રૂપિયા 2.07 કરોડના વિકાસકામોનાં લોકાર્પણ તથા રૂ.26.40 કરોડના કામોનું ખાતમૂહૂર્ત કરાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
- Advertisement -
સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને હાથ ધર્યો હતો. જેમાં કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા દ્વારા આઝાદીની ભવ્ય ઇમારતના પાયામાં જેમના બલિદાનની ગાથા છે એવા નામી-અનામી, અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી, નગરજનોને સ્વાતંત્ર્ય પર્વ શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રી દ્વારા ઉમેર્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા રોજબરોજ અનેક વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગુજરાત આજે દેશના વિકાસનાં ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયું છે.
સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવા જઈ રહી છે ત્યારે ઝાલાવાડવાસીઓને મહાનગરપાલિકાઓમાં હોય તેવી સુખાકારીને સગવડો મળી રહે તે માટે સુરેન્દ્રનગર – દુધરેજ – વઢવાણ સંયુક્ત નગરપાલિકાની વણથંભી વિકાસ યાત્રામાં આજરોજ જુદા જુદા લોકાર્પણ અને ખાતમૂર્હતના કામો કરવામાં આવ્યા છે. ત્યારે ટાગોરબાગ અને ધોળીધજા ખાતેના વિકાસકામોના આયોજન કરી એક સાથે જ ખાતમુહૂર્ત કરી કામ વહેલીતકે પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવશે. પ્રવાસન વિભાગમાંથી કે અન્ય વિભાગમાંથી પણ સુરેન્દ્રનગર જિલ્લા માટે જે કંઈ જરૂરિયાત હોય તે પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ છે. આમ, આજે અંદાજીત રૂ.2.07 કરોડના જુદા-જુદા વિકાસકામોનાં લોકાર્પણ તથા રૂ.26.40 કરોડના કામોનું ખાતમુહુર્ત થવાથી ઝાલાવાડવાસીઓને નવી આંતરમાળખાકીય સુવિધાઓનો લાભ મળશે અને તેથી જીવનધોરણ પણ ઊંચું આવશે.
સાથે જ ઝાલાવાડવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા “એક પેડ મા કે નામ” અભિયાન શરૂ કર્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને હરિયાળો જિલ્લો બનાવવા માટે દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ. વન વિભાગ પણ દરેક રીતે મદદ કરશે. આથી લોકોના સહયોગ અને લોક ભાગીદારી થકી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને તેની જાળવણી થાય તે અનિવાર્ય છે. તદુપરાંત, લોક હિતાર્થે થતાં તમામ વિકાસ કામો ગુણવત્તાયુક્ત થાય તે જરૂરી છે. વિકાસ કામો થયા બાદ તેની યોગ્ય જાળવણી થાય તે દરેક જાગૃત નાગરિકે જોવું જોઈએ.
- Advertisement -
આ તકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી બસ પરિવહન યોજના અંતર્ગત 8 સિટી બસોને લીલી ઝંડી આપી ઝાલાવાડવાસીઓ માટે લોકાર્પિત કરવામાં આવી હતી. દિપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થયા બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાઓની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી.
નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યા દ્વારા મહાનુભાવોનું સ્વાગત તેમજ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં રૂા. 207.79 લાખનાં ખર્ચે નવનિર્મિત સ્નાનાગાર, લાયબ્રેરી, જીમ તથા અમૃત 2.0 હેઠળ નવનિર્મિત કવિ દલપતરામ બાગનું લોકાર્પણ તેમજ જડેશ્વર સોસાયટીથી આંબાવાડી મફતિયાપરા સુધી લોઅર લેવલ પુલ (બ્રિજ) અને અમૃત-2.0 યોજના અંતર્ગત 50 લાખ લીટરનો સમ્પ, રાઈઝીંગ મેઈન લાઈન, પંપ હાઉસ, મશીનરીની કામગીરી અને 10 લાખ લીટરની ઈએસઆર ટાંકી, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, કમ્પાઉન્ડ વોલ વગેરે કામગીરીનાં અંદાજે રૂા. 2640.84 લાખનાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.