કેપ્ટન બુમરાહ બન્યો ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’
ખાસ-ખબર સંવાદદાતા
ભારત અને આયરલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ ઝ20 આંતરરાષ્ટ્રીય મેચ ગઈકાલે ડબલિનમાં એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી. ભારતે રવિવારે બીજી ઝ20 મેચમાં જીત સાથે સિરીઝ 2-0થી જીતી લીધી હતી. ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહને આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. ફાઈનલ મેચમાં ટોસમાં વરસાદને કારણે વિલંબ થયો હતો અને ઘણી તપાસ બાદ અમ્પાયરોએ નિર્ધારિત સમયના ત્રણ કલાક બાદ મેચ રદ કરી હતી. આ સિરીઝમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ 11 મહિના પછી સર્જરી બાદ પ્રભાવશાળી પુનરાગમન કર્યું હતું. ઓક્ટોબર-નવેમ્બરમાં ઘરઆંગણે યોજાનારા વર્લ્ડ કપ પહેલા વરિષ્ઠ ખેલાડીઓની ગેરહાજરીમાં બુમરાહે યુવા ખેલાડીઓથી ભરેલી ટીમનું નેતૃત્વ કર્યું હતું. જસપ્રિત બુમરાહે કહ્યું કે મેદાન પર પાછા ફરીને સારું લાગે છે. મેચ માટે લાંબા સમય સુધી સતત રાહ જોવી કંટાળાજનક છે. આજે સવારે વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું, પરંતુ તે પછી વરસાદને કારણે રમત રમાઈ શકી ન હતી. આ સિવાય જસપ્રિત બુમરાહે ભારતીય ટીમની કેપ્ટનશિપ પર પોતાની વાત રાખી હતી. જસપ્રીત બુમરાહે કહ્યું કે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવી ખૂબ જ ગર્વની વાત છે. અમારી ટીમના તમામ ખેલાડીઓ ઉત્સાહથી ભરેલા છે. જ્યારે પણ તક મળે ત્યારે તમારે પ્રદર્શન કરવું પડશે. એક ક્રિકેટર તરીકે તમે હંમેશા જવાબદારી લેવા ઈચ્છો છો.