આ બંદર મેળવવા ચીને પણ ધમપછાડા કર્યા હતા
આ વર્ષે ભારતની ત્રીજી પોર્ટ ડીલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે ભારતે મોટી જીત હાંસલ કરી છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, મોંગલા પોર્ટના ટર્મિનલના સંચાલન માટે ભારતે બાંગ્લાદેશ સાથે કરાર કર્યો છે. આ ડીલ એવા સમયે નક્કી કરવામાં આવી છે જ્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ગયા મહિને ભારતની મુલાકાતે આવ્યા હતા.
ભારતની આ ડીલને હિંદ મહાસાગરમાં ચીનનો સામનો કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. ચીન પણ આ બંદર પર નજર રાખી રહ્યું હતું. મોંગલા બંદર ચિત્તાગોંગ બંદર પછી બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું બંદર છે. આ ત્રીજું વિદેશી બંદર હશે, જેના સંચાલનની જવાબદારી ભારતની રહેશે.
આ વર્ષની શરૂઆતમાં, ભારતે મ્યાનમાર સાથે સ્વાતે પોર્ટ અને ઈરાન સાથે ચાબહાર પોર્ટ માટે સોદા કર્યા છે. મોંગલા પોર્ટ ડીલ સાથે જોડાયેલી માહિતી હજુ સામે આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટર્મિનલ ઇન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (IPGL) દ્વારા સંચાલિત કરવામાં આવશે.
મોંગલા પોર્ટ ડીલ ભારત માટે કનેક્ટિવિટીની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. આ બંદર ભારતને ઉત્તર-પૂર્વીય રાજ્યો સાથે કનેક્ટિવિટી વધારવામાં મદદ કરશે. આનાથી ચિકન નેક અથવા સિલિગુડી કોરિડોર પર દબાણ ઘટશે.
- Advertisement -
આ સિવાય ચીનનો મુકાબલો કરવા માટે પણ આ બંદર ઘણું મહત્વનું છે. હિંદ મહાસાગરમાં પોતાનો પ્રભાવ વધારવા માટે ચીન જીબુટીમાં રૂ. 652 કરોડ અને પાકિસ્તાનના ગ્વાદરમાં રૂ. 1.3 લાખ કરોડના પોર્ટનું નિર્માણ કરી રહ્યું છે.
ક્ધટેનર ટ્રાફિકના સંદર્ભમાં ટોચના 10 બંદરોમાં એક પણ ભારતીય બંદર સામેલ નથી. જ્યારે ચીનના 6 પોર્ટ ટોપ 10માં સામેલ છે.
દિલ્હી સ્થિત થિંક ટેન્ક સોસાયટી ફોર પોલિસીના ડિરેક્ટર અને ભૂતપૂર્વ નેવી ઓફિસર ઉદય ભાસ્કરના જણાવ્યા અનુસાર, મોંગલા પોર્ટનું સંચાલન હિંદ મહાસાગરમાં ભારતની પોર્ટ ઓપરેશન ક્ષમતાઓ દર્શાવવાની સારી તક છે.
ભૂતપૂર્વ અધિકારીના જણાવ્યા અનુસાર, પોર્ટ ઓપરેશનના ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક સ્તરે હલકી કક્ષાનું માનવામાં આવે છે. ભાસ્કરના જણાવ્યા મુજબ, વિદેશમાં બંદરોનું સંચાલન દેશની દરિયાઈ ક્ષમતા વધારવામાં મદદ કરે છે. અત્યાર સુધીમાં, ચીને 63 થી વધુ દેશોમાં 100 થી વધુ બંદરોમાં રોકાણ કર્યું છે.