ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનાં શહેર ભાજપ પ્રમુખ બનવા માટે આજે ઑબ્ઝર્વર માયાબેન કોડનાની સમક્ષ ઉમેદવારોની રીતસર કતાર લાગી હતી. અનૂમાન એવું હતું કે, લગભગ એકાદ ડઝન મૂરતિયાંઓ ઉમેદવારો નોંધાવશે. પરંતુ મૂરતિયાંઓનો આંકડો લગભગ 30 સુધી પહોંચ્યો છે.
ફોર્મ ભરવા માટે લાગેલી કતારોથી એક વાત સ્પષ્ટ થાય છે કે, રાજકોટનાં જૂનાં જોગીઓ ફરી સક્રિય થયાં છે. અંજલિબેન-વિજયભાઈ રૂપાણીનું જૂથ પણ ફરી મેદાનમાં આવ્યું છે અને વજુભાઈ વાળા જેવાં પીઢ નેતા પણ શહેર ભાજપમાં રસ લઈ રહ્યાં છે. રૂપાણી જૂથનાં ધર્મેન્દ્ર મિરાણી, મનીષ રાડિયા, રક્ષાબેન બોળિયા, બીનાબેન આચાર્ય, પ્રદીપ ડવ, શૈલેષ જાની, દિવ્યરાજસિંહ ગોહિલ, જે. ડી. ડાંગર તથા નીતિન ભૂતે દાવેદારી નોંધાવી છે. જ્યારે વજુભાઈ વાળાની નિકટ ગણાતાં સીનિયર નેતા માવજીભાઈ ડોડિયાએ પણ દાવેદારી કરી છે.
રાજકોટ શહેર ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખોની નિમણૂક બાદ હવે શહેર ભાજપ પ્રમુખની નિમણૂક માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મવડી મંડળ દ્વારા આ વખતે કોઈ વય મર્યાદા રાખવામાં ન આવતા ક્યાંક કાર્યકર્તા અને આગેવાનોમાં હાશકારો વર્તાય રહ્યો છે. આજે (4 જાન્યુઆરી) રાજકોટ કમલમ ખાતે ઉત્સાહભેર અનેક જુના જોગીઓ, વર્તમાન હોદેદારો અને યુવા ચહેરાઓ ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે. હાલ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશી છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત છે, ત્યારે હવે ફરી વખત તેઓને પાર્ટી રિપીટ કરે તો નવાઈ નહીં.
- Advertisement -
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માટે આજે દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. જેમાં વર્તમાન પ્રમુખ મુકેશ દોશી ઉપરાંત મહામંત્રી અને પૂર્વ ડેપ્યુટી મેયર અશ્ર્વિન મોલિયા, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ, જે. ડી. ડાંગર, નીતિન ભૂત, કશ્યપ શુકલ, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ શૈલેષભાઇ જાની, દેવાંગ માંકડ, દિવ્યરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્ર મીરાણી, દિનેશ કારિયા, પરેશ ઠાકર, સરદારધામના ઉપપ્રમુખ જેન્તી સરધારા સહિત કુલ 30 જેટલા દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે.
આ ફોર્મ સ્વીકારવા માટે ચૂંટણી નિરીક્ષક માયાબેન કોડનાની અને મુકેશ લંગાળીયા રાજકોટ આવી પહોંચ્યા હતા, જેમના દ્વારા આજે ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે. આવતીકાલે સંકલન બેઠક મળશે, જેમાં નિરીક્ષકો ચર્ચા કરી પ્રદેશ મવડી મંડળ ખાતે પોતાનો રિપોર્ટ રજૂ કરશે અને ત્યારબાદ પ્રદેશ ભાજપ દ્વારા પ્રમુખની પસંદગી કરવામાં આવશે.
મોટાં નેતાઓને ‘યસ મેન’ જ જોઈએ છે: મૂકેશ દોશીનું પ્રમુખ બનવાનું નક્કી જેવું
- Advertisement -
ફોર્મ ભરનાર એક ઉમેદવારે ‘ખાસ-ખબર’ને જણાવ્યું હતું કે, ‘રાજકોટને જેમણે બાનમાં લીધું છે તેવાં કેટલાંક મોટાં નેતાઓને એવો નેતા પ્રમુખપદ પર જોઈએ છે- જેને આંખ કે જીભ ન હોય – માત્ર કાન જ હોય. જે યસ-મેન બનીને નેતાઓનાં કામ કર્યે રાખે, કોઈને કામની ના ન કહે અને કોઈનાં કામ કરે નહીં. હા જી હા કરવામાં જે માહેર હોય, જેનો પોતાનો કોઈ વોઈસ ન હોય. આ તમામ માપદંડોમાં મૂકેશ દોશી એકદમ ફિટ બેસે છે. એમનાં જેવાં કહ્યાગરાં અને ડાહ્યાંડમરાં પ્રમુખ દીવો લઈને શોધવા જાય તો પણ મળે નહીં. તેથી કહેવાય છે કે, એમની ખુરશી પર આંચ નહીં આવે.
