શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઇ રહે તે હેતુથી વાહન વેચનારાનાઓ માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે નીચે મુજબના આદેશો જાહેર કર્યા છે.
- Advertisement -
જે મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં વાહન વેપારીઓ, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે-જ્યારે જુના વાહન વેચવામાં આવે ત્યારે વાહન ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે ખરીદીનું બીલ, વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ કે નોકરી કરતાં હોય તો ત્યાંનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવાં કે મ્યુનિસિપલ કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદસભ્ય, કોઇપણ ખાતાના રાજ્યપત્રિત અધિકારી તરફથી મેળવેલ ઓળખપત્ર, પ્રમાણપત્ર પૈકી કોઇ પણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી વાહન વેચાણ કરનારે મેળવી તેનો રેકર્ડ નિભાવવાનો રહેશે.
તદુપરાંત તમામ વાહનોના વેચાણ બીલમાં ખરીદનારનું પુરૂ નામ-સરનામું, સંપર્ક માટે ટેલીફોન/મોબાઈલ નંબર, વાહનનો પ્રકાર, વાહનનો એન્જીન નંબર, ફ્રેમ ચેસીસ નંબર હોવો આવશ્યક છે. સાયકલ સહિત તમામ ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા અન્ય વાહનો, ભારે વાહનોના વેચાણ અંગેના રેકર્ડ ચકાસણી માટે વેયાણકર્તા પાસે કોઈપણ પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી તરફથી માંગવામાં આવે ત્યારે જરૂરી વિગતો મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજુ કરવાના રહેશે.
આ આદેશ તા.1/11/2023 થી તા.31/12/2023 સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.