સુરતમાં ઘણા વિવાદો વચ્ચે છ છ વર્ષ બાદ શરૂ થયેલા પાલ અને ઉમરા વિસ્તારને જોડતા બ્રિજનું બે દિવસ પહેલા જ રાજ્યના મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
તેમનાં આગમનના બે દિવસ પહેલા જ RTO પાસે મહાનગરપાલિકા દ્વારા ઉતાવળમાં ફૂટપાથ પર પેવર બ્લોક બેસાડવામાં આવ્યા હતા. જેની કામગીરી તકલાદી હોવાથી માત્ર ત્રણ દિવસમાં અહીં ફૂટપાથ પર લગાવવામાં આવેલા પેવર બ્લોક બેસી જતા આ કામમાં થયેલી બેદરકારીની પોલ ખુલ્લી પડી ગઈ છે.પાલ ઉમરા બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે રવિવારે થવાનું હોવાથી સુરત મહાનગરપાલિકાના શાસકો સારું દેખાડવા માટે RTO પાસે વિસ્તારમાં તાત્કાલિક ધોરણે શુક્રવારે ફૂટપાથ પર પેવર બ્લોક બનાવવામાં આવ્યા હતા અને તે નાંખવાની કામગીરી ઉતાવળમાં કરી હતી.જોકે ઉતાવળને કરેલી કામગીરીની આખરે પોલ ઉઘાડી પડી ગઇ છે.
શુક્રવારે બનાવવામાં આવેલા આ ફૂટપાથની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હતી. તેનું ઉદાહરણ અહીં જોઈ શકાય છે. પાલ ઉમરા બ્રિજ પર તો ફૂટપાથની ટાઇલ્સ ઉખડી જ ગઈ છે. પણ સાથે સાથે બ્રિજ ઉતારતા સારી કામગીરી દેખાડવા માટે કરવામાં આવેલી કામગીરીમાં થિંગડા જ મારવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે.સ્થાનિક લોકોમા આ અંગે રોષ પણ જોવા મળી રહ્યો છે કારણ કે લાંબા ગાળાની સારી કામગીરી કરવાને બદલે ઉતાવળએ કામ કરવા જતાં કામ બગડ્યું હોવાની ચર્ચા પણ ઉઠવા પામી છે. લોકોની ફરિયાદ મળતા જ પાલિકાના ઝોનના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને હવે આ સ્થળે ઉખડેલા પેવર બ્લોક ફરી બેસાડવાની કામગીરી શરૂ કરી છે.


