-100 ઓવરનો મેચ માત્ર 21.3 ઓવરમાં ખત્મ: 14 રેકોર્ડ સર્જાયા
આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત એશિયાનું સરતાજ બન્યુ છે. એશીયા કપની ફાઈનલમાં શ્રીલંકાને હરાવીને આસાન વિજય મેળવ્યો હતો.એશિયાકપનાં ઈતિહાસનો આ સૌથી મોટો વિજય હતો તેમાં 14 જેટલા રેકર્ડ સર્જાયા હતા. હવે ભારતનો ટારગેટ આવતા માસથી શરૂ થનારો વર્લ્ડકપ બનશે તે સ્પષ્ટ છે.
- Advertisement -
એશિયાકપની ફાઈનલમાં બોલીંગ-બેટીંગ તથા ફિલ્ડીંગમાં ભારતે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું હતું.ફાઈનલ મેચની શરૂઆત પૂર્વે જ ઝાપટુ વરસતા ક્રિકેટપ્રેમીઓમાં ઉચાટ સર્જાયો હતો.પરંતુ ભારતની જીતમાં વિઘ્ન નાખવાનો મેઘરાજાનો આ ઈરાદો ન હોય તેમ થોડી જ મીનીટોમાં વરસાદ થંભી જવા સાથે ફાઈનલ મેચ શરૂ થઈ શકયો હતો. શ્રીલંકાએ ટોસ જીતીને દાવ લેવાનું પસંદ કર્યું હતું પરંતુ આ નિર્ણય બૂમરેંગ થઈ ગયો હોય તેમ ભારતનાં બોલીંગ આક્રમણ સામે શ્રીલંકા ચતુપાટ થઈ ગયુ હતું.
બુમરાહે પ્રથમ જ ઓવરમાં કુસલ પરેરાને આઉટ કરીને પ્રથમ ઝટકો આપ્યા બાદ મોહમ્મદ સિરાજે કમાલ કરી હતી. પોતાની બીજી અને ઈનીંગની ચોથી ઓવરમાં તેણે 6 દડામાં 4 વિકેટ ખેડવીને શ્રીલંકાને ધરાશાયી કરી દીધુ હતું. ઓવરના પ્રથમ, ત્રીજા, ચોથા અને છઠ્ઠા દડામાં વિકેટો લીધી હતી.
𝙒𝙃𝘼𝙏. 𝘼. 𝙒𝙄𝙉! 😎
- Advertisement -
A clinical show in the summit clash! 👌👌
A resounding 10-wicket win to clinch the #AsiaCup2023 title 👏👏
Well done, #TeamIndia! 🇮🇳#INDvSL pic.twitter.com/M9HnJcVOGR
— BCCI (@BCCI) September 17, 2023
શ્રીલંકાની માઠી દશા હોય તેમ આ પછી પણ વિકેટોનો સીલસીલો જારી રહ્યો હતો. 12 રનમાં 6 વિકેટ ખડી ગયા બાદ સાતમી વિકેટમાં 21 રનની ભાગીદારી થયા બાદ ફરી વિકેટોનું પતન શરૂ થયુ હતું અને આખી ટીમ 50 રનમાં સમેટાઈ ગઈ હતી. સીરાજે 6, હાર્દિક પંડયાએ 3 તથા બુમરાહે એક વિકેટ લીધી હતી. શ્રીલંકાનાં માત્ર બે બેટધરો જ બે આંકડામાં સ્કોર કરી શકયા હતા.
ભારત વિરૂદ્ધ કોઈપણ ટીમનો આ સૌથી ઓછો સ્કોર હતો.51 રનના ટારગેટને પાર કરવા ભારતે કપ્તાન રોહીત શર્માને બદલે ગીલ સાથે ઈશાન કિશનને મોકલ્યો હતો ઓપનીંગ જોડીએ માત્ર 6.1 ઓવરમાં ટારગેટ પાર કરી લીધો હતો.263 દડા બાકી રહી ગયા હતા અને તેના આધારે એશીયાકપનાં ઈતિહાસની આ સૌથી મોટી જીત બની હતી.
100 ઓવરની મેચ માત્ર 21.3 ઓવરમાં આટોપાઈ ગઈ હતી. શ્રીલંકા 15.2 ઓવર રમ્યુ હતું. જયારે ભારત 6.1 ઓવર રમ્યુ હતું. એશીયાકપની ફાઈનલમાં કુલ 14 જેટલા રેકોર્ડ સર્જાયા હતા.
ભારત પાંચ વર્ષ બાદ એશીયન ચેમ્પીયન બન્યુ છે. હવે ભારતનો ટારગેટ વિશ્વ વિજેતા બનવાનો રહેશે.ભારતમાં આવતા મહિનાથી ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થઈ રહ્યો છે તે જીતવાના લક્ષ્યાંક સાથે ભારત તૈયારી શરૂ કરશે.
