ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રસ્તા પર રખડતાં ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. રખડતાં ઢોરના હુમલાનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. ત્યારે આજે રખડતા ઢોરના હુમલાનો ભોગ વૃદ્ધ બન્યા છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગોવિંદનગરમાં ગાયે વૃદ્ધને ઢીંકે ચડાવી રોડ પર પટક્યા હતા. વૃદ્ધનું માથું ફૂટી જતાં લોહીલુહાણ બન્યા હતા અને રસ્તા પર લોહીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં હતાં.
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ગોવિંદનગરમાં આજે સવારે ગાયે નાથાભાઈ મુળજીભાઈ નામના વૃદ્ધને ઢીંક મારતાં હવામાં ફંગોળાઈ રસ્તા પર પટકાયા હતા, આથી વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં લોહીના ફુવારા છૂટ્યા હતા. વધુપડતું લોહી નીકળી જતાં રસ્તા પર લોહીનાં ખોબાચિયાં ભરાઈ ગયાં હતાં. બાદમાં આસપાસમાંથી લોકો એકત્ર થઈ ગયા હતા અને નાથાભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. નાથાભાઈનું શર્ટ પણ લોહીથી પલળી ગયું હતું. ઉલ્લેખનીય છે કે રાજકોટ મનપા દ્વારા 23 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધીમાં રસ્તે રખડતાં અને અડચણરૂપ 361 પશુઓ પકડવામાં આવ્યાં હતાં.
- Advertisement -
RMC રખડતાં ઢોરને ડબે પૂરવામાં નિષ્ફળ
શહેરમાં રસ્તે રઝળતાં પશુઓને કારણે અગાઉ અનેક જીવલેણ અકસ્માતો બન્યા છે તેમજ ગાય સહિતનાં પશુઓની ઢીંકથી મૃત્યુના કિસ્સા પણ બન્યા છે. આમ છતાં રસ્તે રઝળતાં પશુઓને ડબામાં પૂરવામાં નિષ્ફળ ગયેલા મહાનગરપાલિકા તંત્રની લાપરવાહીને કારણે વધુ એક વૃદ્ધ ગાયના હુમલાના ભોગ બન્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી પર બે માસ પૂર્વે કેટલાંક અસામાજિક તત્ત્વોએ હુમલો કરીને તેમની કામગીરી અટકાવવા પ્રયત્ન કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનરે વધારાનો પોલીસ-બંદોબસ્ત માગીને તેમજ સ્ટાફ બમણો કરી કામગીરી વધુ ઝડપી બનાવવા જાહેરાત કરી હતી. આ કામગીરી માંડ એક સપ્તાહ ચાલુ રહી હતી. એને કારણે રાજકોટ શહેરમાં રખડતાં ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળતી જ નથી.