ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું આ વર્ષ પણ સપનું જ રહી ગયું હતું. નોંધનીય છે કે ભારતે વર્ષ 1975માં છેલ્લી અને એકમાત્ર વખત હોકી વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો.

ટીમ ઈન્ડિયા હોકી વર્લ્ડકપ 2023 માંથી બહાર થઈ ચૂકી છે. જણાવી દઈએ કે રવિવારે 22 જાન્યુઆરીના રોજ ભુવનેશ્વર સ્ટેડિયમમાં રમાયેલ ક્રોસઓવર મેચમાં ભારતને ન્યુઝીલેન્ડના હાથે શૂટઆઉટમાં 4-5થી હારનો સામનો કરવો પડ્યો હતો આ સાથે જ ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ જીતવાનું સપનું આ વર્ષ પણ સપનું જ રહી ગયું હતું. નોંધનીય છે કે ભારતે વર્ષ 1975માં છેલ્લી અને એકમાત્ર વખત હોકી વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો. એવામાં જો જોવામાં આવે તો ન્યૂઝીલેન્ડ હંમેશા મોટી ટૂર્નામેન્ટમાં ભારતને માત આપતું આવ્યું છે..

… વર્ષ 2019 સેમી ફાઇનલ મેચ
ક્રિકેટ હોય કે હોકી ટીમ ઈન્ડિયા મહત્વની મેચોમાં ન્યૂઝીલેન્ડ સામે ઘણી વખત હાર્યું છે. એવામાં ઈંગ્લેન્ડમાં રમાયેલ 2019 ODI વર્લ્ડ કપ કોણ ભૂલી શકે? જૂની મેચને યાદ કરીએ તો વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર રમત રમી રહી હતી અને ટીમે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. એ સમયે સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સાથે થયો હતો અને માન્ચેસ્ટરમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 18 રનથી હરાવી હતી.

ટેસ્ટ ચેમ્પિયનશિપની એ ફાઇનલ મેચ
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પહેલી સિઝનની ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ સામસામે હતી જ્યાં ન્યુઝીલેન્ડની ટીમે આઠ વિકેટથી જીત મેળવી હતી. વર્ષ 2021માં ઈંગ્લેન્ડનામાં રમાયેલ એ મેચમાં ટીમે પહેલી ઇનિંગમાં માત્ર 217 રન બનાવ્યા હતા જો કે સામે કીવી ટીમ 249 રનમાં આઉટ થઈ હતી, એ બાદ ભારત તેની બીજી ઇનિંગમાં માત્ર 170 રનમાં આઉટ થઈ ગયું હતું અને ન્યૂઝીલેન્ડને 139 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેને સહેલાઈથી મેળવી લીધો હતો.

નોકઆઉટ ફાઇનલમાં જીત છીનવી લીધી હતી
વર્ષ 2000ની ICC નોકઆઉટ ફાઇનલમાં પણ ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવી હતી, જણાવી દઈએ કે નૈરોબીમાં રમાયેલી મેચમાં પેહલા બેટિંગ કરતા ભારતીય ટીમે કેપ્ટન સૌરવ ગાંગુલીના 117 અને સચિન તેંડુલકરના 69 રનની મદદથી 50 ઓવરમાં છ વિકેટે 264 રન બનાવ્યા હતા જો કે તેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ પાંચ વિકેટે 132 રન બનાવીને એક સમયે મુશ્કેલીમાં મુકાઈ હતી પણ એ પછી ક્રિસ કેર્ન્સે અણનમ 102 રન ફટકારીને કીવી ટીમને ચાર વિકેટ અને બે બોલથી જીત અપાવી હતી.

2021 T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડે તોડ્યું સપનું
ICC T20 વર્લ્ડ કપ 2021માં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હારને કારણે ભારતીય ટીમની સેમિફાઇનલમાં પહોચી શકી નહતી. દુબઈમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમ 20 ઓવરમાં સાત વિકેટે માત્ર 110 રન જ બનાવી શકી હતી અને તેના જવાબમાં કિવી ટીમે 14.3 ઓવરમાં ટાર્ગેટ મેળવી લીધો હતો. નોંધનીય છે કે આ પહેલા ન્યુઝીલેન્ડે 2016 અને 2007 ટી20 વર્લ્ડ કપમાં પણ ભારતને હરાવ્યું હતું. જો કે એટલું જ નહીં ટીમ ઈન્ડિયા 1975, 1979, 1992 અને 1999ના ODI વર્લ્ડ કપમાં પણ ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ હતી.

હોકી વર્લ્ડ કપમાં ત્રીજી વખત મળી હાર
હોકી વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ સાતમી મેચ હતી, આ પહેલા બંને દેશો વચ્ચે છ મેચ રમાઈ હતી જેમાં ભારતે ત્રણ અને કિવી ટીમે બેમાં જીત મેળવી હતી. 1986 અને 2002ના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે ભારતને 2-1ના માર્જિનથી હરાવ્યું હતું અનેતે જ સમયે ભારતીય ટીમ 1998 વર્લ્ડ કપમાં બે વખત અને 1982ના વર્લ્ડ કપમાં કિવી સામે એક વખત જીતવામાં સફળ રહી હતી. વર્ષ 1973ના વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચેનો મુકાબલો 1-1થી બરાબર રહ્યો હતો.