દુર્ગાપૂજાના પંડાલમાં યુવતીઓએ ઠુમકા લગાવ્યા!
ગરબાના બદલે હુક્કાબાર સોંગ્સ પર ડાન્સ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરત
સુરતમાં ધાર્મિક તહેવાર પર માતાજીના પંડાલમાં યુવતીઓ દ્વારા અશ્લીલ ડાન્સ કરાતા વિવાદ થયો છે. નવરાત્રિ અને દુર્ગાપૂજાના પવિત્ર તહેવાર પર સુરતના ભટાર, પાંડેસરા અને ડીંડોલી વિસ્તારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેમાં માતાજીની મૂર્તિ સામે જ યુવતીઓ દ્વારા ઠુમકા લગાવી રહી છે. ધાર્મિક તહેવાર પર ગરબાના બદલે હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓ ઠુમકા લગાવતા જોવા મળી રહી છે.
ગુજરાતમાં આ વર્ષે સુરત હોય કે વડોદરા હોય ગરબામાં અને દુર્ગાપૂજામાં ખેલૈયાઓ દ્વારા કિસ કરવી અને લોકોની લાગણી દુભાય તે પ્રકારના કપડા પહેરી અશ્લીલ નૃત્ય થતા વિવાદ સર્જાયા છે. વડોદરાના ગરબામાં ખેલૈયાઓ દ્વારા ગરબા ગ્રાઉન્ડમાં કરવામાં આવેલા કિસના વીડિયો વાઈરલ થયા બાદ હવે સુરતના ગરબા અને દુર્ગાપૂજાના પંડાલમાં ઠુમકા લગાવી રહેલી યુવતીઓના વીડિયો વાઈરલ થતા ભક્તોની લાગણી દુભાઈ છે.,સૌપ્રથમ પાંડેસરા વિસ્તારનો મનાતો વીડિયો વાયરલ થયો છે જે પરપ્રાંતીય વિસ્તાર તરીકે ઓળખાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કાળા રંગના ડ્રેસ પહેરેલી એક યુવતી માતાજીની મૂર્તિ સામે અશ્લીલ ડાન્સ કરી રહી છે. આશ્ચર્યજનક રીતે તેની બાજુમાં બે લોકો ચુંદડી ઓઢીને ભક્તિભાવપૂર્વક નૃત્ય કરી રહ્યા છે. ત્યારે આ યુવતીનું નૃત્ય ધાર્મિક વાતાવરણને લજવતું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
બીજો વીડિયો ડિંડોલી વિસ્તારનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં રંગીન રોશનીથી સજાવેલા એક સ્ટેજ ઉપર યુવતીઓ બિભત્સ નાચગાન કરી રહી છે અને આ દ્રશ્યો જોવા માટે લોકોના ટોળેટોળા એકઠા થયા છે. આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા ભાવિક ભક્તોની લાગણી દુભાઈ છે.
જોકે, આશ્ચર્યજનક બાબત એ છે કે, ડિંડોલી, પાંડેસરા અને અલથાણ પોલીસ સ્ટેશન પાસે આ વીડિયો ક્યાંના છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી. એક વીડિયોમાં પાંડેસરાનો ઉલ્લેખ કરાયો છે, પરંતુ ત્રણેય વીડિયોનું સચોટ સ્થળ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સુરતમાં ભટાર, ડિંડોલી અને પાંડેસરાના નામે ફરતા આ અશ્લીલ વીડિયોએ નવરાત્રીના પવિત્ર વાતાવરણને દૂષિત કર્યું છે અને શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે.
ભટારના પોશ વિસ્તારમાં ‘તેરા પ્યાર પ્યાર હુક્કાબાર’ પર ઠુમકા
આ બંને પરપ્રાંતીય વિસ્તારની ઘટનાઓ બાદ સુરતના પોશ વિસ્તાર ભટારનો પણ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં માતાજીની મૂર્તિ સામે 10 થી 12 મહિલાઓ ’તેરા પ્યાર પ્યાર હુકા બાર’ જેવા ગીતો પર નાચી રહી હોવાનું જોવા મળી રહ્યું છે જે ધાર્મિક પવિત્રતાનો ભંગ કરે છે.
- Advertisement -
પરપ્રાંતીયથી પોશ વિસ્તાર સુધી પવિત્રતાનો ભંગ
વાયરલ થયેલા વીડિયોમાં સુરતના પરપ્રાંતીય વિસ્તારોથી લઈને પોશ વિસ્તાર સુધીના દ્રશ્યો છે. એક તરફ માતાજીની પ્રતિમા સામે અશ્લીલ નૃત્ય કરતા બે વીડિયો સામે આવ્યા છે, જ્યારે બીજો વીડિયો સુરતના પોશ વિસ્તાર ભટારનો હોવાનું મનાય છે. જેમાં તેરા પ્યાર પ્યાર હુક્કા બાર ગીત પર માતાજીની પ્રતિમા સામે મહિલાઓ ડાન્સ કરતા નજરે આવે છે.