શાંતિપૂર્ણ મતદાન માટે એક ડઝન કંપનીની માગણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
- Advertisement -
લોકસભાની ચૂંટણીમાં પ્રચાર યુધ્ધ શરૂ થઈ ગયું છે ત્યારે હવે મતદાનને આડે 15 દિવસ જ બાકી છે ત્યારે રાજકોટ જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ પાસે અર્ધ લશ્કરી દળની એક ડઝન કંપનીની માંગણી કરવામાં આવી છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાં ક્ષત્રિય સમાજના આંદોલનનું એપી સેન્ટર હોય જેને ધ્યાને રાખીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વધુ અર્ધ લશ્કરી દળની માંગણી કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોનું લીસ્ટ ફાઈનલ થઈ ગયા બાદ હવે ચૂંટણી પંચના આદેશથી રાજકોટ જિલ્લામાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોમાં અર્ધ લશ્કરી દળના જવાનોનો બંદોબસ્ત ફાળવવાનો હોય આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં ભાજપના ઉમેદવાર સામે છેલ્લા 20 દિવસથી ક્ષત્રિય સમાજ આંદોલન ચલાવી રહ્યો છે. જેને ધ્યાને રાખીને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બુથની ગણતરી કર્યા બાદ ક્ષત્રિય સમાજના આંદોલનને ધ્યાને રાખીને રાજકોટ શહેર જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અને શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થાય તે માટે ચૂંટણી પંચ પાસે એક ડઝનથી વધુ અર્ધ લશ્કરી દળ કંપનીની માંગણી કરવામાં આવી છે. જેમાંથી ચૂંટણી પંચ કેટલો વધારાનો બંદોબસ્ત ફાળવે છે તે નક્કી થશે.