વ્હાઈટ હાઉસનું ચોંકાવનારું નિવેદન
અમેરિકા વિવિધ દેશો પર ટેરિફ લાદવાના નિર્ણય પર ઝડપથી કામ કરી રહ્યું છે. મંગળવારે વ્હાઈટ હાઉસમાં વિવિધ દેશો દ્વારા અમેરિકા પર લાગુ ટેરિફ મુદ્દે ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં ભારત અમેરિકન આલ્કોહોલ પર 150 ટકા અને કૃષિ પ્રોડક્ટ્સ પર 100 ટકા ટેરિફ વસૂલી રહ્યો હોવાનો ખાસ ઉલ્લેખ થયો હતો.
- Advertisement -
વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વેપાર નીતિઓમાં સંતુલન અને પારદર્શિતા જળવાઈ રહે તે હેતુ સાથે રેસિપ્રોકલ ટેરિફને સમર્થન આપી રહ્યા છે. કેનેડા દાયકાઓથી અમેરિકા પર ટેરિફ લાદી અમેરિકસની મહેનત પર પાણી ફેરવે છે, બીજી બાજુ ભારત પણ અમેરિકાના આલ્કોહોલ પર 150 ટકા ટેરિફ વસૂલે છે.
અમેરિકાએ અગાઉ કેનેડામાંથી આયાત થતી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફ લાદવા નિર્ણય લીધો હતો. તેમ છતાં કેનેડાએ ઝૂકવાનો ઈનકાર કરતાં અમેરિકાએ ટેરિફનો બોજો બમણો (50 ટકા) કર્યો હતો. આ ટેરિફ આજથી લાગુ થવાનો હતો. પરંતુ અચાનક ટ્રમ્પ સરકારે કામચલાઉ ધોરણે ટેરિફ હાલ લાગુ ન કરવાની જાહેરાત કરી હતી. લેવિટે આ સંદર્ભે આગળ જણાવ્યું હતું કે, અમેરિકા પાસે એક એવા રાષ્ટ્રપ્રમુખ છે, જે અમેરિકાના બિઝનેસ અને કામદરોના હિત માટે ચિંતિત છે. જો તમે કેનેડાને ધ્યાનમાં લો, તેણે અમેરિકાના પનીર અને બટર પર 300 ટકા ટેરિફ લાદ્યો છે. જાપાન અમેરિકાના ચોખા પર 700 ટકા ટેરિફ વસૂલે છે. ભારત પણ કૃષિ પર 100 ટકા અને આલ્કોહોલ પર 150 ટકા ટેરિફ વસૂલી રહ્યો છે.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ટેરિફ વોરની જાહેરાત સાથે અગાઉ સ્પષ્ટતા આપી હતી કે, વિશ્વના મોટાભાગના દેશોએ અમેરિકા પાસેથી મોટાપાયે ટેરિફ વસૂલી દેશને લૂંટ્યો છે. વિશ્વની પ્રત્યેક કંપની અમેરિકાને લૂંટી રહી છે. અમે આ પગલાંથી અમારી પાસેથી લૂંટેલા ધનને પરત મેળવવા માગીએ છીએ.ટેરિફના બદલામાં ટેરિફની નીતિથી વિશ્ર્વમાં ટ્રેડ વોરની ભીતિનો સંકેત પણ મળ્યો છે. બીજી તરફ અમેરિકામાં મંદીના ભણકારા વધ્યા છે.
- Advertisement -