𝗔𝗦𝗜𝗔 𝗖𝗨𝗣 𝟮𝟬𝟮𝟯 𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡𝗦! 🏆
Congratulations #TeamIndia 🇮🇳🥳#AsiaCup2023 | #INDvSL pic.twitter.com/8z6dgXBAaF
— BCCI (@BCCI) September 17, 2023
ઓન્લી સીરાઝ:રેકોર્ડની હારમાળા
► એશિયાકપનો ફાઈનલ મેચ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના નામે રહ્યો હતો. સિરાજનાં નામે અનેક સિદ્ધિ ઈતિહાસના પાને આલેખાઈ ગઈ છે.
►સિરાજે સૌથી ઓછા દડામાં પાંચ વિકેટ ઝડપ્યાનાં વિક્રમની બરાબરી કરી હતી. તેણે માત્ર 16 દડામાં પાંચ વિકેટ લીધી હતી આ પૂર્વે 2003 માં શ્રીલંકાના ચામીંડાવાસે બાંગ્લાદેશ સામેની મેચમાં 16 દડામાં પાંચ વિકેટ ઝડપી હતી.
►એશીયા કપમાં કોઈપણ બોલરમાં સિરાજનું બીજા નંબરનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. 2008 માં અંજના મેન્ડીસે 13 રનમાં 6 વિકેટ ભારત વિરૂદ્ધનાં કરાંચી મેચમાં ઝડપી હતી. આ બે સિવાય અન્ય કોઈ બોલરોએ એશીયાકપની એક જ મેચમાં 6 વિકેટો ઝડપી હતી.
►સૌથી તેજ 50 વિકેટ ઝડપનાર સિરાજ ચોથો ભારતીય બોલર બન્યો છે. ચહલે 30 મેચમાં આ સિધ્ધિ મેળવી હતી. સિરાજે 29 મેચમાં વન-ડેની 50 વિકેટ ઝડપીને મોહમ્મદ શામીની બરાબરી કરી હતી. અજીત અગરકરે 23 મેચમાં, કુલદીપે 24 મેચમાં, તથા બુમરાહે 28 મેચમાં આ સિધ્ધિ મેળવી હતી.
►સિરાજે 1002 દડામાં કેરીયરની 50 વિકેટ મેળવી છે. સૌથી ઓછા દડામાં આ સિદ્ધિ મેળવનાર સિરાજ દુનિયાનો બીજા નંબરનો બોલર બન્યો છે. શ્રીલંકાનાં અજંતા મેન્ડીસનાં નામે 847 દડામાં 50 વિકેટ પૂર્ણ કરવાનો રેકોર્ડ છે.
► એક ઓવરમાં જ 4 વિકેટ લેનાર સિરાજ દુનિયાનો 4થો બોલર બન્યો છે. નિસંકા, સદીરા, સમરવિક્રમા, આસલંકા તથા ધનંજય ડી’સીલ્વાને તેણે એક જ ઓવરમાં આઉટ કર્યા હતા.
પ્લેયર ઓફ ધ મેચની રકમ સિરાજે ગ્રાઉન્ડ સ્ટાફને દાન કરી
શ્રીલંકા સામેના ફાઈનલ જંગમાં સિરાજે કમાલ કરી હતી અને પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.ઈનામરૂપે 5000 ડોલર (અંદાજીત ચાર લાખ રૂપિયા) મળ્યા હતા. આ રકમ તેણે ગ્રાઉન્ડ સ્ટાફને દાન કરી દીધી હતી. આ ઉપરાંત એશીયાકપ ક્રિકેટ કાઉન્સીલે પણ ગ્રાઉન્ડ સ્ટાફને 50,000 ડોલર આપવાનું જાહેર કર્યું હતું.
એશિયાકપ વિજેતા ભારતીય ટીમને 1.25 કરોડનું ઈનામ: રનર્સઅપ શ્રીલંકાને રૂા.65 લાખ
પ્લેયર ઓફ ધ સીરીઝ કુલદીપ યાદવ બન્યો
એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત ચેમ્પીયન બન્યુ છે. ચેમ્પીયન ટીમને 1.50 લાખ અમેરિકી ડોલર (અંદાજીત 1.25 કરોડ રૂપિયા) ઈનામ રૂપે મળ્યા હતા. જયારે રનર્સ અપ બનેલી શ્રીલંકાની ટીમને 75000 ડોલર (65 લાખ રૂપિયા) મળ્યા હતા.
Here's the #TeamIndia squad for the ICC Men's Cricket World Cup 2023 🙌#CWC23 pic.twitter.com/EX7Njg2Tcv
— BCCI (@BCCI) September 5, 2023
એશિયાકપમાં પ્લેયર ઓફ ધ સીરીઝ કુલદીપ યાદવને જાહેર કરાયો હતો જેમાં 15000 ડોલર (12.50 લાખ)નું ઈનામ અપાયુ હતું. પ્લેયર ઓફ ધ મેચ મોહમ્મદ સિરાજ 5000 ડોલર (4.15 લાખ) તથા કેચ ઓફ ધ મેચનું 3000 ડોલર (2.50 લાખ રૂપિયા)નું ઈનામ રવિન્દ્ર જાડેજાને મળ્યું હતું.ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી તથા એશિયન કાઉન્સીલના વડા જય શાહના હસ્તે ચેમ્પીયન ટીમ ભારતના કપ્તાન રોહીત શર્માને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.