મહાન કવિ કાલિદાસ કોઈ રાજાના આમંત્રણથી તેના મહેલમાં ગયા. શારીરિક દેખાવમાં કાલિદાસ કદરૂપા હતા. આથી રાજાએ કાલિદાસને કહ્યું, આપ કેવા વિદ્વાન અને પંડિત છો. આપના બુદ્ધિચાતુર્યની કોઈ સાથે સરખામણી થઈ શકે તેમ નથી. કાશ ભગવાને આપને આપની વિદ્વતાને અનુરૂપ રૂપ અને ઘાટ પણ આપ્યા હોત. કાલિદાસ સમજી ગયા કે રાજા એમના શારીરિક દેખાવની મજાક ઉડાવી રહ્યા છે પરંતુ એ કંઈ જ બોલ્યા નહીં માત્ર હસતાં રહ્યા. રાજાએ કાલિદાસને આખા મહેલમાં ફેરવ્યા અને એક મોટા સભાખંડમાં આવીને બેઠા. કાલિદાસે રાજાને કહ્યું, રાજા સાહેબ, મને પાણીથી ભરેલા બે ઘડા જોઈએ છે, એક માટીનો અને બીજો સોનાનો; એ મળી શકશે ? રાજાએ આદેશ કર્યો અને થોડી જ વારમાં એક માટીનો અને એક સોનાનો પાણીથી ભરેલો ઘડો સભાખંડમાં લાવવામાં આવ્યો. કાલિદાસે રાજાને પૂછ્યું, મહારાજ, આમાંથી આપ કયા ઘડાનું પાણી પીવાનું પસંદ કરશો ? રાજાએ કહ્યું, માટીના ઘડાનું. કાલિદાસે કારણ પૂછ્યું તો રાજાએ કહ્યું, માટીના ઘડાનું પાણી ઠંડું હોય એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ એ ઘડાનું પાણી જ પીવે. સોનાનો ઘડો તો માત્ર જોવામાં જ સારો લાગે. કાલિદાસે હસતાં હસતાં કહ્યું, મહારાજ, પાણીની ઠંડકને બહારના દેખાવ સાથે કંઈ લેવાદેવા ન હોય તો પછી મારા જ્ઞાનને મારા શરીરના દેખાવ સાથે જોડવાની શી જરૂર ? જીવનમાં અન્ય લોકોને પણ એના દેખાવ પરથી નહીં વિચારો પરથી આદર આપતા શીખીએ.
માનવી અંદરના ગર્ભ કરતા
બહારની છાલ માટે વધુ ઝઘડે છે
– જર્મન કહેવત



