એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોના શોષણ અને ભ્રષ્ટાચાર સામે કામદારોએ અવાજ ઉઠાવ્યો
કામદારોએ સેફ્ટી કીટ, પ્રોવીડન્ટ ફંડ, કોરોના પ્રોત્સાહિત રકમ આપવાની માંગણી કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપામાં હજારો સફાઇ કામદારો કામ કરી રહ્યા છે. જેઓનું કોન્ટ્રાક્ટરો દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે. આ કામદારો યુનિયનના માધ્યમથી કાયમી અને આઉટ સોર્સીગથી મનપામાં સફાઇ કામદાર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે રાજકોટને સ્વચ્છ બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે. તેમની કામગીરી બિરદાવવા લાયક છે. તેમ છતાં પણ રાજકોટ મનપા તેમજ અન્ય સરકારી, બિનસરકારી જગ્યાઓ પર રોજગારી મેળવી કામ કરી કરતા મહિલા અને પુરૂષ સફાઇ કામદારોનું આર્થિક અને જાતિય પુર્વગ્રહો રાખીને શોષણ કરવામાં આવી રહ્યું છે. તેમના માનવ અધિકારોનું હનન થઇ રહ્યું છે. જેથી સફાઇ કામદારોને ન્યાય મળે તે બાબતે કામદારોએ રાજકોટ મનપા કમિશ્નરને આવેદન પત્ર લખીને ન્યાયની માંગણી કરી છે. તેમણે પોતાને થતાં અન્યાયની યાદીમાં કેટલાક મહત્વના પ્રશ્નોને ઉજાગર કરીને તેનો ઉકેલ વહેલી તકે મળે તેવી આશા વ્યક્ત કરી છે. તેમજ આ માંગણીઓને સ્વીકારીને તેનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની પણ ચીમકી આપી છે.
સફાઇ કામદારોના મહત્વની માંગણીઓ કરી છે કે, 1) મનપા વોર્ડ નં. 5- અ/ બ/ કના સફાઇ કામદારોના બેંક એકાઉન્ટમાંથી કોન્ટ્રાક્ટરો એટીએમ કે મોબાઇલ બેંક ડીટેઇલ દ્વારા બારોબાર પૈસા ઉપાડી લે છે. અને કામદારોને ફ્ક્ત રોજના રૂ. 80 થી રૂ. 100 જેટલી રકમ રોકડા ચુકવવામાં આવે છે. 2) રાજકોટમાં આશરે 5,000 જેટલા કામદારો સફાઇ કરી રહ્યા હશે. જેમને સેફ્ટી કીટ રૂપે બુટ અને મોજડી, ગ્લોઝ, સેનીટાઇઝર, આઇકાર્ડ, કે માસ્ક વગેરે આપવાનો નિયમ હોવા છતાં આપવામાં આવ્યા નથી. 3) મોટાભાગના સફાઇ કામદારો પ્રોવીડન્ટ ફંડ અને પી.એફની રકમથી વંચિત છે. તેમજ કર્મચારી વિમા યોજના કે ઇ.એ.આઇ. એમ્પ્લોયીઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવ્યા નથી. 4) ઘણા કામદારો પાસે કચરાની ગાડી (વ્હીલ બરો)ની વ્યવસ્થા નથી, જેથી તેમણે હાથેથી કચરો ઉપાડવો પડે છે. 5) દલિત અને અતિ દલિત એવા વાલ્મિકી સમાજ સિવાય બીજા સમાજના લોકોને રૂ. 1000માં આપીને કામ પર રાખવામાં આવે છે, જેના લીધે સામાજીક બેરોજગારી ઉભી થાય છે. 6) કામદારોને 8.33 ટકા લેખે બોનસ આપવામાં આવતું નથી. 7) કામદારો માટે 350થી 700 મીટરની જ સફાઇ કરવાનો નિયમ હોવા છતાં વધુ સાફ-સફાઇ કરાવવામાં આવે છે. 8) કોરોના વન ટાઇમ રૂ. 5000ની પ્રોત્સાહિત રકમ સરકારના પરિપત્રથી મંજુર કરવામાં આવી છે, જે હજુ સુધી ચુકવવામાં આવી નથી. 9) મનપાના સંપૂર્ણ કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરી કાયમી ધોરણે સફાઇ કામદારોની ભરતી કરવી જોઇએ, જેથી શોષણ ના થાય. 10) સી.ડી. અજમેરા સહિતની અનેક એજન્સીઓની માયાજાળમાં ફસાયેલા કામદારોને સીધા ભરતી કરવા જોઇએ, જેથી એજન્સીઓ કે કોન્ટ્રાક્ટરો તેનું આર્થિક શોષણ ના
કરી શકે.