મુંજકામાં પત્ની સાથે ઝઘડો થતાં પતિનો બ્લેડથી છરકા મારી આપઘાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
રાજકોટમાં વધતાં જતાં આપઘાતના બનાવો વચ્ચે વધુ બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં જંગલેશ્વરમાં ત્રણ દીકરીની માતાએ પુત્ર પ્રાપ્તિ નહીં થતાં અગ્નિસ્નાન કરીને અને મુંજકામાં પત્ની સાથે ઝઘડો થતાં પતિએ બ્લેડના છરકા મારીને આપઘાત કરી લેતા પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી છે.
- Advertisement -
શહેરમાં જંગલેશ્વર પાસે મહેશ્વરી સોસાયટીમાં રહેતા સલમાબેન રફીકભાઇ હેરંજા ઉ.37એ પોતાના ઘરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજતા ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઇ ગોહિલ સહિતે દોડી જઈ તપાસ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં મૃતકને સંતાનમાં ત્રણ પુત્રી હોવાનું અને પતિ રિક્ષાચાલક હોવાનું જાણવા મળ્યું છે સંતાનમાં પુત્ર ન હોય જેથી આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા જરૂરી કાર્યવાહી કરી છે જ્યારે મુંજકા ગામે રહેતા કિશોરભાઇ ગોરધનભાઇ લીંબાસિયા ઉ.45એ પોતાના ઘરે બ્લેડ વડે પોતાની જાતે હાથમાં છરકા મારી દેતા તેને 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નિપજતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ દિલીપભાઇ રત્નુ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં મૃતક કિશોરભાઇ રિક્ષાચાલક હોવાનું અને તે અવારનવાર નશો કરી ઘરે આવતા હોય જેથી તેની પત્નીએ નશો કરવાની ના પાડતા બન્ને વચ્ચે ઝઘડો થતા તેની પત્ની સંતાનો સાથે ચારેક દિવસથી માવતરે ચાલી ગઇ હતી દરમિયાન કિશોરભાઇએ આ પગલું ભરી લીધાનું તપાસમાં બહાર આવ્યું છે.