અમદાવાદની ઓળખાણ લોકો સ્વાર્થનગરી તરીકે પણ આપે છે એવું કહેવાય કે અમદાવાદનો માણસ મતલબ વગર તમારી સાથે વાત પણ ન કરે (આ માત્ર કહેવાની વાત છે કોઈએ આ વાત ગંભીરતાથી લેવી નહીં). પણ આ જ અમદાવાદનો એક સામાન્ય રિક્ષાવાળો અદભુત અને અનોખું કામ કરીને અમદાવાદની ઓળખ બદલી રહ્યો છે. એનું નામ છે – ઉદય જાદવ.
ઉદયભાઈએ 21મી ઓક્ટોબર 2010થી દશેરાના પવિત્ર દિવસે એક અનોખા સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો. દેખાવમાં સામાન્ય રિક્ષા જેવી લાગતી આ રિક્ષા અને રિક્ષાવાળો બંને અસામાન્ય છે. સામાન્ય રીક્ષામાં મુસાફરો માટે જે સુવિધાઓ હોય એના કરતા જુદી સુવિધાઓ આ રીક્ષાવાળાભાઈએ એના મુસાફરો માટે ઉભી કરી છે. ઓટોરિક્ષામાં એમણે વિમાનમાં મળે તેવી સેવાઓ આપવાનું શરૂ કર્યું છે.
- Advertisement -
ઉદયભાઇની આ રિક્ષામાં મુસાફર માટે વાંચવાનાં પુસ્તકોની સુવિધા, પીવાના શુદ્ધ પાણીની બોટલની વ્યવસ્થા, ભૂખ લાગે તો નાસ્તાના ડબ્બાની વ્યવસ્થા, સંગીત સાંભળવું હોય તો મ્યુઝિક પ્લેયરની સુવિધા પણ છે. મુસાફર નાસ્તો કરીને કચરો બહાર ન ફેંકે એ માટે નાની કચરાપેટી પણ રાખી છે. આ બધી જ સુવિધાનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો.
સૌથી મહત્ત્વની વાત એ છે કે આ રિક્ષામાં મુસાફરી કરનાર મુસાફર પાસેથી મીટર મુજબનું ભાડું લેવામાં નથી આવતું કારણ કે મીટર જ બંધ રાખવામાં આવે છે. મુસાફર એની મુસાફરી પૂરી કરે એટલે એને એક કવર આપવામાં આવે અને મુસાફરને જે ઈચ્છા થાય એ રકમ કવરમાં મૂકવાની છૂટ. જો કોઈ મુસાફરને એમ લાગે કે મારે કંઈ આપવું નથી તો કવરમાં નયો પૈસો નાખ્યા વગરનું ખાલી કવર પણ પરત કરી શકે. કવર ખાલી હોય તો પણ ભલે અને અંદર કોઈ રકમ હોય તો પણ ભલે ઉદયભાઈ હંમેશા હસતાં હસતાં કવર સ્વીકારે છે. રકમ આપવી કે કેમ એ લોકોની ઈચ્છા પર આધારિત હોવા છતાં આજદિન સુધી આ સેવા ચાલે છે જે બતાવે છે કે લોકો પણ સેવાનું યોગ્ય મૂલ્ય આપે છે.
એક જ ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે કામ તો એકસરખું જ હોય છે પણ તમે કામ કરવાની રીત બદલીને તમારા કામનું અને તમારી જાતનું મૂલ્ય વધારી શકો છો.
જો તમે મહાન બાબતો ન કરી શકો તો નાની બાબતો મહાન રીતે કરો.
-નેપોલિયન હિલ