ખાસ-ખબર સંવાદદાતા
મોરબી નગરપાલિકાના તમામ સદસ્ય ભાજપના છે અને સંપૂર્ણ બહુમતી સાથે પ્રજાએ ભાજપને શાસનની ધુરા સોંપી છે છતાં શહેરમાં ગંદકી સહિતની અનેક સમસ્યાઓ બેફામ જોવા મળે છે ત્યારે મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં ગટરના પાણી ભરાવવાના પ્રશ્ને મહિલા કાઉન્સીલરના પતિની આગેવાનીમાં સ્થાનિકોએ પાલિકા વિરુદ્ધ મોરચો માંડ્યો હતો અને પાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો.
મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલા મહેન્દ્રપરા વિસ્તારમાં બેફામ ગંદકી જોવા મળે છે. આસ્વાદ પાનના ખૂણા પાસે મસમોટો ઉકરડો તેમજ સમગ્ર વિસ્તારમાં બેફામ ગંદકી અને ગટરના પાણી ઉભરાવવા સહિતના પ્રશ્નો જોવા મળે છે ત્યારે મંગળવારે વોર્ડનાં મહિલા કાઉન્સિલર મમતા ઠાકરના પતિ ધીરેન ઠાકરની આગેવાનીમાં લત્તાવાસીઓએ પાલિકા કચેરીએ હંગામો કર્યો હતો અને ગટરના ઉભરાતા પાણી મુદ્દે ભાજપ શાસિત નગરપાલિકાને આડે હાથ લીધી હતી. ભાજપ શાસિત નગરપાલિકા કચેરીમાં ભાજપના જ મહિલા સદસ્યએ આંદોલન કરવું પડે તો શહેરમાં અન્ય સમસ્યાઓની સ્થિતિ કેટલી વિકરાળ હશે તેનો અંદાજ લગાવી શકાય છે.
- Advertisement -
મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં ગટરના પાણી ભરાવવાની સમસ્યા મામલે સ્થાનિક કાઉન્સીલર ભગવાનજીભાઈ કંઝારિયા, સુરભીબેન ભોજાણી અને તેમના પતિ મનીષભાઈ ભોજાણીની આગેવાનીમાં લત્તાવાસીઓ નગરપાલિકા કચેરીએ રજુઆત કરવા દોડી ગયા હતા ત્યારે ચીફ ઓફિસરની કચેરીમાં બે કે ત્રણ વ્યક્તિને જ રજુઆત કરવા અંદર જવું એવું કહેતા સ્થાનિકોએ અધિકારી બહાર આવીને અમારી રજુઆત સાંભળીને ઉકેલ લાવે તેવું કહીને કચેરીની બહાર જ ટોળા બેસી ગયા હતા અને સ્થાનિકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, મહેન્દ્રપરા વિસ્તારમાં બારેમાસ ગંદકી જેવી ગંભીર પરિસ્થિતિ છે. એક તો ગટરના પાણી સતત ઉભરાયા કરે છે અને ઉપરથી વરસાદને કારણે પાણી ભરાવવાની સમસ્યા બેવડાઈ છે.