અગાઉ ગાંધીનગરની ટીમ સાથે રાશનિંગની દુકાનો પર દરોડા પડ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના લોધિકા તાલુકાની અડધો ડઝનથી વધુ પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો પર જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમે દરોડા પાડી ઘઉં-ચોખા સહિતના રેશનીંગના પુરવઠાની તપાસણી કરી હતી. જિલ્લા કલેકટર પ્રભવ જોશીના આદેશના પગલે જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વાંગવાણી અને રીનાબેનની ટીમે જ રાજકોટ-લોધીકા તાલુકાની 8 જેટલી શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો પર ત્રાટકી હતી. જોકે, આ તપાસમાં કોઈ ગેરરીતી ખુલી છે કે કેમ તે આગામી સમયમાં જાહેર થશે.
- Advertisement -
લોધિકા તાલુકાના કુમાર છાત્રાલય-ક્ધયા વિદ્યાલય સહિત શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોની તપાસણી કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વાંગવાણી અને તેમની ટીમે ઓચીંતા પાડેલા આ દરોડાથી કેન્દ્ર સંચાલકોમાં ફફડાટ મચી ગયો હતો. અહીં એ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે પુરવઠા વિભાગની મળેલી બેઠકમાં સાંસદ રામ મોકરીયાએ રેશનીંગની દુકાનો પર હલકી ગુણવત્તાનો રેશનીંગનો પુરવઠો અપાતો હોવાની જિલ્લા કલેકટર પ્રભવ જોશી સમક્ષ ફરીયાદ કરી સડેલા અનાજના નમુના પણ કલેકટર સમક્ષ રજૂ કર્યા હતા.
સાંસદ રામ મોકરીયાની આ ફરિયાદના પગલે કલેકટર પ્રભવ જોશી દ્વારા તપાસના આદેશ આપવામાં આવેલ હતા. તેમજ ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમે પણ રાજકોટ દોડી આવી આ મામલે રેશનીંગની દુકાનો પર તપાસણી કરી હતી. તેમજ રેશનીંગની દુકાનો પરથી લેવાયેલા નમુના તપાસણી માટે લેબમાં મોકલવામાં આવેલ હતા. જે બાદ આજે જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમે રાજકોટ-લોધીકા તાલુકાના 8 મધ્યાહન ભોજન કેન્દ્રો પર ત્રાટકી કેન્દ્રોને અપાતા ઘઉં ચોખાના પુરવઠા તેમજ બાળકોના ભોજનની ગુણવતાની તપાસણી કરી હતી. તેમજ બાળકોની સંખ્યાની માહિતી પણ મેળવી હતી. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા હવે આ મામલે કલેકટરને રિપોર્ટ કરવામાં આવનાર છે.