હોટલમાં જમવા ગયા ત્યારે ઘટના બની
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
સુરેન્દ્રનગરમાં દિવસે દહાડે મોટી ચોરીની ઘટના સામે આવી છે. મુળી તાલુકાના દુધઈ ગામના ખેડૂત દોલુખાઈ કરપડાની કારમાંથી ત્રણ લાખથી વધુની રોકડની ચોરી થઈ છે. આ ઘટના સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ રોડ પર બની હતી. ખેડૂત દોલુખાઈ કરપડા પોતાના પાક વેચાણના પૈસા બેંકમાંથી ઉપાડ્યા બાદ દુકાન ખરીદી માટે બાનાના નાણાં આપવા નીકળ્યા હતા. તેમની પાસે કુલ રૂપિયા 3.05 લાખ હતા. બપોરના સમયે તેઓ રિવરફ્રન્ટ રોડ પર આવેલી હોટલ ક્રિષ્નામાં જમવા ગયા અને કારમાં પૈસા મૂકી લોક કરી હતી.
- Advertisement -
જ્યારે તેઓ જમીને પરત આવ્યા ત્યારે જોયું કે કારના કાચ તૂટેલા હતા અને અંદર મૂકેલી રોકડ રકમની ઉઠાંતરી થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે વિવિધ ટીમો બનાવી ત્રણ તસ્કરોની ગેંગને પકડવા તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. ખાસ કરીને લગ્નગાળા દરમિયાન બંધ મકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ શહેરમાં દિવસે દહાડે થતી ચોરીઓ અંગે ચિંતા ઉભી કરી છે.