સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 25 ડિસેમ્બરે 60મો પદવીદાન સમારોહ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે તા.25 ડિસેમ્બરના નાતાલના દિવસે યોજાશે. રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્ક્ષસ્થાને યોજાનારા આ કોન્વોકેશનમાં ગુજરાત રાજયના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
જેમાં 16 વિદ્યાશાખાના 43,900 જેટલા દિક્ષાર્થીઓને પદવીઓ આપવામાં આવશે તો રાજ્યપાલના હસ્તે 72 તેજસ્વી વિદ્યાર્થીઓને 175 ગોલ્ડ મેડલ અને 270 પ્રાઈઝ આપવામાં આવશે. દર વર્ષની જેમ આ વખતે પણ સુવર્ણચંદ્રક મેળવનારા દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા વધારે છે. આ વખતના પદવીદાન સમારોહમાં 56 દીકરીઓ સામે દીકરાઓ માત્ર 16 જ છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યની ઉપસ્થિતિમાં 25મી ડિસેમ્બરે 60મો પદવીદાન સમારોહ યોજાશે. આ વર્ષે યુનિવર્સિટી 60મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. 60મા પદવીદાન સમારોહમાં કુલ 16 વિદ્યાશાખાના 72 તેજસ્વી વિદ્યાર્થીઓને 175 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
જ્યારે 270 પ્રાઈઝ મળી કુલ 445 ગોલ્ડ મેડલ અને પ્રાઈઝ આપવામાં આવશે. જેમાં મેડિસનમાં સૌથી વધુ 79 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. સુરેન્દ્રનગરની સી. યુ. શાહ મેડિકલ કોલેજની મેડિકલ ફેકલ્ટીની ખઇઇજની વિદ્યાર્થિની અઘારા ધ્રુતિબેન દાતાઓ તરફથી 7 તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 6 ગોલ્ડ મેડલ ઉપરાંત યુનિવર્સિટી તરફથી 2 પ્રાઈઝ આપવામાં આવશે. જ્યારે અમરેલીની મોંઘીબા મહિલા આર્ટસ કોલેજની બી.એ.ની નિમાવત ગાયત્રી દિલીપભાઈને દાતાઓ તરફથી 3 ગોલ્ડ મેડલ અને 7 પ્રાઈઝ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 1 પુરસ્કાર આપવામાં આવશે. આ સાથે જ ત્રીજા ક્રમે રાજકોટ ગવર્મેન્ટ કોલેજના મેડિકલના વિદ્યાર્થી પંડ્યા પાર્થ જયેશભાઈને દાતાઓ તરફથી 3 ગોલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 1 પ્રાઈઝ આપવામાં આવશે.



