અમેરિકા ભારત પર રશિયામાંથી ક્રૂડ ખરીદવા મામલે નારાજ છે. તે ભારત પર કોઈપણ પ્રકારનું દબાણ બનાવી રશિયામાંથી ક્રૂડ આયાત ઘટાડવા માગે છે. જો કે, ભારતે કોઈપણ પ્રકારના દબાણમાં આવ્યા વિના રશિયા સાથે વેપાર ચાલુ રાખ્યો છે. પુતિને આ મામલે કહ્યું કે, ભારતના લોકો ક્યારેય અન્યાય સહન કરી શકશે નહીં. હું પીએમ મોદીને જાણું છું તે આવા પગલાં ક્યારેય લેશે નહીં.
ભારત-રશિયા વર્ષોથી મિત્ર
- Advertisement -
સોચીમાં વાલદાઈ ડિસ્કશન ક્લબમાં પુતિને આગળ કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચે ક્યારેય પણ કોઈપણ પ્રકારનો વિવાદ રહ્યો નથી. બંને દેશો વર્ષોથી મિત્ર છે. ભારત જાણ્યા-સમજ્યા વિના કોઈ નિર્ણય લેશે નહીં. 2023 બાદથી ભારત રિફાઈન્ડ ઓઈલના નિકાસ મામલે ઘણુ આગળ નીકળી ગયુ છે. ભારત રશિયામાંથી ક્રૂડની આયાત કરે છે અને બાદમાં તેને રિફાઈન્ડ કરી યુરોપિયન દેશોમાં વેચે છે.
અમેરિકાની અડોડાઈ
અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. જેમાંથી અડધો 25 ટકા ટેરિફ રશિયામાંથી ક્રૂડની આયાત બદલ લાદ્યો છે. યુએનમાં સંબોધન દરમિયાન પ્રમુખ ટ્રમ્પે ભારત અને રશિયા પર યુક્રેન યુદ્ધમાં રશિયાની મદદ કરવાનો આરોપ મૂક્યો હતો. પુતિને રશિયા-ભારત સંબંધોની વિશેષ પ્રકૃત્તિ પર પ્રકાશ પાડતાં કહ્યું કે, ભારત પોતાની સ્વતંત્રતા માટે સંઘર્ષના દિવસો યાદ રાખે છે, તેઓ અન્યના ઉપકાર જાણે છે અને તેને મહત્ત્વ પણ આપે છે. અમે ભારતની આ પ્રકૃતિને બિરદાવીએ છીએ.
- Advertisement -
વડાપ્રધાન મોદીને મિત્ર ગણાવતાં પુતિને વધુમાં કહ્યું કે, હું તેમની સાથે વિશ્વસનીય સંબંધોના કારણે સહજતા અનુભવુ છું. વેપાર અસંતુલન દૂર કરવા માટે રશિયા ભારતમાંથી મોટાપાયે કૃષિ પ્રોડક્ટ્સ અને દવાઓની ખરીદી કરી શકે છે. ઔષધીય દવાઓ અને ફાર્માસ્યુટીકલ્સની ભારતમાંથી આયાત માટે અમુક પગલાં લઈ શકીએ છીએ. પુતિને રશિયા અને ભારત વચ્ચે આર્થિક સહયોગની અપાર સંભાવનાઓ પર ભાર મૂકતાં કહ્યું કે, આપણે આપણી તકો અને સંભવિત લાભ પ્રાપ્ત કરવા તમામ પ્રકારના મુદ્દાઓ ઉકેલવાની જરૂર છે. નાણાકીય પોષણ, ચૂકવણી સંબંધિત પડકારો, અને ચીજ-વસ્તુઓની આયાત-નિકાસ પર નડતાં પડકારો દૂર કરવાની જરૂર છે.