પતિએ દાગીના ખેચી લેતા પત્નીનો કાન પણ ચિરાઈ ગયો
ભાડલા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિને ઝડપી લેવા તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ જસદણ
- Advertisement -
જસદણ તાલુકાના ભાડલા તાબેના રણજીતગઢમાં વાડી વિસ્તારમાં લોહી લુહાણ અને કાન કપાયેલ હાલતમાં બેભાન મળી આવેલ મહિલાનું સારવારમાં મોત થયું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જસદણ તાલુકાના રણજીતગઢ ગામની સીમ વિસ્તારમાં રહેતાં ભૂરીબેન ધનસિંગભાઈ ડાવર ઉ.45 બએ દિવસ પૂર્વે રાત્રીના બે વાગ્યાની આસપાસ અશ્વિનભાઈની વાડીએ ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ હોય જેની જાણ પરિવારને થતાં તાકિદે 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવારમાં દમ તોડી દિધો હતો. બનાવ અંગે મૃતકના પરિવારે જણાવ્યું કે ભૂરીબેન અને તેનો પરિવાર મૂળ મધ્યપ્રદેશના વતની છે અને રણજીતગઢ ગામે અશ્વિનભાઈની વાડીમાં ખેત મજૂરી કરે છે ગઈકાલ રાત્રિના મૃતક ભૂરીબેન અને તેનો પતિ ધનસિંગ ઓરડીમાં સૂતા હતા
તેના સંતાનો પણ ઓરડીમાં સૂતા હતા. દરમિયાન મોડી રાત્રિના બાજુની વાડીમાં રખોપુ કરતાં એક ખેત મજૂરને અશ્વિનભાઈની વાડીમાંથી કોઈ મોટો અવાજ આવતા તે તુરંત દોડી ગયો હતો. જઈને જોયું તો એક ખાડા જેવી જગ્યામાં ભૂરીબેન ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ હતા. તેનો કાન કપાયેલ હાલતમાં હતો. લોહી વહી રહ્યું હતું. તે તુરંત દોડીને વાડીની ઓરડીએ જઈ તેમના બંને પુત્રોને જગાડ્યા હતા અને બનાવ સ્થળે લઈ ગયો હતો 108માં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સવારે સારવારમાં મોત નિપજ્યું હતું. બનાવની જાણ ભાડલા પોલીસને થતાં તુરંત પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. ડીવાયએસપી કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ભાડલા પીઆઇ કામળીયાએ મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી બનાવ વખતથી પતિ ગુમ હોય શંકાની સોય તેના તરફ જતી હતી જેથી પોલીસે પતિ ધનસીંગને શોધી કાઢી અટક કરી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોવાથી લાકડીથી પત્નીને ફટકારી હતી. તેણીએ કાનમાં પહેરેલ ઘરેણું ખેંચી લેતા કાન ચિરાઈ ગયો હતો. પોલીસે પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.