અત્યાર સુધીમાં ગ્રામપંચાયતની ચૂંટણી જ નથી થઈ એ ગામડું રાજકીય આગની ઝપેટમાં ?
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારાના ખોબા જેવડા લખધીરગઢ ગામને રાજકીય ગ્રહણ લાગ્યું હોય તેમ વર્ષોથી સમરસ થતી ગ્રામ પંચાયતના સરપંચે ગામડાની બે જૂથ વચ્ચે ચાલતી ગંદી રાજરમતથી કંટાળી અચાનક જ રાજીનામુ ધરી દેતા રાજકારણની મેલી રમતે સમૃદ્ધ ગણાતા ગામડાની શાંતિમાં પલિતો ચંપાઇ ગયાની પંથકમાં ચર્યાં જાગી છે અને વિધાનસભાની ચુંટણી પૂર્વે પંચાયતના રાજકારણમાં લાગેલી આગ તાલુકાના રાજકારણમાં ભુકંપ સર્જે તો નવાઈ નહીં ! ટંકારા તાલુકાની ભાગોળે આવેલ એકાદ હજારની વસતી ધરાવતું ખોબા જેવડું લખધીરગઢ ગામ વસ્યું ત્યારથી અત્યાર સુધીમાં અહીંયા ક્યારેય સ્થાનિક ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ નથી. રાજ્યમાં દરેક ચુંટણીની પાંચ વર્ષની અવધિ હોય છે એ મુજબ સ્થાનિક સ્વરાજ ગ્રામ પંચાયતની ચુંટણી આગલા શાસકોની મુદત પૂર્ણ થાય ત્યારે જાહેરાત થાય તે પૂર્વે જ લખધીરગઢ ગામના તમામ લોકો ગામના ચોકમાં બેઠક યોજી સરપંચ, ઉપસરપંચ સહિત સભ્યોનું કોરમ નક્કી કરી બિનહરીફ વરણી કરી લ્યે છે.
- Advertisement -
એ મુજબ ગત ડિસેમ્બર 2021 માં યોજાયેલ ગ્રામપંચાયત ચુંટણીમાં લખધીરગઢ ગામમાં રોટેશન મુજબ સરપંચ પદ અનામત બેઠકના ફાળે જતા ગ્રામજનોએ સર્વ સંમતિથી સરપંચ પદે ગ્રામ પંચાયતના પટાવાળા તરીકે ફરજ બજાવતા મગનલાલ નાનજીભાઇ વિઠલાપરાને સમરસ પેનલ બનાવી ચુંટણી પ્રક્રિયા રાખેતા મુજબ ટાળી હતી જોકે એ વખતે જ ઉપસરપંચ પદ માટે બે જૂથ વચ્ચે ખેંચતાણ થયા બાદ શાણા લોકોની મધ્યસ્થીથી ધી ઘડામાં ઠાલવી ફરી ગામડાની અમન શાંતિ અને સંબંધોમાં તિરાડ પડતી બચાવી રાબેતા મુજબ વ્યવહાર અને વહીવટ પાટે ચડાવી દીધા હતા પરંતુ ચુંટણીના પોણા વર્ષ બાદ અચાનક ગ્રામજનોએ સમજુતીથી સમરસ ગ્રામ પંચાયતના સરપંચ પદે બેસાડેલા મગનલાલે ઓચિંતા અચાનક તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રાજીનામું ધરી દેતા આ મુદ્દે સમગ્ર તાલુકામાં ભારે ખળભળાટ મચ્યો છે.
ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ રાજીનામુ મંજૂર કરી મહિલા ઉપસરપંચ ધર્મિષ્ઠાબેન ઢેઢીને ચાર્જ સુપરત કર્યો હતો જોકે નાનકડા ગામડે મચેલી રાજકીય ખલબલી અંગે ગામડાના એક જાગૃત નાગરીકના જણાવ્યા પ્રમાણે ચુંટણી ટાણે ઉપસરપંચ પદ માટે બે જૂથ વચ્ચે ઉદ્ભવેલા વૈમનસ્યના બીજ ફૂટી નીકળ્યા હોય એમ પંચાયતી વહીવટમાં ખેંચતાણ થવા લાગતા પંચાયતના પટાવાળામાંથી ઓબીસી બેઠકથી સરપંચ બનેલા મગનલાલે ગામડાની મેલી રાજરમતથી કંટાળીને અચાનક જ રાજીનામુ ધરી દીધુ હતું. ટંકારા પંથકમાં શાણા, શાંત અને સમૃધ્ધ ગણાતા ખોબા જેવડા ગામડે ગંદી રાજકીય રમતથી સરપંચ વગર વાંકે વધેરાઈ જતા આગામી વિધાનસભાની ચુંટણીમાં ઘેરા પડઘા પડે તો નવાઈ નહીં !