ટૂંકસમય પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં જૂથવાદ અને પોતાના અમૂક ચોક્કસ લોકો સાથેની નારાજગીથી કોંગ્રેસ છોડી હતી
ગુજરાતમાં પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તારીખો જાહેર નથી થઈ ત્યાં કોંગ્રેસમાં નેતાઓનું આવન જાવન શરૂ થઈ ગયું છે. હાલમાં જ રાજકોટમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની હાજરીમાં ભાજપનાં મહિલા કોર્પોરેટ કોંગ્રેસમાં ભળ્યા હતા તો બે દિવસ પૂર્વે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પરેશ ધાનાણી, અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા સહિત કોંગ્રેસી નેતાઓની હાજરીમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘર વાપસી થઈ હતી. હવે કોંગ્રેસમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુના પુનઃપ્રવેશથી એવા સવાલો અને શંકાઓ ઉઠી રહ્યા છે કે ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘર વાપસીથી કોંગ્રેસમાં જુસ્સો વધશે કે જૂથવાદ?
ઈન્દ્રનીલ રાજ્યગુરુ ગત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રુપાણી સામે રાજકોટમાંથી ચૂંટણી લડ્યાં હતા અને હારી ગયા હતા ત્યારબાદ તેઓએ પક્ષમાં જૂથવાદનું કારણ આગળ ધરીને કોંગ્રેસ છોડી હતી. હવે જ્યારે ફરી ચૂંટણી ટાણે ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘર વાપસી થઈ છે ત્યારે રાજકોટ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને કોંગ્રેસનાં દિગજ્જ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે ચકમક જરી શકે છે. રાજકીય પંડિતોનું એવું માનવું છે કે, રાજકોટ મનપાની ચૂંટણીમાં પોતપોતાના જૂથના લોકોને ટિકિટ અપાવવા અશોક ડાંગર અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ મહેનત કરશે ત્યારે પક્ષમાં મતભેદ ઉભો થઈ શકે છે. આમ, ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઘર વપસીથી કોંગ્રેસ ફરીથી મજબૂત બનશે કે કોંગ્રેસમાં જૂથવાદ ઉભો થશે એ જોવું રહ્યું.