41%ની મોટી વૃધ્ધિ : કરદાતાઓને રિફંડ પણ વધુ ચૂકવાયા
કોરોના કાળ બાદ વેપાર-ધંધા નોર્મલ થઇ ગયા હોવાથી કરવેરાની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે.
એપ્રિલથી જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગુજરાતમાં ઇન્કમટેક્સ વસૂલાતમાં 41 ટકાની મોટી વૃધ્ધિ થઇ છે.
કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા ગુજરાત ઇન્કમટેક્સને ચાલુ નાણાકીય વર્ષ માટે 84800 કરોડનો વસૂલાતનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જે ગત નાણાકીય વર્ષ કરતાં 37 ટકા વધુ છે. નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગુજરાત ઇન્કમટેક્સ દ્વારા 18600 કરોડની વસૂલાત કરવામાં આવી છે. જે ગત વર્ષનાં ત્રિમાસિક ગાળાના 13000 કરોડ કરતાં 41 ટકા વધુ થવા જાય છે.
- Advertisement -
એડવાન્સ ટેક્સ કલેકશન 37 ટકા વધીને 5500 કરોડ થયું છે જે ગત વખતે 4000 કરોડ હતું. ટીડીએસની વસૂલાત 11,000 કરોડ થઇ છે જે ગત વખતે 7800 કરોડ હતી. જેમાં 43 ટકાનો વધારો થયો છે.
સેલ્ફ એસેસમેન્ટ ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલીંગ મારફત 1000 કરોડની વસૂલાત થઇ છે જે ગત વખતે 725 કરોડ હતી. રેગ્યુલર એસેસમેન્ટ પેટે 567 કરોડની વસૂલાત થઇ છે જે ગત વખતનાં 483 કરોડ કરતાં 17.5 ટકા વધુ છે.