-ટેકસપાત્ર આવક જ દર્શાવી ન હોય કે ઓછી કમાણી દર્શાવનારા પર તવાઈ: મોટાભાગનાં 4 થી 6 વર્ષના જુના કેસ
કાળાનાણાને ડામવા માટે સરકારના ભરચકક પ્રયાસો છતાં આ દુષણ અટકતુ ન હોય તેમ આવક છુપાવવા કે ઓછી આવક દર્શાવવા બદલ એક લાખ લોકોને નોટીસો ફટકારવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને જ આ ખુલાસો કરતા જણાવ્યું હતું કે કરચોરીનાં આ તમામ કેસો 4 થી 6 વર્ષ જુના છે અને આવકવેરા વિભાગ 31 માર્ચ 2024 સુધીમાં આ તમામ નોટીસ પ્રક્રિયા પૂર્ણ કરી લેશે. કરદાતાએ સાચી આવક દર્શાવી ન હોય કે વાસ્તવિક કમાણી ઓછી દર્શાવીને ઓછો ટેકસ ભર્યો હોય
- Advertisement -
તેવી માહિતીનાં આધારે એક લાખ નોટીસો ઈસ્યુ કરવામાં આવી છે. 164 માં ઈન્કમટેકસ ડેની ઉજવણીના કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું હતું કે આ નોટીસો આડેધડ કે ચકાસણી વિના જ ફટકારવામાં આવી હોય તેવું નથી. સેન્ટ્રલ બોર્ડ ઓફ હાયરેકટ ટેકસનાં ચેરમેને પણ 31 માર્ચ 2024 સુધીમાં આ તમામ કેસોની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાની ખાતરી આપી છે. આવકવેરા વિભાગનાં સુત્રોએ એમ જણાવ્યું હતું કે મોટાભાગે રૂા.50 લાખ કે તેથી વધુની આવક ધરાવતાં કરદાતાઓને છેલ્લા 14 મહિના દરમ્યાન આ નોટીસો મોકલવામાં આવી છે.
આવકવેરા કાયદા પ્રમાણે છેલ્લા છ વર્ષનાં આવકવેરા રીટર્નની ફેર આકારણી કરવાની તંત્રને સતા છે. નાણાંપ્રધાને એમ કહ્યુ હતું કે આવકવેરા વિભાગે ગત મે મહિનામાં 55000 નોટીસોની સ્ક્રુટીની પૂર્ણ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આધારે આ નોટીસો ફટકારાઈ હતી. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડમાં નોટીસોનો કોઈ ભરાવો નથી એટલુ જ નહિં કરદાતાઓ રમત રમી શકે તેમ નથી. કરચોરી પકડવાનો સ્પષ્ટ અભિગમ છે અને તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિર્મલા સીતારામને કહ્યું કે અગાઉ કરદાતાઓએ 10 વર્ષનો રેકોર્ડ સાચવવો પડતો પરંતુ હવે છ વર્ષ બાદ આકારણી કાર્યવાહી થતી નથી.
તેઓએ એવી ચોખવટ પણ કરી હતી કે 4થા 5 માં અને છઠ્ઠા વર્ષનાં રીટર્નની ફેર આકારણી ચોકકસ પરિસ્થિતિમાં જ થઈ શકે છે. ટેકનોલોજીના આધારે ટેકસ ચોરી પકડવામાં મદદ મળી રહી છે. સાથોસાથ કરદાતાઓને પણ પારદર્શક અને ઝંઝટ વિનાની કાર્યવાહીનો અનુભવ કરાવી રહી છે. આ તકે કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડનાં ચેરમેન નીતીન ગુપ્તાએ આ તકે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે રીટર્ન ફાઈલ, કરનારા પૈકી 7 ટકા નવા કરદાતા છે. જેઓએ પ્રથમ વખત રીટર્ન ભર્યા છે.31 જુલાઈ રીટર્ન ભરવાનો અંતિમ દિવસ છે. એટલે તેમાં હજુ વધારો થવાની સંભાવના છે. આવકવેરા વિભાગ આવતા મહિનામાં જ તમામ રીટર્ન પ્રોસેસ કરી દે અને વહેલીતકે રીફંડ રવાના કરે તેવા પ્રયાસ છે.
- Advertisement -
રૂા.7.27 લાખ સુધીની આવક પર કોઈ ઈન્કમટેકસ ચુકવવો પડતો નથી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે આવકવેરા દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવા છતાં છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં ટેકસ કલેકશન વધી રહ્યું છે. કરચોરી પર ઘણા અંશે લગામ લાગી છે. નવા ટેકસ માળખામાં કોઈપણ કરદાતાની આવક રૂા.7.27 લાખ થતી હોય ત્યાં સુધી તેને કોઈ ટેકસ ચુકવવાનો થતો નથી. નવી ટેકસ પ્રણાલીમાં પ્રથમ વખત રૂા.50000નુ સ્ટાંડર્ડ ડીડકશન આપવામાં આવ્યુ છે. કોવિડકાળ સિવાયના વર્ષોમાં ટેકસ કલેકશન ઘણુ સારૂ રહ્યું છે. એક દિવસમાં 72 લાખ રીટર્ન દાખલ થયા હતા. પ્રોસેસીંગ સમય ઘટીને 16 દિવસનો રહી ગયો છે.