ખાસ-ખબર સંવાદદાતા
પોલેન્ડના ભારતીય રાજદૂત એડમ બ્યુરોકોવ્સ્કીએ રાજકુમાર કોલેજની મુલાકાત લઈ અહીંના વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠિ કરી હતી. એડમ બ્યુરોકોવ્સ્કીએ પોલેન્ડ તેમજ જામનગર અને રાજકોટ સાથે ખાસ સંબંધ હોવાનું જણાવી જામ દિગ્વિજયસિંહજીના નામની પોલેન્ડના પાટનગર વોરસો ખાતે આવેલી સ્કૂલમાં વિદ્યાર્થીઓને આવવા આમંત્રણ પાઠવ્યું હતું. રાજકુમાર કોલેજ ખાતે પણ જામ દિગ્વિજયસિંહજીના અનુદાનથી શૈક્ષણિક ભવન હાલ કાર્યરત છે જેની મુલાકાત એડમે લીધી હતી, તેમજ હેરિટેજ કોલેજની વિવિધ પ્રવૃત્તિઓની માહિતગાર થયા હતા. અહીં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથોસાથ રમતગમત, સંગીત સહિત વિવિધ પ્રવૃત્તિઓ સાથે સર્વાંગિક શિક્ષણ મળતુ હોવાનું જાણી તેમણે ખુશી વ્યક્ત કરી હતી. રાજદૂત એડમ બ્યુરોકોવ્સ્કીનું રાજકુમાર કોલેજના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ દ્વારા ભારતીય પરંપરા અનુસાર સ્વાગત કરાયું હતું.