વીર સાવરકર આવાસ યોજનામાં 1000 આવાસમાં માત્ર 4 જ ટેન્કર અપાતા હોવાનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
એક તરફ રાજકોટમાં ઉનાળાનો આકરો તાપ શહેરીજનોને ત્રસ્ત કરી રહ્યો છે. બીજી તરફ શહેરમાં વીર સાવરકર આવાસ યોજનામાં પાણીની પારાયણ શરુ થઈ ગઈ છે. આવાસ યોજનાના રહીશોને છેલ્લા ઘણાં સમયથી પાણી ન મળતા તેઓ પરેશાન થઈ ગયા છે. રોષે ભરાયને આવાસ યોજનાના પાર્કિંગમાં મહિલાઓએ હોબાળો મચાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દોડી આવી હતી અને મહિલાઓને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ઉનાળો આવતા જ પાણીની બૂમો ઉઠવી રાજકોટ માટે જાણે સામાન્ય વાત છે. રાજકોટમાં પહેલેથી જ ઉનાળામાં પાણીની અછત સર્જાવાના એંધાણ હતા. પરંતુ રાજકોટમાં રૂડા દ્વારા તૈયાર કરવામાં આવેલા વીર સાવરકર આવાસ યોજનામાં 1000 આવાસમાં માત્ર 4 જ ટેન્કર દરરોજ આપવામાં આવે છે. આવાસ યોજનાના રહીશોને છેલ્લા ઘણાં સમયથી પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે. જેના કારણે રહીશોને રોજીંદા કામોમાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી મહિલાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
આ અંગે સ્થાનિક જાગૃતિબેન પંડ્યા નામની મહિલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષથી વીર સાવરકર આવાસ યોજનામાં પાણી નિયમિત આવતું નથી જયારે જવાબદાર અધિકારીઓ ઉડાઉ જવાબ આપી સમસ્યાનું સમાધાન ન લાવતા નથી. આમાં આમારે ક્યાં જવું ? કોને ફરિયાદ કરવી.



