રાજકોટ શહેર ભાજપમાં કવિતારૂપે પ્રગટ થયો અસંતોષનો બળાપો,
જી હજુરીયા અને સગાવાદને પ્રોત્સાહન અપાયાના ઉલ્લેખથી ગરમાવો
- Advertisement -
કાંઇક તો ખામી હશે.. મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં
જ્યાં ખોટાને શિરપાવ મળે.. સાચા કદ મુજબ વેતરાય જાય..
નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે.
કામ કરનારની કોઇ કદર નથી.. ગુરુના ચેલા ચાલી જાય છે..
અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે.. સમય એ પણ હતો
જ્યારે મહાદેવને પગે લાગતા..
આજે મામાના ભાણા બનવું પડે છે. સાચા કદ મુજબ વેતરાય જાય છે.
જૂનું થઇ ગયું.. જમીની કામ કરવું.. સાબિત થઇ ગયું કે જન્મદિવસના ફોટા મૂકીને પણ નેતા બનાય છે..
જૂનું થઇ ગયું… સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા..સાબિત થઇ ગયું કે સંગઠનમાં આવી એટલે સ્વચ્છ થઇ ગયા..
જૂનું થઇ ગયું… આવડત અને ક્ષમતાનો ફાયદો લેવો.. સાબિત થઇ ગયું કે મારા હોય કે..(અભદ્ર શબ્દ પ્રયોગ) હોય એજ ચાલી જાય..
જૂનું થઇ ગયું…પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનું ..
સાબિત થઇ ગયું કે છેલ્લા 8, 10 દી’ મોટા આકાની સામે ફરી લઇ એ ચાલી સલામતી જાય છે.
રાજકોટ શહેર ભાજપમાં અસંતોષના બળાપા સાથે કવિતા વાયરલ થતાં શહેર ભાજપ પ્રમુખે કહ્યું, કોઈ કાર્યકરની લાગણી દુભાઈ હશે તો આવનારા દિવસોમાં નોંધ લેવાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ભાજપમાં પત્રિકા કાંડ બાદ હવે કવિતા કાંડ સામે આવ્યો છે. ભાજપના કાર્યકરો અને આગેવાનોના સોશિયલ મીડિયા ગ્રુપમાં એક કવિતા ફરતી થઈ છે. જે કવિતામાં મુખર્જી અને દીનદયાળના સિદ્ધાંતો ગુમ થયાનો વસવસો વ્યક્ત કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ કવિતાથી શહેરનું રાજકારણ ગરમાયું છે. રાજકોટ શહેર ભાજપમાં અસંતોષનો બળાપો કવિતારૂપે પ્રગટ થયો છે. કવિતામાં જી હજુરીયા અને સગાવાદને પ્રોત્સાહન અપાતું હોવાનો ઉલ્લેખ કરાયો છે. ભ્રષ્ટાચારના આક્ષેપ થયા બાદ જે શિક્ષણ સમિતિમાંથી બધાના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા, તે શિક્ષણ સમિતિના સભ્યનો પણ વાયરલ કવિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કવિતામાં કહેવામાં આવ્યું છે કે, સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા. સાબિત થઇ ગયું કે સંગઠનમાં આવી એટલે સ્વચ્છ થઇ ગયા. સાથે જ રાજકોટ મહાપાલિકામાં પદાધિકારીઓની પસંદગીમાં પણ વાદ ચાલશે તેવી ભીતિ વ્યક્ત કવિતારૂપે કરવામાં આવી છે.
- Advertisement -
મેં વર્તમાન પત્ર મારફતે આ કવિતા વાંચી છે: મુકેશ દોશી
આ કવિતા મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, મેં વર્તમાન પત્ર મારફતે આ કવિતા વાંચી છે, કદાચ કોઈ કાર્યકરની ક્યાંકને ક્યાંક લાગણી દુભાઈ હશે. ભારતીય જનતા પાર્ટીનું ફલક બહુ મોટા પ્રમાણમાં છે, આખા દેશમાં પ્રસરાયેલી આ ભારતીય જનતા પાર્ટી છે, હજારો-લાખો કાર્યકર્તા છે. આટલો વિશાળ પરિવાર હોય એટલે દરેકને ન્યાય ન આપી શકાય એ સ્વાભાવિક છે. છતાં કોઈ કાર્યકરની લાગણી દુભાણી હશે તો આવનારા દિવસોમાં નોંધ લેવામાં આવશે. આ કવિતા કોણે લખી છે એ હજુ ખ્યાલ નથી.