આજે વહેલી સવારે ભક્તિનગર અને ગોંડલ રોડ પર રસ્તે રખડતા ઢોરને પકડવા ગયા હતા ત્યાંથી પરત ફરતા અમુલ સર્કલ પાસે વાહન ધીમું પાડતા જ બે બુકાનીધારી નંબર પ્લેટ વગરના બાઇકમાં આવી બંને કર્મચારી પર ઝેરી સ્પ્રે છાંટી નાસી ગયા
બંને કર્મચારીને સિવિલ હોસ્પિટલના આંખના વિભાગમાં ખસેડવામાં આવ્યા:એમએલસી કેસ જાહેર કરાતા થોરાળા પોલીસે બંનેના નિવેદન નોંધી ફરાર થયેલા શખ્સોને સીસીટીવી ફુટેઝના આધારે તપાસ શરૂ કરી
- Advertisement -
રાજકોટના અમુલ સર્કલ પાસે ઢોર પકડ પાર્ટી પર આજે વહેલી સવારે ચારેક વાગ્યે બુકાનીધારી બે શખ્સોએ પશુ રંજાડ અંકુશ શાખાના બે કર્મચારી પર હુમલો કરી આંખમાં કોઈ કેમિકલ સ્પ્રે છાંટી દેતા તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.આ અંગે થોરાડા પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરવા તજવીજ આદરી છે.
બનાવની વિગતો મુજબ,હથિખાનામાં રહેતા ધીરુભાઈ નારણભાઈ ડોરાસિયા(ઉ.વ.52) અને નવા થોરાડામાં રહેતા મેરુ કરણભાઈ ચાવડા(ઉ.વ.28) એમ બંને આજે વહેલી સવારે થોરાડા વિસ્તારમાં ઢોર પકડ પાર્ટી સાથે નીકળ્યા હતા ત્યારબાદ તેઓ ગાયો પકડીને તેઓના ભાવનગર રોડ પર આવેલ ઢોર રાખવાની જગ્યા પર જતાં હતાં ત્યારે અમુલ સર્કલ પાસે પહોચતા ત્યાં બે બુકાનીધારી શખ્સોએ આવી વાહન રોકાવી ઝપાઝપી કરી હતી અને બંને શખ્સોએ કોઈ કેમિકલ સ્પ્રે છાટતા બંનેને આંખોમાં બળતરા થતા તેઓને ઇન્સ્પેક્ટર રવિભાઈ નંદાણીયાએ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.
ઇન્સ્પેક્ટર રવિભાઈએ જણાવ્યું હતું કે,ગઈકાલે રાત્રીના 11 વાગ્યે અમારી ઢોર પકડ પાર્ટી સોરઠીયા વાડી સર્કલ પાસેથી એક ગાય અને એક પાડીને પકડી ભાવનગર રોડ પરના ઢોર ડબ્બે પૂર્યા હતા.ત્યારબાદ બીજો રાઉન્ડ વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે હોય માટે ફરી ભક્તિનગર અને ગોંડલ રોડ તરફ ગયા હતા ત્યારે ત્યાં કોઈ રસ્તે રખડતા ઢોર ન મળતા પરત ઢોર ડબ્બે ફરતા હતા ત્યારે અમુલ સર્કલ પાસે સ્પીડ બ્રેકર આવતા ત્યાં વાહન ધીમું પાડતા જ બે શખ્સોએ આવી ધીરુભાઈ અને મેરુભાઈ પર સ્પ્રે છાટયો હતો.
ઢોર પકડ કામગીરીના કર્મચારીઓ ભયભીત, બંદોબસ્ત આપવા માંગ
આજે વહેલી સવારે અમુલ સર્કલ પાસે ઢોર પકડવા ગયેલા બે કર્મચારી પર બે બુકાની બાંધી આવેલા શખ્સોએ કોઈ ઝેરી સ્પ્રે છાંટી નાસી ગયાનો બનાવ બન્યો હતો.ત્યારબાદ બંને કર્મચારીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઢોર પકડ પાર્ટી પર અવાર નવાર હુમલાઓ તેમજ તેને ફરજ પર અડચણ ઉભી કરતા શખ્સો સામે ઢોર પકડ પાર્ટીના ભયભીત કર્મચારીએ રોષ ઠાલવ્યો છે.તેમજ તેઓએ વધુ સુરક્ષાની માંગણી સાથે આજથી ઢોર પકડવા અંગેની કામગીરી બંધ કરી દીધી છે અને મ્યુ. કમિશનર અમિત અરોરાને ઢોર પકડ પાર્ટી અને કર્મચારીઓ દ્વારા આવેદન પાઠવી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઇ મ્યુ. કમિશનર અમિત અરોરાએ રાજકોટ પોલીસ કમિશનરને બે શખસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી યોગ્ય પગલા લેવા જણાવ્યું હતું. પુરતો બંદોબસ્ત આપવામાં આવશે ત્યાર બાદ જ ઢોર પકડ પાર્ટી અને કર્મચારીઓ કામગીરી આગળ ધપાવશે.