ભાજપનાં સિનિયર નેતા માવજીભાઈ ડોડિયાએ પણ દાવેદારી નોંધાવી
ડેપ્યુટી મેયર તરીકે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા માવજીભાઈ પોતાની કાર્યદક્ષતા માટે અને ઝડપી કામગીરી માટે જાણીતા
ભાજપના પ્રમુખ તરીકે માવજીભાઈ ડોડીયાએ દાવેદારી નોંધાવતા શહેર ભાજપમાં સન્નાટો ફેલાઈ ગયો છે અને અગણિત લોકો તેમને ટેકો આપી રહ્યાં છે. અગાઉ ડેપ્યુટી મેયર તરીકે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા માવજીભાઈ પોતાની કાર્યદક્ષતા માટે અને ઝડપી કામગીરી માટે જાણીતા છે. સમસ્ત રાજપૂત સમાજના અગ્રણી અને સમગ્ર સૌરાષ્ટ્રના મોભી માવજીભાઈ ડોડીયા ઘણા વર્ષો પછી ફરી મેદાનમાં ઉતર્યા છે. હવે ભાજપને જૂની પેઢીના લોકો જ તારી શકશે તેવો મત સૌએ વ્યક્ત કર્યો છે અને માવજીભાઈને સમગ્ર સમાજ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
પૂર્વ કોર્પોરેટર અને આર્કિટેક ધર્મેન્દ્ર મિરાણીએ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી
રાજકોટ શહેર ભાજપ પ્રમુખની નિમણુક માટે ફોર્મ ભરવા માટે પ્રક્રિયા શરૂ થતાં રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાયેલા ધર્મેન્દ્ર મિરાણીએ ફોર્મ ભરી દાવેદારી નોંધાવી છે. ધર્મેન્દ્ર મિરાણી આર્કિટેક વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. ધર્મેન્દ્ર મિરાણીએ છેલ્લા 33 વર્ષથી પક્ષમાં અનેક જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. આ ઉપરાંત બે ટર્મ વોર્ડ પ્રમુખ, એક ટર્મ વોર્ડ પ્રભારી તેમજ સતત બે ટર્મ સુધી કોર્પોરેટરના પદ પર રહી લોકોની સેવા કરી હતી. તેની સાથે જ જગ્યા રોકાણ, ટાઉન પ્લાનીંગ તથા ડ્રેનેજ કમિટિના ચેરમેન તરીકે રહી શહેરી વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. આ સાથે સતત ત્રણ વર્ષ ગુજરાત પોલીસ હાઉસીંગ બોર્ડ, ગુજરાત રાજ્યના ડાયરેકટર પદે રહી ચૂક્યા છે. પક્ષની સાથે સાથે ક્ધસલ્ટીંગ સિવિલ એન્જિનીયર્સ એસોસિએશન રાજકોટના પ્રમુખ તરીકે 9 વર્ષ રહી તે ક્ષેત્રમાં પણ પોતાની આવડત અને કુનેહથી સફળ કામગીરી બજાવી છે.
અઢી ડઝન ઉમેદવારો: શહેર ભાજપમાં બધું બરાબર નથી- તેનો સંકેત
ઉમેદવારો સાથેની વાતચીત બાદ એક વાત તો સાબિત થાય છે કે, શહેર ભાજપનાં જૂનાં અગ્રણીઓમાં હાલનાં હોદ્દેદારો સામે અને સ્થાનિક સંગઠન સામે ભયાનક અસંતોષ પ્રવર્તી રહ્યો છે. કેટલાંક ઉમેદવારોએ દાવો કર્યો છે કે, હાલનાં શહેર પ્રમુખની નીતિરીતિ વિરુદ્ધ કેટલાંક લોકોએ બંધ કવરમાં ફરિયાદો પણ કરી છે. એક મૂરતિયાએ ‘ખાસ-ખબર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ એવી સ્થિતિ છે કે, ‘કોંગ્રેસમાંથી આવેલાં લોકો ભાજપનાં જૂનાં જોગીઓનું ભવિષ્ય નક્કી કરી રહ્યાં છે.’ તેમણે આ સ્થિતિને ખરેખર દુ:ખદ ગણાવી હતી.



