ભેળસેળયુક્ત ખોરાક માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોવા છતાંય તેને રોકવામાં તંત્ર નિષ્ફળ
મહાનગરપાલિકાએ 30 કેસમાં 23 લાખનો દંડ ફટકાર્યો: તંત્ર ફક્ત દંડ ફટકારીને સંતોષ માને છે તેથી ફરી બેફામ ભેળસેળ થાય છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કડક સજાના અભાવે ગુજરાતમાં ભેળસેળિયા બેફામ બન્યા છે ખાદ્ય પદાર્થનો મોટાપાયે વેપલો ધમધમી રહ્યો છે. માનવ સ્વાસ્થય માટે હાનિકારક ખાદ્ય પદાર્થો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. રાજકોટ મનપાનો ફૂડ વિભાગ દરોડા પાડીને સંતોષ મેળવી રહ્યું છે. ફૂડ વિભાગે 391 નમૂનાઓની તપાસ કરી જ્યારે 30 કેસમાં 23 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. પરંતુ કડક શિક્ષાત્મક કાર્યવાહીની જોગવાઈના અભાવે ભેળસેળિયાઓને સરકાર-તંત્રનો જાણે ડર રહ્યો નથી. ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થ બીમારીઓને નોતરું આપે છે. માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોવા છતાંય સરકારની ઢીલી નીતિને લીધે ગુજરાતમાં ભેળસેળને રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે.
ફૂડ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કેટેગરીમાં કુલ 391 ખાદ્યચીજોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં ઘી (17), દૂધ અને દૂધની બનાવટ (84), ઓઇલ અને ફેટ્સ (22), મરી-મસાલા (45) તેમજ પ્રિપેર્ડ ફૂડ અને અન્ય ખાદ્યચીજો (223)નો સમાવેશ થાય છે. લેબોરેટરી રિપોર્ટ મુજબ કુલ 21 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા, જેમાં શુદ્ધ ઘી, દૂધ, ડેરી પ્રોડક્ટ્સ, મસાલા, પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર અને ખાદ્યતેલનો સમાવેશ થાય છે.
વર્ષ-2025 દરમિયાન ફૂડ વિભાગ દ્વારા 1269 ફૂડ લાઇસન્સ અને 1116 રજીસ્ટ્રેશન ઇસ્યુ કરવામાં આવ્યા હતા. સાથે જ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ 78 પેઢીઓની તપાસ કરી 3305 કિલોગ્રામ પડતર, વાસી અને એક્સપાયરી અખાદ્ય સામગ્રી જાહેર આરોગ્યના હિતાર્થે નાશ કરવામાં આવી હતી.
સબસ્ટાન્ડર્ડ ખાદ્યચીજોના મામલે નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ 30 સિવિલ કેસ દાખલ કરવામાં આવ્યા, જેમાં ચુકાદા બાદ જવાબદારોને કુલ રૂ. 11.71 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. ઉપરાંત, અનસેફ જાહેર થયેલ ખાદ્યચીજોના 2 ફોજદારી કેસમાં મ્યુનિસિપલ કોર્ટ દ્વારા કુલ રૂ. 23 લાખનો દંડ અને દરેક જવાબદારને 5 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.



