ગણેશ ચતુર્થી અને સંવત્સરીની ભક્તિભાવથી-ધામધૂમથી ઉજવણી
આજથી 10 દિવસ ગણપતિ પંડાલોનો પ્રારંભ, ઘરે ઘરે ગણપતિ પૂજન સાથે તપશ્ચર્યા, પ્રતિક્રમણ સાથે જૈન-જૈનેતરોમાં ક્ષમાપનાનું આદાનપ્રદાન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આજે ભાદરવા સુદ-4 પ્રથમ પૂજ્ય દેવ ગણપતિ ભગવાન કે જેનું દરેક પૂજા કર્મમાં સૌપ્રથમ પૂજન થતું રહ્યું છે તે રિધ્ધિ-સિધ્ધિના દેવનું મહાપર્વ ગણેશ ચતુર્થી અને આજથી તા.10 સુધી સાર્વજનિક ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં આશરે 2000થી વધુ સ્થળે પંડાલો ધમધમશે અને ગણપતિ બાપ્પા મોરિયાના ભક્તિ ઉત્સાહ જનક નાદ ગુંજી ઉઠશે તો આ સાથે આધુનિક યુગમાં પરમ શાંતિ આપનાર ક્ષમાપનાના મહાપર્વ સંવત્સરીની ઉજવણી થઇ હતી. બે વર્ષ બાદ કોરોનાથી મુક્તિ મળતા આ મહાપર્વોની આજથી ધામધૂમથી ઉજવણી થઇ હતી. સૌરાષ્ટ્રમાં બે દાયકાથી સાર્વજનિક ગણેશોત્સવનું ચલણ વધ્યું છે. એ પહેલા સદીઓથી ગણેશ ચતુર્થીનું પર્વ ઘરે ઘરે ધામધૂમથી ઉજવાતું જ રહ્યું છે. ગણેશજીની પૂજા લાખો ઘરોમાં રોજેરોજ સદીઓથી થતી રહી છે અને ગૃહમંદિરોમાં ગણેશની મુર્તિ અચૂક જોવા મળે છે. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગણપતિ પંડાલો ખાતે ગણેશજીની પ્રતિમાને ધામધૂમથી લાવવામાં આવી હતી.
ગણપતિ બાપ્પાના નાદ સાથે આજે ગણપતિ બાપાની પધરામણી કરવામાં આવી હતી. રાજકોટમાં વિવિધ પંડાલો, ઘર, શાળા, કોલેજ તેમજ સોસાયટીમાં ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં વાજતે ગાજતે, દુંદાળા દેવનું સામૈયું કરી ઉત્સાહભેર સ્થાપન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી માટીના ગણપતિ જાતે જ ઘરે બનાવીને ઘરના માટીના ક્યારામાં વિસરજ્નની પરંપરા સ્વયંભુ શરુ થઈ છે. ગણપતિ સ્થાપન માટે તથા સ્થાપિત ગણપતિના પૂજન માટે આજે સવારે 6.23થી 7.57 લાભ મુહુર્ત, ત્યારબાદ તુરંત 9.31 વાગ્યા સુધી અમૃત મુહૂર્ત છે. બાદમાં સવારે 11.05 વાગ્યાથી 12.40 સુધી શુભ ચોઘડિયુ હતું અને મોટાભાગના સ્થાપનો આ સમયે થયા હતાં. ઉપરાંત સાંજે 5.23થી 6.57 લાભ ચોઘડીયું અને રાત્રે 8.23થી 9.48 શુભ ચોઘડિયું છે. રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોથી માટીના ગણપતિ જાતે જ ઘરે બનાવીને ઘરના માટીના ક્યારામાં વિસરજ્નની પરંપરા સ્વયંભુ શરુ થઈ છે.
ગણપતિ વિસર્જન માટે (1) આજી ડેમના ઓવરફ્લો પાસે ત્રણ સ્થળે (2) મવડીથી આગળ પાળ ગામ પાસે (3) ન્યારાના પાટિયા પાસે (4) કાલાવડ રોડ પર વાગુદડ પાટિયા પછીના પૂલ નીચે (5) આજી ડેમ પાસે રવિવારી બજારના ગ્રાઉન્ડ પાસે વ્યવસ્થા કરાઈ છે અને તે સિવાયના સ્થળે ગણપતિ પધરાવવા પર પ્રતિબંધ મુકાયો છે. શહેરમાં ત્રણતસોથી વધુ સાર્વજનિક ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે જ્યાં આજે ગણપતિની પ્રતિમા લાવવામાં આવી હતી.
પ્રિન્સ યુવા ગ્રુપ દ્વારા શ્રી ગણેશ ઉત્સવનું આયોજન
પ્રિન્સ યુવા ગ્રુપ (ઈન્દિરા સર્કલ) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 9 સુધી દરરોજ ભવ્ય આરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. તા. 3 ને શનિવારે શ્રીનાથજી બાવાની આઠ સમાની લાઈવ ઝાંખી મોન્ટુ મહારાજ તેમજ 42 આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા યોજાશે. તા. 5ના રામધૂન, તા. 6ના 56 ભોગ, તા. 7ના માતાજીના ગરબા, તા. 8ના સત્યનારાયણની સંગીતમય કથા અને તા. 9ના રોજ મહાઆરતી યોજવામાં આવશે. સતત સાતમા વર્ષે પ્રિન્સ યુવા ગ્રુપ દ્વારા શ્રી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ દરેક કાર્યક્રમોનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
- Advertisement -
એરપોર્ટ રોડ પર સમુદ્ર મંથનની થીમ પર બાપાનું સ્થાપન
શહેરનાં એરપોર્ટ રોડ પર સમુદ્ર મંથનની અનોખી થીમ ઉપર ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેમાં દુંદાળા દેવ પાસે રહેલા કળશ નીચે હાથ રાખતા જ અમૃતરૂપી પ્રસાદી મળે છે. સમુદ્ર મંથનની થીમ પર ગણપતિજીનું સ્થાપન કરનાર હીનલ રામાનુજનાં કહેવા મુજબ, આ વખતે ડેકોરેશન માટે ખાસ સમુદ્ર મંથનની થીમ તૈયાર કરી છે. હાલમાં આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. જેમાંથી અમૃત શબ્દનાં આધારે મને આ વિચાર આવ્યો હતો. દેવતાઓ અને દાનવોએ સમુદ્રનું મંથન કરી અમૃત મેળવ્યું હતું. જોકે હાલ કળિયુગમાં સાચું અમૃત મળવું શક્ય નથી. પણ અહીં જે ગણપતિજીનાં દર્શન કરે તેને અમૃતરૂપી પ્રસાદ મળે તે માટે કળશની ગોઠવણ કરી છે.