ડબ્બા ટ્રેડિંગમાં 2 કોન્સ્ટેબલ સહિત 5 ભાગીદારો 20 લાખ હારી જતાં નાણાની ઉઘરાણી કરતા,
5 પેજની સુસાઇડ નોટ લખી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટમાં રેલવે કર્મીએ શેર બજારના ઓનલાઈન ડબ્બા ટ્રેનિંગમાં ભાગીદારીમાં બિઝનેસ કરતા લોકોના ત્રાસથી આજે સુસાઇડ નોટ લખી ફિનાઇલ પી જઈ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. 2 પોલીસ કર્મી સહિત 5 લોકો રૂ. 20 લાખની ઉઘરાણીને લઇ ત્રાસ આપતાં હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામા આવેલો છે.
- Advertisement -
રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ મથક અને અમદાવાદ રેલવે સુરક્ષા દળના કોન્સ્ટેબલ સહિતનાં દ્વારા છેલ્લા બે વર્ષથી અસહ્ય ત્રાસ આપવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી આજે પોતાની ફરજ પૂર્ણ થયા બાદ રેલવે કર્મી મોરબી હાઇવે પર બાઈક લઈને પહોંચ્યા હતા અને ત્યાં ફિનાઇલ પી લીધું હતું. જેથી તેઓ રસ્તા પર પડ્યા હતાં. દરમિયાન રેલવે કર્મીને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મનીષદાન બાદાણીએ જણાવ્યું હતું કે, મારા મોટાભાઈનું નામ આનંદકુમાર બાદાણી છે. જે રેલવે હોસ્પિટલમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવે છે. જેઓ અગાઉ ભાગીદારીમાં શેર બજાર ઓનલાઈન ટ્રેડિંગ કરતા હતા, જેમાં નુકસાની જતા મારા ભાઈ પાસે ઉઘરાણી કરે છે.
પૈસાની ઉઘરાણી માટે આ લોકો અવારનવાર મારા ભાઈના ઘરે આવે છે. તેમજ રેલવેમાં તે નોકરી કરે છે, ત્યાં પણ જાય છે. આ ઉપરાંત મારા ઘરે પણ આવે છે અને ટ્રેડિંગમાં નુકસાની થઈ તેના નાણા માંગી ત્રાસ આપે છે. નાણાની ઉઘરાણીને લઈને એ લોકો પોતાના માણસોને મોકલે છે અને મારી નાખવાની ધમકી આપે છે. આ સાથે જ પરિવારને પણ મારી નાખવાની ધમકીઓ આપે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રવિ મોહનભાઈ બારોટ ( રાઠોડ) છે જે મારા ભાઈને ધમકી આપે છે કે, હું પોલીસ ખાતામાં છું અને સત્તા મારા હાથમાં છે. અન્ય હિરલબેન સંજીવભાઈ બુધવાણી છે, જે રાજકોટના એરપોર્ટ રોડ ઉપર રહે છે. જેઓ પોતાના સમાજના માણસોને મોકલી ધમકી આપે છે. જેઓે કહે છે કે, હિરલબેનના માણસો છીએ, તેના પૈસા આપી દેજો નહીંતર તેમને અમને હવાલો આપ્યો છે. અમે તમને જાનથી મારી નાખશું. અન્ય દિપક પ્રજાપતિ જે ખંભાતથી છે. આ ઉપરાંત અમદાવાદ રેલવે પોલીસ કોર્સમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા મનોજ પટેલ અને નરેશ ડાકોર છે. આ બધા ધમકી આપે છે.