ખાસ-ખબર સંવાદદાતા
કોડીનાર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે નવતર અભિગમ અપનાવ્યો છે.આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કોડીનાર નગરપાલિકાના નાગરિકો પાસે જે વિવિધ વેરા બાકી છે તે શહેરીજનો સમય મર્યાદામાં ભરી જશે તો ભીનો કચરો અને સૂકા કચરા માટેની આધુનિક ડસ્ટબીન શહેરીજનોને ભેટ આપવામાં આવશે.આ ઉપરાંત વેરો ભરવા માટે નાગરિકોને લાઈનમાં ઉભું નહિ રહેવું પડે.રવિવાર અને રજાના દિવસો દરમ્યાન પણ બે કાઉન્ટર પાલિકા કચેરી માં સતત ખુલ્લા રહેશે. વર્તમાન સમયમાં શહેરીજનો કે નાગરિકો પાસે નગરપાલિકા કે મહાનગરપાલિકા ના બાકી લેણા વેરા જેવા કે ઘર વેરો, સફાઈ વેરો,લાઈટ વેરો,પાણી વેરો કે પછી અન્ય વેરાઓ જે બાકી હોય તે માટે પાલિકા તંત્ર નોટિસો કાઢે,નળ કનેક્શન કાપે વગેરે અનેક તિકડમ અપનાવતા હોય છે.ત્યારે કોડીનાર નગર પાલિકા દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.કોઈપણ નાગરિકની જાહેર સુવિધા છીનવ્યાં સિવાય નાગરિકો વેરો ભરી જાય અને વળી પાછા ખુશ થઈને જાય તેવી યોજના અમલમાં મૂકી છે.પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તેમજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જે નાગરિક સમયસર વેરો ભરી જાય તેઓને ભીનો કચરો અને સૂકા કચરા માટે અતિ આધુનિક અને મજબૂત કચરા પેટી વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.શહેરીજનો આ કચરા પેટીમાં કચરો એકઠો કરીને પાલિકાના સફાઈ કર્મી ઘરે ઘરે કચરો ઉઘરાવવા આવે ત્યારે તેઓને આપી દેવાનો.કોડીનાર નગરપાલિકાના આ નવતર અભિગમનો લોકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે.