ખેડૂતોએ દિલ્હીમાં ગાઝીપુર અને શંભુ બોર્ડર બ્લોક કરી : એક ખેડૂતનું હાર્ટ એટેકથી મોત: દિલ્હી-NCRમાં ટ્રાફિકજામથી હાલત ખરાબ
ખાસ-ખબર સંવાદદાતા
ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ચાલી રહેલા આંદોલન વચ્ચે 27 સપ્ટેમ્બરે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચા વતી આ બંધને કોંગ્રેસ અને આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળોએ ટેકો આપ્યો છે. ખેડૂતનેતા વિજેન્દર સિંહ રતિયાએ રવિવારે ટિકરી બોર્ડર પર કહ્યું હતું કે 27 સપ્ટેમ્બરે સમગ્ર ભારત બંધ રહેશે. હરિયાણા, પંજાબ, દિલ્હી સહિત ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આ બંધની વધુ અસર જોવા મળી છે.
- Advertisement -

દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર ભારે ટ્રાફિકજામ થયો છે. હરિયાણાની સિંઘુ બોર્ડર પર એક ખેડૂતનું મોત થયું છે. પોલીસનું કહેવું છે કે ખેડૂતનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું, જો કે બાકીની માહિતી પોસ્ટમોર્ટમ બાદ જ આપવામાં આવશે.
ભારત બંધ દરમિયાન ખેડૂતોએ મુખ્યત્વે દિલ્હી, યુપી અને હરિયાણામાં પોતાનું પ્રદર્શન તેજ કર્યું છે. ખેડૂતોએ દિલ્હીમાં ગાઝીપુર બોર્ડર, શંભુ બોર્ડર બ્લોક કરી છે, જ્યારે દિલ્હી-અમૃતસર, દિલ્હી-અંબાલા સહિત અન્ય ઘણા રસ્તાઓ પણ ખેડૂતોએ બંધ કરી દીધા છે.

- Advertisement -
તામિલનાડુની રાજધાની ચેન્નઈમાં કૃષિ કાયદાની સામે આંદોલન કરી રહલા પ્રદર્શનકારીઓએ અનેક પોલીસ બેરિકેડ્સ તોડ્યા હતા. પોલીસના કહેવા પર પણ જ્યારે ખેડૂતો માન્ય નહીં, ત્યારબાદ પોલીસે ખેડૂતોની અટકાયત કરી હતી.
બિહારમાં ડાબેરીઓ સાથે મહાગઠબંધન, આરજેડી અને કોંગ્રેસ પણ ભારત બંધને ટેકો આપી રહ્યા છે, જેમાં મહાગઠબંધન દ્વારા બિહારને લગતા પ્રશ્નો પણ ઉમેરવામાં આવ્યા છે, જેમ કે રોજગારીના વચનનો પ્રશ્ન, યોજનાઓમાં કૌભાંડનો પ્રશ્ર્ન, જાતિ વસતિગણતરીનો પ્રશ્ન વગેરે. આજે સવારથી આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના કાર્યકરો રસ્તા પર ઊતર્યા છે. આંદોલનકારીઓ વાહનવ્યવહાર ખોરવી રહ્યા છે.



