અનાજના ગોડાઉન પર સરપ્રાઈઝ ચેકિંગ
તહેવારો પર સમયસર અનાજ વિતરણ કરવા સૂચનો કર્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ આજે રાજકોટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉન તથા રાજ્ય પૂરવઠા નિગમના સરકારી ગોડાઉનની ઓચિંતી મુલાકાત લીધી હતી. મંત્રીએ બંને ગોડાઉનમાં સ્ટોક, અનાજની ગુણવત્તા, પરિવહન સહિતની વિગતો જાણીને સમીક્ષા કરી હતી. આ તકે મંત્રીએ જન્માષ્ટમીના તહેવારો પર સરકારી અનાજ-તેલના જથ્થાનું રાશનકાર્ડ ધારકોને સમયસર વિતરણ થાય તે જોવા સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપી હતી.
મંત્રી કુંવરજી બાવળીયા દ્વારા આજે સવારના સમયે રાજકોટ- જામનગર રોડ પર આવેલ ઘંટેશ્વર વિસ્તરમાં કોર્ટ પાસે આવેલા ફૂડ કોર્પોરેશનના ગોડાઉન ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે વિવિધ ગોડાઉનોમાં જઈને ગોડાઉનમાં અનાજના સંગ્રહની સ્થિતિ, ઘઉં-ચોખાની ગુણવત્તા, સ્ટોકની સ્થિતિ વગેરેની જાણકારી મેળવી હતી. આ સાથે અનાજના જથ્થાનું પરિવહન તેમજ નિયમન કઈ રીતે થાય છે, તે પણ જાણ્યું હતું.
આ તકે એફ. સી. આઈ.ના ઈન્ચાર્જ ડિવિઝન મેનેજર નિલેશ સાંગાણી, ક્વોલિટી કંટ્રોલ મેનેજર એસ.ટી. પાટડિયા અને પાન પાટીલ સાથે રહ્યા હતા. આ તકે અનાજના જથ્થાની જાળવણી સહિતના મુદ્દે ઉપયોગી સૂચનો કર્યા હતા. બાદમાં મંત્રી કુંવરજી બાવળીયાએ જંક્શન પાસે આવેલા રાજ્ય પૂરવઠા નિગમના ગોડાઉનની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ઘઉં, ચોખા, ચણા તેમજ તેલના ગોડાઉનનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે એફ.સી.આઈ.ના ગોડાઉનથી આવેલો જથ્થો કઈ સ્થિતિમાં સાચવવામાં આવે છે, તેનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમજ ચણા-તેલના જથ્થાની ગુણવત્તાના માપન વિશે જાણકારી મેળવી હતી. મંત્રીએ અનાજ-ચોખા-ચણાના નમૂનાની આકસ્મિક તપાસ પણ કરી હતી. આગામી દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમીના તહેવાર આવી રહ્યા છે, ત્યારે મંત્રી કુંવરજી બાવળિયાએ તહેવારો પર અનાજ-તેલ વગેરે રાશનનું વિતરણ આગોતરું તેમજ સમયસર થાય તે જોવા ખાસ સૂચના આપી હતી.