મહેસાણામાં યોજાયેલી આપની ત્રિરંગા યાત્રામાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ
અરવિંદ કેજરીવાલની હાજરીમાં ભારતનાં રાષ્ટ્રધ્વજને પગ નીચે કચડવામાં આવ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સોમવારે આમ આદમી પાર્ટીના (આપ) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. કેજરીવાલે મહેસાણામાં આયોજિત તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો તેમજ સંબોધન પણ કર્યું હતું. જોકે, કેજરીવાલની વધુ એક રેલી વિવાદમાં આવી ગઈ છે. આ વખતે વિવાદનું કારણ તિરંગાનું અપમાન છે.
આમ આદમી પાર્ટી (આપ) આયોજિત તિરંગા યાત્રા પહેલાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં ત્રિરંગાનું અપમાન થતું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. કેજરીવાલની યાત્રા પહેલાં આમ આદમી પાર્ટીના કાર્યકરો યાત્રાના રૂટ પર તિરંગા લગાવી રહ્યા હતા ત્યારે અમુક લોકોએ તિરંગો પગ નીચે મૂકીને અપમાન કર્યું હતું. આ ઘટનાની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા.
‘આપ’ની રેલી મહેસાણાના જૂના બસ સ્ટેન્ડથી લઈને તોરણવાળી માતા ચોક સુધી યોજાઈ હતી. જ્યાં જૂના બસ સ્ટેન્ડથી યાત્રા શરૂ થવાની હતી ત્યાં યાત્રા પહેલાં આમ આદમી પાર્ટી કાર્યકરો તિરંગા લગાવી રહ્યા હતા તે દરમિયાન તિરંગા રોડ પર પડ્યા હોવાનું અને લોકોના પગ નીચે દબાયા હોવાનું દેખાતા કેટલાક આવતા-જતા લોકોએ વિડીયો બનાવ્યો હતો, જે બાદ વિડીયો વાયરલ થઇ ગયો હતો.
આ રાષ્ટ્રધ્વજ અને આમ આદમી પાર્ટીના ઝંડાનું આયોજકોએ વિતરણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, આ મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ મહેસાણાના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, મહેસાણા જૂના બસ સ્ટેન્ડ પાસે ગેટ નંબર 1 પાસેના બંધ હાલતમાં રહેલા કેબિન પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રેલીમાં ભાગ લેવા માટે આવતા લોકોને આમ આદમી પાર્ટીના ઝંડા અને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરતા હતા. દરમ્યાન, રાષ્ટ્રધ્વજ નીચે મૂકી તેની ઉપર કોઈ અજાણ્યા ઇસમે પગ મૂકીને તેનું અપમાન કર્યું હતું. આ મામલે ભારતીય ધ્વજધારા 2002 અન્વયેના રાષ્ટ્રીય સન્માન પરત્વેના અપમાનના કાયદા 1971 ની કલમ-2 હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
જોકે, આમ આદમી પાર્ટીની રેલીમાં રાષ્ટ્રધ્વજનું અપમાન થતાં ઇન્ટરનેટ યુઝરોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને લોકોએ ખૂબ ટીકા કરી હતી. સુજીત હિંદુસ્તાની નામના યુઝરે લખ્યું કે, કેજરીવાલની આજની તિરંગા યાત્રામાં તિરંગાનું અપમાન. આપ પાર્ટીના સમર્થકો દ્વારા તિરંગાને જમીન ઉપર અને પગ તળે કચડવામાં આવી રહ્યા હતા. શરમ કરો કેજરીવાલ. બીજી તરફ લોકોએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની અપીલ પણ કરી હતી.
એક તરફ અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં 15 ઓગસ્ટ પહેલાં દિલ્હીમાં 500 રાષ્ટ્રધ્વજ સ્થાપવાનું એલાન કરી ચૂક્યા છે. હાલમાં જ આ એલાન કરતા કેજરીવાલે કહ્યું હતું કે, ફ્લેગ કોડનું પાલન થાય તે માટે તેઓ દરેક ધ્વજ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરશે. પરંતુ બીજી તરફ, તેમની જ તિરંગા યાત્રા પહેલાં ‘આપ’ કાર્યકરોએ ઝંડાનું અપમાન કરતા અનેક પ્રશ્નો સર્જાયા છે.