મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી મારી સિદ્ધયોગની સાધના ચાલી રહી છે, એની કેટલીક પ્રભાવક અસરો હું અનુભવી રહ્યો છું. હજુ મારામાં ખાસ બાહ્ય પરિવર્તનો આવ્યાં નથી. કોટ, પેન્ટ, ટાઈ, ચમકતા શૂઝ, આ બધું પહેરવું હવે ગમતું નથી, પરંતુ સામાજિક સમારંભો અને જાહેર કાર્યક્રમોમાં સ્ટેજ પર જવાનું હોવાથી લોક લાજે આ બધું પહેરવું પડે છે. જો મારું ચાલે તો હું લેંઘા-કુર્તામાં જ બહાર જાઉં. એ સમય પણ ક્યારેક આવશે.
આ તો થયું બાહ્ય પરિવર્તન. પણ આંતરિક પરિવર્તનની વાત કરું તો મારા નિકટના લોકો કહે છે કે મારો ક્રોધ લગભગ નષ્ટ થયો છે. જવલ્લે જ કોઈક ત્રાહિત વાત ઉપર મારો પુણ્યપ્રકોપ છલકાઈ જતો હશે. પરંતુ અંગત કારણસર હું હવે ક્રોધ કરતો નથી. અહંકાર, લોભ, મોહ આ બધું ક્યારનું ઓછું થઈ ગયું છે. અપરિગ્રહ પણ તીવ્ર બની ગયો છે. એવું થાય છે કે મારો આખો વોર્ડરોબ જરૂરતમંદોને વહેંચી આપું અને હું માત્ર બે કે ત્રણ જોડી જ વસ્ત્રો રાખું. એ સમય પણ આવશે.
- Advertisement -
છેલ્લા એકાદ મહિનાથી બોલવાનું ખૂબ જ ઓછું કરી દીધું છે. અત્યંત આવશ્યક ન હોય તો વાત કરવાનું મને ગમતું નથી. મૌનની શક્તિ પ્રત્યેક પળે અનુભવાતી રહે છે. મહુવાના મારા ગાઢ મિત્ર ડો. કનુભાઈ કલસારિયા નજીકના સમયમાં વિપશ્યના કેન્દ્ર બનાવી રહ્યાં છે. એમનો પ્રેમભર્યો આગ્રહ છે કે મારે વિપશ્યનાનો લાભ મેળવવો. હું 9 દિવસ કાઢી શકું તેમ નથી, એટલે મેં કહ્યું, “કનુભાઈ, તમારા પ્રેમાળ આગ્રહ માટે આભાર, પણ હું તો મારા રૂમના એકાંતમાં જ વિપશ્યનાને અનુસરી રહ્યો છું.”
એકપણ દુન્યવી બાબતમાં રસ રહ્યો નથી, કોઈ સાંસારિક કામના બચી નથી. પરમશક્તિ મને બહુ ઝડપથી વધુને વધુ ઊંડી સાધના તરફ ખેંચી જાય એવી પ્રાર્થના કરું છું.